- ભાજપના કોર્પોરેટરે માસ્ક વિના મતવિસ્તારના લોકોને મળીને તેમના જીવ જોખમમાં મૂક્યા
- મહાદેવ દેસાઈ શહેરના સૈજપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન
- આ અગાઉ અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ માસ્ક વિના ફોટો પડાવતા દેખાયા હતા
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ હતી. કેસોની સંખ્યામાં હવે ઘટાડો થતાં કોરોના કાબૂમાં આવ્યો છે, પરંતુ બેદરકારી ત્રીજી લહેર લાવી શકે છે. રાજ્યમાં માસ્ક ન પહેરવા પર રૂ. 1000ના દંડની જોગવાઈ છે. લોકો માસ્ક ન પહેરે અથવા માસ્ક નાકની નીચે હોય તો પોલીસ કે કોર્પોરેશન રૂ. 1000નો દંડ ફટકારે છે, પરંતુ જો નેતાએ માસ્ક ન પહેર્યું હોય તો પોલીસ કે કોર્પોરેશન આંખ આડા કાન કરી દે છે. શહેરના સૈજપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ માસ્ક વગર પોતાના મતવિસ્તારમાં ફરતા હોવાના ફોટો સામે આવ્યા છે. મતવિસ્તારમાં રાઉન્ડ લેતી વકતે તેમણે માસ્ક પહેર્યું નહોતું. તેમની સાથેના અન્ય લોકોએ પણ માસ્ક પહેર્યું નહોતું. આ મામલે પૂછવા DivyaBhaskarએ મહાદેવ દેસાઈને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો.
પ્રજાના સેવકે જ લોકોના જીવન જોખમમાં મૂક્યા
ભાજપના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના પોતાના જ ફેસબુક પ્રોફાઈલ પર માસ્ક વગરના ફોટોમાં સામે આવ્યા છે. આ ફોટોમાં મહાદેવ દેસાઈ માસ્ક વગર પાંચથી છ લોકો સાથે મતવિસ્તારમાં ફરી રહ્યા છે અને લોકોને મળી રહ્યા છે. તેમની સાથેના પણ બેથી ત્રણ લોકોએ માસ્ક પહેર્યાં નથી. માસ્ક વગર ફરતા નેતાજીએ અન્ય લોકોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી તેમને મળ્યા છે, ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ જ બેદરકારી દાખવી રહ્યા છે.
શું કોર્પોરેટરને 1000નો દંડ થશે?
લોકોને દંડ કરતી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેવડી નીતિ સામે આવી છે. અમદાવાદ શહેરમાં જ્યારે કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો તેને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવે છે. જો દંડ ભરવા અંગે આનાકાની કરે તો તેની સામે ગુનો નોંધવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ નેતા માસ્ક વગર ફરે તો પોલીસને એ દેખાતું નથી.
મેયર પણ માસ્ક વિના દેખાયા હતા
અગાઉ માસ્ક વગર અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર માસ્ક વગર ફોટો પડાવતા હતા. પોલીસ અને તંત્ર કેમ માત્ર પ્રજા સામે જ કાર્યવાહી કરે છે ? કેમ એકપણ વાર નેતાઓ સામે નથી લેવાતાં પગલાં? કોર્પોરેશન તંત્ર મોટે પાયે લોકોને જાગ્રત કરવા જાહેરાત કરે છે, પરંતુ કોર્પોરેશનના નેતાઓ જ ખુદ અમલ કરી રહ્યા નથી. શું ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોરોનાની ગાઈડલાઈન્સ લાગુ નથી પડતી?
