- લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
અરબી સમુદ્રમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. જયારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલ અનાજને નુકસાની ન થાય તેની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લધુત્તમ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
પરોઢે ફૂલ ગુલાબી ઠંડી, બપોરે સામાન્ય ગરમી
પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના શરૂ થયાં છે. હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયા અને વલસાડમાં 16 ડિગ્રી, ડીસામાં 17 ડિગ્રી, તેમજ રાજકોટ અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ સાથે સવારે રાજ્યભરમાં ઠંડી અનુભવાઈ હતી.
નલિયાનું તાપમાન સૌથી નીચું
ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. નવાવર્ષમાં રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી રહી છે. વલસાડ અને નલિયામાં લધુત્તમ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
