- ભારે વરસાદના પગલે મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલાયા
- દમણગંગા નદી બે કાંઠે વહેતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
દાદરા નગર હવેલીમાં બે દિવસથી ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે આખી રાત દરમિયાન ખાનવેલ વિસ્તારમા ભારે વરસાદ પડવાની કારણે નદી નાળા છલકાઈ ગયા છે. સેલવાસમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે ખાનવેલ વિસ્તારમા છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમની સપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ડેમમાં પ્રતિ કાલાકે 1 લાખ 12 હજાર 03 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને લઇને ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જ્યારે દમણગંગા નદીમાં પ્રતિ કલાકે 1 લાખ 59 હજાર 546 ક્યુસેક પાણીની આવક થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
ગઇકાલ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આંકડાં
- ઉમરગામ- 48 મિમી
- કપરાડા- 126 મિમી
- ધરમપુર- 98 મિમી
- પારડી- 72 મિમી
- વલસાડ- 25 મિમી
- વાપી- 45 મિમી
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના આંકડાં
- ઉમરગામ- 09 મિમી
- કપરાડા- 58 મિમી
- ધરમપુર- 26 મિમી
- પારડી- 17 મિમી
- વલસાડ- 01 મિમી
અધિકારીઓને પોતાના હેડકોટર્સ ન છોડવા આદેશ
ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ તાલુકાના નિચાણવાળા ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્રારા ટ્વીટ કરી નિચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારા નજીક અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં એક NDRFની ટીમ સેન્ડબાય કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ અધિકારીઓને પોતાના હેડકોટર્સ ન છોડવાની સૂચના પણ આપવામાં આવી છે.
