સુપર એક્સક્લૂઝિવ:ભાજપના ‘મિશન 2022 @150’ માટે વજુભાઈની પહેલી હિંટ, દિવ્ય ભાસ્કરને કહ્યું- હું પાર્ટીમાં હતો, છું અને ‘આગળ પણ’ રહીશ

By Abhishek Raghuvanshi
6 Min Read
  • ઘરવાપસી બાદ કોઈપણ મીડિયા સાથે વજુભાઈની સૌથી પહેલી વાતચીત, સંગઠનમાં મોટી સક્રિય ભૂમિકાની તૈયારી બતાવી
  • મોદી અને અમિત શાહ દિલ્હીમાં, બેન યુપીમાં, તો હવે ‘ઈ કરીને’ વજુભાઈ વાળા જ ગુજરાત ભાજપમાં સર્વસ્વીકૃત ચહેરો
  • આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 બેઠક જિતાડવા વજુભાઈ ફરી ચૂંટણીની પિચ પર બેટિંગ કરશે એવા નિર્દેશ

‘ઈ કરીને’ વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ તરીકે 7 વર્ષ સુધી ફરજ બજાવી રાજકોટ આવી ગયા છે. અત્યારે તો આંખે મોતિયાનું ઓપરેશન કરાવીને વજુભાઈ આરામ કરી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં જ વજુભાઈ રાજકારણમાં સક્રિય થશે એવી રાજકીય વર્તુળોમાં જબરદસ્ત ચર્ચા છે. આવામાં વજુભાઈનું આગામી પગલું શું હશે એ અંગે તેમનું મૌન અત્યારસુધી સૌને અકળાવી રહ્યું હતું, પરંતુ દિવ્ય ભાસ્કર સાથે વજુભાઈએ ઘરવાપસી બાદ કરેલી સૌપ્રથમ વખત વાતચીતમાં મૌન તોડ્યું છે. તેમણે એવી માર્મિક ટકોર પણ કરી છે કે ‘હું પાર્ટીનો સભ્ય હતો, હાલ છું અને રહીશ જ.’

ભાજપના આંતરિક જૂથવાદને ડામવા વજુભાઈ હુકમનો એક્કો
વજુભાઈએ દિવ્ય ભાસ્કરને આપેલી આ હિંટ ઘણુંબધું કહી જાય છે. આમેય નરેન્દ્ર મોદી અને અમિત શાહ છેલ્લાં આઠેક વર્ષથી રાષ્ટ્રીય રાજકારણમાં વ્યસ્ત છે. બીજી તરફ, આનંદીબેન ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ છે અને આવામાં ગુજરાત ભાજપમાં અત્યારે કોઈ મોટો અને સર્વસ્વીકૃત ચહેરો છે નહીં. પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકનો ટાર્ગેટ લઈને બેઠી છે. આવામાં વજુભાઈની ગુજરાતમાં વાપસી એ વાતના પૂરેપૂરા સંકેત આપે છે કે પ્રદેશમાં ભાજપના આંતરિક જૂથવાદને ડામવા અને સંગઠનને ફરી સ્વીકૃત ચહેરો આપવાનું આ એક મોટું કદમ છે.

ઘરનાને સમજાવી વિપક્ષ સાથે બાથ ભીડવાની કુનેહ વજુભાઈ પાસે છે
સૌરાષ્ટ્રમાં પાટીદારોના પ્રેશર પોલિટિક્સ સામે વજુભાઈને ઉતારવામાં આવે તો નવાઇ નહીં. ગુજરાતમાંથી મોદી અને અમિત શાહ દિલ્હી ગયા પછી ભાજપના આંતરિક જૂથવાદને ડામવા વજુભાઇને આગળ કરવામાં આવશે. મિશન 2022@ 150 માટે સૌથી વજુભાઈ સૌથી સિનિયર નેતા છે અને તેમનો સૌમ્ય સ્વભાવ તથા હળવાશથી ગંભીર વાત કહેવાની છટા બેજોડ છે. હાલ તો સૌથી સિનિયર નેતા તરીકે વજુભાઈનું જૂથ ફરી સૌરાષ્ટ્ર અને રાજકોટના રાજકારણમાં સક્રિય થઇ ગયું છે. પક્ષના આંતરિક અસંતોષ અને વિપક્ષ સાથે બાથ ભીડવામાં વજુભાઇ પાસે અદભુત પકડ છે.

ગુજરાતના સૌથી સિનિયર નેતાઓમાં વજુભાઈ મોખરે
ગુજરાતના સૌથી સિનિયર નેતામાં વજુભાઈ વાળાનું નામ આવે છે. વજુભાઈ સૌથી વધુ 18 વખત ગુજરાત સરકાર વતી બજેટ રજૂ કરવાનો વિક્રમ પણ ધરાવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બહાર જાય તો વજુભાઈ વાળાને જ ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સોંપતા હતા, આથી મુખ્યમંત્રીના દાવેદાર સુધી પહોંચી ચૂકેલા વજુભાઈને હાલ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ કે સી.આર. પાટીલ ઘરે બેસવા દેશે નહીં. આગામી 2022ની ચૂંટણીમાં તેમને કોઇ મોટી જવાબદારી સોંપશે એ નક્કી છે.

- Advertisement -

આંખના ઓપરેશન બાદ વજુભાઈ આરામમાં કે વ્યૂહરચનામાં?
કર્ણાટકના રાજ્યપાલ તરીકે 7 વર્ષ ફરજ બજાવી ચૂકેલા વજુભાઈ રાજકોટ આવીને આંખનું ઓપરેશન કરાવ્યું છે. તેઓ હાલ આરામ કરી રહ્યા છે, તેમને મળવા માટે રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો જઇ રહ્યા છે, પરંતુ વજુભાઇએ દિવ્ય ભાસ્કરને એમ પણ કહ્યું હતું કે પોતાની આગામી રાજકીય ભૂમિકા વિશે તેઓ ટૂંક સમયમાં બધાની વચ્ચે જાહેરાત કરશે. રાજકોટના તેમના ખાસ મિત્ર ગુણુભાઈ ડેલાવાળાને કહ્યું હતું કે રાજકોટમાં હવે ડાયરાઓ કરીશું અને નાટકો જોઈશું, પરંતુ વજુભાઇ ગુજરાતના રાજકારણમાં શું ભૂમિકા ભજવશે એના પર સૌની નજર રહેલી છે.

સંબંધો, સલાહ અને વ્યૂહરચનાથી ભાજપને ફાયદો થયો છે
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વજુભાઈ બંધારણીય હોદ્દા પર છે, પરંતુ હવે તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. જોકે તેમનું માર્ગદર્શન ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સાબિત થતું રહ્યું છે. ચૂંટણી સમયે સૌરાષ્ટ્રની બેઠકોમાં વજુભાઈનાં સંબંધો, માર્ગદર્શન, વ્યૂહરચના અને કૂટનીતિથી ભાજપને ફાયદો થયો છે. હવે જ્યારે વજુભાઇ બંધારણીય હોદ્દા પરથી પરત આવી રહ્યા છે, ત્યારે તેમની ભૂમિકા ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની સાબિત થશે એમાં કોઇ શંકા નથી.

વજુભાઈ ગીલી-ડંડાની જેમ રાજકારણમાં પણ માહેર છે.

‘પાણીવાળા મેયર’નું બિરુદ મળેલું
વજુભાઈએ ભાજપને ગુજરાતમાં પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન જિતાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીત થયા પછી 1983માં તેઓ મેયર બન્યા. એ વખતે સૌરાષ્ટ્ર આખામાં પાણીની ભારે તંગી હતી. વજુભાઈ રાજકોટ તથા આસપાસના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે એ માટે ઝનૂનથી કામ કરતા. તેમનું આ ઝનૂન જોઈને તેમને ‘પાણીવાળા મેયર’નું બિરુદ મળેલું.

રાજકોટ-2 બેઠકને ભાજપનો અજેય ગઢ બનાવ્યો
ગુજરાત વિધાનસભાની 1985ની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપના ગણીને 11 ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમાંથી એક વજુભાઈ હતા. વજુભાઈ રાજકોટ-2 બેઠક પરથી જીતેલા ને આ બેઠક પર પછી ક્યારેય ભાજપ હાર્યો નથી. વજુભાઈ પોતે સળંગ ચારવાર રાજકોટ-2 બેઠક પરથી જીત્યા. જો કે 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે આ બેઠક મોદી માટે ખાલી કરી આપેલી અને પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જિતાડવામાં કોઈ કસર છોડી નહીં. હાલ આ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા.

8 વિધાનસભા ચૂંટણી જીત્યા અને સૌથી વધુ વાર બજેટ રજૂ કર્યું
વજુભાઈ 1985થી લઈને 2012 સુધીમાં 8 વિધાનસભા ચૂંટણી ચૂંટણી જીતી ચૂક્યા છે. 1995થી 2012 સુધી તેઓ ભાજપ સરકારમાં નાણામંત્રીપદે રહ્યા હતા. તેમણે 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો. જોકે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યા, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો.

Exit mobile version