- જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે: ઠાકોર સાહેબ
રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. ત્યારે પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગતો તથ્ય વિહોણી ગણાવતા રાજકોટના ઠાકોર સાહેબે જણાવ્યું કે, રાજ પરિવાર વિશે ફેલાવવામાં આવી રહેલી વાતો પાયા વિહોણી છે. માંધાતાસિંહ જાડેજા સ્વ.પ્રહલાદસિંહજી જાડેજાને એમનો હિસ્સો મર્હુમ ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજીએ પોતાની હયાતીમાં જ આપી દીધો હતો, હવે કોઈનો હક રાજ પરિવારની મિલકત પર બનતો નથી.
રાજકોટના રાજ પરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પત્રકાર પરિષદમાં જે કંઈ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ બિનજરુરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે એને જાહેરમાં લઈ જવાની જરુર નથી અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.
જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી: માંધાતાસિંહ
માંધાતાસિંહએ આજે એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી.અમારા ધ્યાને આવ્યું છે કે, અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પુર્વજ, રાજકોટના પૂર્વ ઠાકોર સાહેબ મર્હુમ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.
આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિ નથી: માંધાતાસિંહજી
મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજીના નાના ભાઈ સ્વ.પ્રહલાદસિંહજી જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત સ્વ. ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ પોતે જ આપી દીધી હતી. એમના પૂત્ર અનિરુદ્ધસિંહજીએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબુલ કરી છે. માટે હવે સ્વ. પ્રહલાદસિંહજીના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી. આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો રાજકોટની પ્રજામાં ગેરસ ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિ નથી.
10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો
ગઈકાલે રણસુરવીરસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે.કે.જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો. આ માટે તેમના દ્વારા 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદાર અધિકારીઓ સમક્ષ કાર્યવાહી કરવા માગ કરી હતી.
રણસુરવીરસિંહે લગાવેલા આક્ષેપો ખોટાઃ પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, માંધાતાસિંહના કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહએ લગાવેલા આક્ષેપ ખોટા છે, પાયાવિહોણા આક્ષેપ મારા પર કરવામાં આવ્યા છે.ખોટા આક્ષેપ કરતા તેની સામે લીગલ એડવાઈઝરની મદદ લઈ કાર્યવાહી કરવા સલાહ લેવામાં આવશે. બંને પક્ષના કોઈ પક્ષકાર ક્યારેય મને મળવા નથી આવ્યા અને આજે સીધા આક્ષેપ કરવામાં આવ્યા સાચું કેવી રીતે માનવું? રૂપિયાનો આક્ષેપ વર્ષ 2016માં થયાની વાત છે, જ્યારે હું રાજકોટમાં વર્ષ 2019 ડિસેમ્બરમાં આવી ફરજ નિભાવી કાર્યરત થયો છું.
11 મિલકતોરને લઇને રાજવી પરિવારમાં વિવાદ
રાજકોટના રાજવી પરિવારની મિલકત વિવાદમાં માંધાતાસિંહ પર તેમના બહેને દાવો માંડ્યા બાદ હવે તેમના ભત્રીજા રણસુરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ દાવો માંડ્યો છે. તેમને મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમ્નસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. ખાસ કરીને તેમણે 11 મિલકતો કે જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે.
