- મહિલા નેતાની ઇસુદાન સામેની છેડતીની ફરિયાદથી ભાજપના સિનિયર નેતાઓ ચોંકી ઊઠ્યા
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં AAP અને BJP વચ્ચે સર્જાયેલા ઘર્ષણના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. આમ છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ અને ભાજપ સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓની ચુપકીદી પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ કાર્યાલય પર બનેલી ઘટનામાં ભાજપનાં મહિલા આગેવાને આમ આદમી પાર્ટીના નેતાઓ પર 18 કલમ લગાવી કરેલા છેડતી સહિતની ફરિયાદ અને કેટલાક ગંભીર આક્ષેપોના ઘેરા પ્રત્યાઘાત પક્ષ અને સરકારમાં પડ્યા છે.
ખાસ કરીને ભાજપનાં મહિલા નેતાના નિવેદન અને ફરિયાદમાં AAPના નેતાઓએ છેડતી કરી હોવાનો અને આપ આગેવાન ઇસુદાન ગઢવી નશામાં હોવાના ગંભીર આરોપો કરતાં ભાજપના સિનિયર આગેવાનો પણ ચોંકી ઊઠ્યા હતા. એટલું જ નહીં, આ મામલે કેટલીક ચકાસણી કર્યા બાદ નેતાઓએ સૂચક મૌન પાળ્યું હોવાનું મનાય રહ્યું છે.
મીડિયા સેલ ઢગલાબંધ નિવેદન કરે છે, પણ આ વખતે ચૂપ
સામાન્ય રીતે ભાજપના પ્રદેશ કાર્યાલયમાં AAPના વિરોધપ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાને ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો વખોડતાં નિવેદનો કરતાં હોય છે. અરે, પ્રમુખ કોઈ મામલે કંઈ ના બોલે તો પ્રદેશ પ્રવક્તા કે ભાજપનું મીડિયા સેલ ઢગલાબંધ નિવેદનો કરતું હોય છે, પરંતુ આ ઘટનામાં બધા નેતાઓ એકદમ ચૂપ થઈ ગયા હોવાથી કંઈક અજુગતું બની ગયું હોવાનું ભાજપના જ કેટલાક સંનિષ્ઠ નેતાઓ માની રહ્યા છે.
રાજકીય ગણિતને માંડીને ચૂપ રહેવાનું મુનાસીબ માન્યું
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે એક નવા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી એટલે કે AAPની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ સામે AAPની પણ ટક્કર થવાની છે. આ સંજોગોમાં AAPના વિરોધપ્રદર્શન સામે ભાજપનાં મહિલા આગેવાનના આક્ષેપોની આડઅસર આખા ભાજપને થાય તેવા રાજકીય ગણિતને માંડીને પણ ભાજપના નેતાઓએ ચૂપ રહેવાનું મુનાસીબ સમજ્યું હોવાનું પણ પક્ષના કેટલાક નેતાઓ સમજી રહ્યા છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તાબડતોબ દોડી ગયા હતા
તો બીજી બાજુ, ગુજરાતમાં ભાજપની જ સરકાર છે અને તેમની જ પાર્ટીના કાર્યાલય પર હંગામો થયો હતો. આ મામલે એ સમયે તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાજપના કાર્યાલય કમલમ તાબડતોબ દોડી ગયા હતા, પરંતુ ભાજપનાં મહિલા આગેવાને AAPના નેતાઓ પર આરોપો મૂકતાં જ હર્ષ સંઘવી અચાનક ગાયબ જ થઈ ગયા હતા.
ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ
આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મૂકતાં તેમને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.
