- પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતક મહિલાની ઓળખ માટે પ્રયાસો શરૂ કર્યા
- પોલીસને બ્રિજ પરથી કારની તૂટેલી લાઈટ અને સાઈડનું પડખું મળ્યાં છે
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં મહિલાનું મોત થયું છે. પ્રાથમિક રીતે મૃતક મહિલા ભિક્ષુક હોય તેવું અનુમાન છે, પરંતુ અકસ્માતના 7 કલાક થવા છતાં હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ અકસ્માત સ્થળ પર સીસીટીવી કેમેરા ન હોવાથી વાહનચાલક સુધી પહોંચવું પોલીસ માટે પડકારરૂપ બની ગયું છે. પોલીસે હવે બ્રિજના બંને છેડેના સીસીટીવી મેળવી વાહનચાલકની ઓળખ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.
બ્રિજ પરથી કારના તૂટેલા ભાગના ટૂકડા મળ્યા
એસજી હાઇવે 2 ટ્રાફિક પોલીસ દ્વારા ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને પગલે વાહનચાલકની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત અંગે જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા અજાણી મહિલાની લાશ પડી હતી. રોડ પર તેના ચંપલ પણ પડયા હતા. ઘટના સ્થળેથી પોલીસને વાહનના કેટલાક ટુકડા મળી આવ્યા છે. ગાડીની તૂટેલી લાઈટ અને સાઇડનું પડખું હોય તેવું લાગી રહ્યુ છે.
કેવી રીતે વાહનચાલક સુધી પહોંચશે પોલીસ?
ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનના બનાવમાં મહિલાને ટક્કર માર્યા બાદ કારના આગળના ભાગને નુકસાન થયું હતું અને ગાડીની તૂટેલી લાઈટ તથા સાઈડનું પડખાનો ટૂકડો બ્રિજ પર પડેલો પોલીસને મળ્યો છે. પોલીસ હવે બ્રિજ પર સવારે 4.30થી 5.30 વચ્ચે બ્રિજ પર ચઢીને ઉતરનારી તમામ કારોના સીસીટીવી ફૂટેજ ચેક કરશે અને આ તૂટેલા ટૂકડાના આધારે કારના માલિક સુધી પહોંચશે.
મહિલાની ઓળખ માટે સોશિયલ મીડિયાના સહારે પોલીસ
એસજી હાઇવે પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ રાઠોડે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થયું છે. મરનાર મહિલાની હજી સુધી ઓળખ થઈ શકી નથી. રાહદારી મહિલા હતી અને અજાણ્યાં વાહનચાલકે ટક્કર મારી હતી. મૃતક મહિલાની ઓળખ માટે તેના ફોટો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને સોશિયલ મીડિયામાં મોકલવામાં આવ્યા છે. તેના વાલીવારસની તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યાં વાહનચાલક સામે પોલીસે ફરિયાદી બની ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
