- પૈસાની લેતીદેતીમાં ભાજપના નેતા અને પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું
- મહીસાગર પોલીસ પકડાયેલા આરોપીની ધરપકડ કરીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી
- પોલીસે આરોપીનો મોબાઇલ અને હત્યામાં વપરાયેલુ હથિયાર જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી
મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમનાં પત્નીની હત્યા કેસમાં ત્રિભોવનદાસ પંચાલના ખાસ મિત્રએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. મહીસાગર પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના નેતા-પત્નીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળ્યા હતા
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામમાં રહેતા ત્રિભોવનદાસ પંચાલ(ઉ.77) અને તેમના પત્નની જશોદાબેન પંચાલ(ઉ.70) પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્યનો હોદ્દો ધરાવતા હતા. 4 ઓગસ્ટે રાત્રીના સમયે ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્ની જમી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલી લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા. તે દરમિયાન હત્યારાઓએ ત્રિભોવનદાસના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી 3 ઉપરાંત ઘા મારી હુમલો કરી હત્યા કરી નાખી હતી.
લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોઇને લોકો ચોંકી ઉઠ્યા
દરમિયાન ઘર બહાર થયેલી હિલચાલને લઈને તેમના પત્નિ જશોદાબેન ઘર બહાર આવ્યા હતા. તે વખતે જ તેમને પણ તેઓ ઘરની બહાર આવે તે પહેલાં જ તેમને પણ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી અને હત્યારાઓ ફરાર ગયા હતા. સવારે દૂધ ભરવા માટે જતા લોકોએ કમ્પાઉન્ડમાં ખુલ્લામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોઇને ચોંકી ઉઠ્યા હતા.
સોના-ચાંદીના દાગીના પણ સલામત મળી આવ્યા હતા
આ બનાવની જાણ લુણાવાડા પોલીસને તેમજ મૃતકના આણંદ ખાતે રહેતા પુત્રને થતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડબલ મર્ડરને લઇને રેન્જ આઇજી સહિત પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોવડ અને FSLની મદદ લઇને હત્યારાઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ઘરમાં રાખવામાં આવેલી રોકડ રકમ તેમજ અન્ય સોના-ચાંદીના દાગીના પણ સલામત મળી આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા
ડબલ મર્ડર કેસમાં ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. રેન્જ IG જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની અલગ-અલગ ટીમો સહિત જિલ્લા પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને સતત તપાસ હાથ ધરી હતી. લુણાવડા નગરના CCTV ફૂટેજ ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં મૃતક ત્રિભોવનદાસના મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. જેને પગલે પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરી છે. સામાન્ય પૈસાની લેતી-દેતીમાં હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આજે સવારે આરોપીને ઘટના સ્થળે લઇ ગઇ હતી. પોલીસે આરોપીનો મોબાઇલ અને હથિયાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પંચાલ સમાજે આરોપીને કડક સજા આપવાની માંગ કરી
દાહોદમાં આવેલા ગૃહ રાજ્યમંત્રીને પંચાલ સમાજે આવેદન આપ્યુ હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામે પંચાલ સમાજના આગેવાન એવા દંપતિની કરપીણ હત્યાના બનાવનો દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ, દાહોદે વખોડી કાઢી હતી. આ ઘટનાનો ભેદ ઉકેલીને હત્યારાઓને પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથેનું એક આવેદનપત્ર ગૃહ રાજ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું.
