રાજકોટમાં રસ્તા પર કાદવ જામ્યો, 2 દિવસમાં 50 વાહન સ્લીપ થયા, ધડામ…કરતા લોકો રોડ પર પટકાયા, મેયરે રાતે દોડી જઇ રસ્તો રિપેર કરાવ્યો

By Abhishek Raghuvanshi
2 Min Read
કાદવના કારણે વાહનો સ્લીપ થતા હતા.
  • સ્થાનિક લોકોની ફરિયાદોથી દિવ્ય ભાસ્કરની ટીમે મેયરને જાણ કરતા અડધી કલાકમાં દોડી આવ્યા હતા

રાજકોટ શહેરના હાર્દસમા કાલાવડ રોડ પર આત્મિય કોલેજથી સત્યસાંઈ હોસ્પિટલ જતા માર્ગ તરફ કાદવનાં ગંજ જામ્યા હતા. જેના કારણે અનેક વાહનો સ્લીપ થતા લોકો ધડામ કરતા રોડ પર પટકાતા હતા. અહીં બે દિવસમાં લગભગ 50થી વધુ લોકો વાહન સાથે સ્લીપ થતા અકસ્માતનો ભોગ બન્યા હતા. જેના લાઈવ દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જોકે, દિવ્ય ભાસ્કરે તુરંત રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવનો સંપર્ક કર્યો હતો અને ત્વરિત કામગીરી માટે જાણ કરી હતી. જેના પગલે રાતોરાત મેયર ખુદ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક ફાયર વિભાગ અને મનપા સ્ટાફની મદદથી લોકોની સમસ્યાનું નિરાકરણ કરાવ્યું હતું.

કાદવ થવાના કારણે લોકોના વાહન સ્લીપ થતા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજની બાજુની શેરી એટલે કે સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર કાદવ થવાના કારણે લોકોના વાહન સ્લીપ થતા હતા. માટે સ્થાનિક લોકોએ દિવ્ય ભાસ્કર ટીમનો સંપર્ક કર્યો હતો અને લોકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરાવવા તંત્ર સુધી અવાજ પહોંચાડવા રજુઆત કરી હતી. માટે દિવ્ય ભાસ્કરે પોતાની ફરજ નિભાવી તુરંત રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવને જાણ કરી સમસ્યાનું નિરાકરણ કરવા જાણ કરી હતી. આથી મેયર ખુદ ત્વરિત માત્ર અડધો કલાકમાં સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરાકરણ કરાવવા અધિકારીઓને સૂચના આપી રાતોરાત કાદવ દૂર કરાવ્યો હતો.

બે દિવસમાં આવા 50 અકસ્માત થયા.

સમસ્યા મેં ખુદ જાતે સ્થળ પર પહોંચી અનુભવીઃ મેયર
રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવે સમગ્ર મામલે વાત કરતા જણાવ્યું હતું કે, આપના તરફથી મળેલી માહિતી અને સમસ્યા મેં ખુદ જાતે સ્થળ પર પહોંચી અનુભવી હતી. આ માટે તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી રસ્તા પર પાણી છાંટી કાદવ દૂર કરી રસ્તા પર જરૂરી ખાડા બુરવા તેમજ રેતી કપચી ઠલવી તાત્કાલિક રોડ શરૂ કરી લોકોની અગવડતા દૂર કરી છે. આ સાથે ફરી લોકોને આ મુશ્કેલી ન પડે માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે.

કાદવના કારણે બાઇક કે સ્કૂટર બેલેન્સ જાળવી શકતું નહોતું.
મેયરે ફાયરબ્રિગેડની મદદથી રસ્તાને ધોવડાવી અને ખાડા હતા ત્યાં મોરમ પથવારી હતી.
Exit mobile version