- વડાપ્રધાનના લોકાર્પણ-શિલાન્યાસના વર્ચ્યુઅલ કાર્યક્રમને લઈ તંત્ર અને ટ્રસ્ટની તડામાર તૈયારીઓ
- 21 કરોડના ખર્ચે બનનારા પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન વર્ચ્યુઅલ કરશે
- વડાપ્રધાન અહિલ્યાબાઈ મંદિરના પરિસરના કરાયેલા વિકાસકામ અને મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરશે
- શ્રાવણ માસના પ્રથમ અઠવાડિયામાં જ શિવભક્તોને યાત્રાધામમાં નવી સુવિધા માણવાનો લહાવો મળી રહેશે
જગવિખ્યાત સોમનાથના સાંનિધ્યે યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ 50 કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોક-વે, મ્યુઝિયમ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનારા રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ એકાદ અઠવાડિયાની અંદર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ થવાની છે, જેને લઈ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
યાત્રીઓને અનેક સ્થળો નિહાળવા મળશે
આગામી સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. એવા સમયે જ જગવિખ્યાત સોમનાથ મંદિરના સાંનિધ્યે યાત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે એ હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા અહિલ્યાબાઇ (જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) મંદિર પરિસરનાં વિકાસકામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતી મંદિરની પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તારીખ મળ્યા બાદ આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ-શિલાન્યાસ વિધિ થશે. એના કાર્યક્રમ માટેની તૈયારીઓ સ્થાનિક વહીવટી તંત્રના સંકલન સાથે ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.
તૈયારીઓને આખરી ઓપ
પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે થનારા કાર્યક્રમની સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવીણભાઈ લ્હેરીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ સાથે રિહર્સલ પણ થઇ રહ્યું છે, જેમાં ઇતિહાસમાં અંકિત થઈ જાય એવી શોભાયાત્રા સોમનાથ સમુદ્ર તટના વોક-વે ઉપર કાઢવાનું આયોજન હોઈ, એના રિહર્સલના ભાગરૂપે શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલનાં બાળકોની બેન્ડ પાર્ટી દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્કૂલની સંસ્થાના ટ્રસ્ટીઓ જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, જે.બી. મહેતા તથા સીબીએસસી સ્કૂલના સ્ટાફે તાલીમબદ્ધ માર્ચ પાસ્ટ સાથે ભાગ લીધો હતો.
સફેદ માર્બલનું ભવ્ય પાર્વતીજીનું મંદિર બનશે
છેલ્લાં ઘણાં વર્ષો દરમિયાન સોમનાથ મંદિર આસપાસ નવાં મંદિરો બનાવવાનું હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ કરાયું છે. ગોલોકધામ બનાવવાની તૈયારીઓ ચાલુ છે અને હવે સોમનાથ મંદિર પરિસરમાં રૂ.21 કરોડના ખર્ચે ભવ્ય શક્તિપીઠ પાર્વતીજી મંદિરનું પણ નિર્માણ કરવાનું નક્કી કરાયું છે. આ પાર્વતી મંદિર સોમનાથ મંદિર પરિસરમાં જૂની ચોપાટી નજીક અને હાલના યજ્ઞ મંડપ નજીક સફેદ માર્બલનું ભવ્ય મંદિર બનાવવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે.
વોક-વેમાંથી સોમનાથ મંદિર સાથે ઘૂઘવાતા સમુદ્રનો અદભુત નજારો માણી શકશે
સોમનાથ મંદિર સમીપે દરિયાકિનારે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત રૂ.45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ મુંબઈના મરીન ડ્રાઇવ જેવો સવા કિ.મી. લાંબો વોક-વે તૈયાર થઇ ગયો છે. સવા કિ.મી. લાંબો વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી બનાવવામાં આવ્યો છે, જેમાં બે એન્ટ્રી ગેટ રહેશે. સોમનાથ આવતા દેશ- વિદેશના યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણવા મળશે.
સાઈકલિંગની મજા પણ માણી શકશે
વોક-વે પથ પર યાત્રિકો સાઇલિંગની મજા પણ માણી શકશે. વોક-વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલરી બનાવવામાં આવી છે. એમાં વોક-વે પર ભારતની સંસ્કૃતિને લગતી ચિત્ર ગેલરી નિહાળી શકાશે. આ ચિત્ર ગેલરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે તેમજ મ્યુઝિક અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે, જેથી રાત્રિના સમયે વોક-વેનો સુંદર નજારો માણવાનો લહાવો યાત્રિકોને ટૂંકા દિવસોમાં પણ મળે.
