- ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જયના લગ્ન મોરબીના ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે કરવામાં આવ્યા છે, જેમાં ત્રિ-દિવસીય ફંક્શન પૂર્ણ થતાં તમામ પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ફરી રાજકોટ પરત ફરશે. ગઈકાલે ત્રીજા અને અંતિમ દિવસે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા, જેમાં રજવાડીસ્ટાઇલથી હાથી ઘોડા અને ઊંટ તેમજ બેન્ડ તથા નગારાં સાથે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી.
સાંજના 7.30 વાગ્યે હસ્તમેળાપ થયો
ત્રિદિવસીય જાજરમાન લગ્નના આયોજનમાં ગઇકાલે ત્રીજા અને અંતિમ દિવસે, એટલે કે મંગળવારે સાંજે જય અને હેમાંશીના લગ્ન યોજાયા હતા. ઉમેદભવન પેલેસના બારાદરી લોન ખાતે સાંજના 3.45 વાગ્યે રજવાડીસ્ટાઇલથી હાથી, ઘોડા, ઊંટ તેમજ નગર તથા બેન્ડ સાથે જાન પ્રસ્થાન થઇ હતી અને વાજતેગાજતે જાન લગ્નમંડપ સુધી પહોંચી હતી ત્યાર બાદ સાંજના 7.30 વાગ્યે હસ્તમેળાપ યોજવામાં આવ્યો અને રાત્રિના સમયે ફેરાફેરી અગ્નિની સાક્ષીએ હેમાંશી પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ
જાજરમાન લગ્નપ્રસંગના પ્રથમ દિવસે સાંજે મહેંદી તેમજ સંગીતની રસમ યોજાઈ હતી, જેમાં રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ અને બાદ સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.
રાજસ્થાની કલાકારો બોલિવૂડના સૂર રેલાવતા જોવા મળ્યા
ત્રિ-દિવસીય લગ્નમાં બીજા દિવસે સવારે 9.30 વાગ્યે મંડપમુહૂર્ત અને બપોરના સમયે હલ્દી રસમ યોજાઇ હતી. એ બાદ રાત્રિના સમયે સમગ્ર ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનોએ ઉમેદભવન પેલેસ ખાતે સૌથી ઉપરના માળે પહોંચી અલ્પાહાર લીધો હતો અને ત્યાંથી સમગ્ર શહેરની રોશનીનો રાત્રિ નજારો નિહાળ્યો હતો. આ સમયે ત્યાં રાજસ્થાની કલાકારો કરતાલ સાથે બોલિવૂડનાં ગીતોના સૂર રેલાવતા જોવા મળ્યા હતા તો ક્યાંક રાજસ્થાની ગીત સાથે નૃત્ય કરતી મહિલાઓ નજરે પડી હતી.
ઐશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી
રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પ્રથમ દિવસે રાસ-ગરબામાં ઐશ્વર્યા મજમુદારે રાસની રમઝટ બોલાવી હતી તો ગઈકાલે બીજા દિવસે બોલિવૂડ નાઇટમાં જાણીતા ગાયક સચિન-જિગરની જુગલ જોડીએ ઉકાણી પરિવાર અને આમંત્રિત કલાકરને બોલિવૂડનાં ગીતો સંભળાવ્યાં હતાં, ડીજેના તાલે જુમાવ્યા હતા અને જય તેમજ હિમાંશી સહિતના કપલને કપલ ડાન્સ કરાવ્યા હતા.
