- ભલે હું દિવ્યાંગ છું, પણ ભગવાનના દર્શન કરીને જ રહીશઃ સ્થાનિક
આ વખતે રથયાત્રા કર્ફ્યૂમાં નીકળી છે. ત્યારે ખમાસાના સ્થાનિક વર્ષાબેન કહે છે કે, 1992માં રમખાણોમાં પણ અમે રથ પાસે જઈને દર્શન કર્યાં હતાં. છેલ્લા 50 વર્ષથી રથયાત્રાની સાક્ષી છું. મારી દિકરી અને જમાઈ રથાયાત્રાના દિવસે આખો દિવસ અમારા ઘરે મહેમાન બનીને રહે છે. બાળકોમાં પણ ઉત્સાહ હોય છે. આ દિવસે આખો દિવસ હું જમણવાર રાખું છું. રથયાત્રામાં જોડાયેલા લોકોની સેવા પણ કરું છું. આ વખતે જગતના નાથ મારા દ્વાર પાસેથી પસાર થયાં છતાં હું તેમના દર્શન નજીકથી નથી કરી શકી. આજે મને સૌથી વધુ દુઃખ થયું છે. વર્ષોની આસ્થા અને ઉત્સાહ આ વર્ષે ધોવાઈ ગયો. શહેર કોરોના મુક્ત થાય એના માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું.
આ વર્ષે 14 કલાકની યાત્રા 5 કલાકમાં સંપન્ન થઈ
દર વર્ષે રથયાત્રા 14 કલાક જેટલો સમય શહેરના માર્ગો પર ફરતી હોય છે. પરંતુ આ વખતે ભગવાન જગદીશ નગરચર્યા કરી રહ્યાં છે અને ભક્તો ઘરમાં બંધ છે. શહેરમાં નાગોરીવાડના એક દિવ્યાંગ વ્યક્તિએ કહ્યું હતું કે, ભલે હું દિવ્યાંગ છું, પણ ભગવાનનાં દર્શન તો કરીશ જ. ભગવાનના દર્શન કરવા માટે મને પોલીસ રોકે છે પણ હું તો ભગવાનને મળીને જ રહીશ.
લોકોએ ઘરમાં રહીને ભગવાન જગદીશના દર્શન કર્યાં
બીજી તરફ લોકોએ ઘરમાં રહીને ભગવાન જગદીશના દર્શન કર્યાં હતાં. દર વખતે શહેરના માર્ગો પર જય રણછોડ માખણચોર, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીનો નાદ ગૂંજતો હોય છે. લોકો ઘરમાંથી રોડ પર આવીને ભગવાનનો જયકારો બોલાવીને ભગવાનના દર્શન કરતાં હોય છે. પરંતુ કર્ફ્યૂ હોવાથી લોકોએ ઘરમાંથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કર્યાં હતાં. જમાલપુર વિસ્તારમાં ભગવાનના રથ પહોંચતા જ બાળકોએ ધાબા પર ચઢીને ભગવાનની જય બોલાવતા નારા લગાવ્યા હતાં.
ભજન મંડળીની બહેનો ભાવુક થઈ
મંદિરની બહાર રથ નીકળતાં જ ભજન મંડળીની મહિલાઓએ માંગ કરી હતી કે અમારે પણ ભગવાનની સાથે નગરચર્યાએ જવું છે. અમે પણ ભગવાનની સાથે ભજન કરવા માંગીએ છીએ. અમને અત્યારે પોલીસે અટકાવી દીધાં છે. રથયાત્રામાં જોડાવા માટે સંપૂર્ણ તૈયારી કરીને આવેલી બહેનો ભગવાનના રથ મંદિરના દરવાજાની બહાર નીકળતાં જ ભાવુક થઈ ગઈ હતી. રથયાત્રાના રૂટ પર આવતા મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતાં નજરે પડ્યાં હતાં. સમગ્ર રૂટ પર ચારે બાજુ પોલીસ ખડકી દેવામાં આવી હતી. રથની આગળ પાછળ પોલીસ પણ દોડતી જોવા મળી હતી.
