સુરતનો શ્વાસ રૂંધાયો:12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન, 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન મળતાં કટોકટી સર્જાય છે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • છેલ્લા બે દિવસથી હાલ માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો આવ્યો

કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જીવનરક્ષક એવા ઓક્સિજનની ભારે અછત ઊભી થતાં દર્દીનાં સગાંમાં અફરાતફરીનો માહોલ પેદા થયો છે. સરકાર દ્વારા પણ હાલ સુધી ફાળવાતા ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો ઘટાડો કરી દેવામાં આવતાં તંત્ર પણ વિમાસણમાં મુકાઇ ગયું છે. હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવી રહ્યો થવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે, જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. અને સુરત પાસે માત્ર 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે.

ઓક્સિજનની વ્યવસ્થા ન થાય તો ન ધારેલી પરિસ્થિતિની શંકા
આઇએમએના પ્રમુખ ડો. હિરલ શાહે જણાવ્યું હતું કે અત્યારે સુરત પાસે બારથી અઢાર કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે. જો ઓક્સિજનની વ્યવસ્થા ન થાય તો સુરતે ન ધારેલી પરિસ્થિતિ આવીને ઊભી રહી શકે છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો ખૂટી પડતાં દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાની પહેલી વેવમાં શહેરની મોટી ખાનગી હોસ્પિટલોમાં દૈનિક 20 ટન ઓકિસજન વપરાતો હતો, હવે આ માત્રા વધીને 200 ટન પહોંચી ગઈ છે.

હઝીરા, ઝઘડિયા સહિતના વિસ્તારોમાંથી ઓક્સિજન આવે છે
જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલના જણાયા મુજબ, સુરત જિલ્લામાં હજીરા, ઝઘડિયા સહિતના વિસ્તારોમાં આવેલા પ્લાન્ટમાંથી સુરત જિલ્લાને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી જામનગર રિલાયન્સમાંથી પણ 3 ટેન્કર જેટલો ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આવેલા પ્લાન્ટમાંથી પણ ઓક્સિજન સુરતને પહોંચાડવામાં આવતો હતો. આ જથ્થામાંથી સિવિલ સ્મિમેર ઉપરાંત ખાનગી હોસ્પિટલો તેમજ નવસારી, ડાંગ, નંદુરબાર સુધીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો.

આઇએમએ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ઓક્સિજનનો સપ્લાઇ ઓછો થતાં સુરતની હાલત કફોડી થઈ
એક અંદાજ પ્રમાણે દૈનિક સુરત જિલ્લામાં 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જોકે છેલ્લા બે દિવસથી હાલ માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો આવતાં કટોકટી સર્જાય છે. છેલ્લા દસ દિવસથી ઓક્સિજન અંગેની સમસ્યાઓ હતી જ, પરંતુ તંત્ર દ્વારા મેનેજ કરી લેવામાં આવતો હતો. દરમિયાન મહારાષ્ટ્રની કંપનીમાંથી આવતા 60 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનના જથ્થાને કેન્દ્ર સરકાર સુરતને નહીં આપવાનો નિર્ણય કરી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતાં સુરતની હાલત કફોડી થવા લાગી છે.

- Advertisement -
હઝીરા, ઝઘડિયા સહિતના વિસ્તારોમાં આવેલા પ્લાન્ટમાંથી સુરત જિલ્લાને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

કોરોના દર્દીઓના સગામાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
હાલમાં આઈનોકસ, એર લિક્વિડ, રિલાયન્સ અને લીન્ડે કંપની તરફથી સુરતને 150 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. આ જથ્થાને જરૂરિયાત પ્રમાણે 204 જેટલી હોસ્પિટલમાં ફાળવી દેવામાં આવ્યો છે. હવે સુરતને કેટલો જથ્થો મળે છે એના આધારે હોસ્પિટલોને ઓક્સિજન ફાળવવામાં આવશે. જોકે ઓક્સિજનની અછત ઊભી થઈ હોવાના મેસેજ ફરતા થવાની સાથે જ દર્દીઓનાં સગાંમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Exit mobile version