- પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણીનો સરવે શરૂ કર્યો
- કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના નામની ચર્ચા થઈ હતી
- ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે
ગુજરાતમાં નેતાવિહોણી અને સતત પરાજયનો સામનો કરી રહેલા કૉંગ્રેસ પક્ષને ફરી બેઠો કરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. આ મામલે કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોર વચ્ચે બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ થોડા દિવસ પહેલાં મળેલી કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં પણ પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી. બીજી તરફ, પ્રશાંત કિશોરની ટીમે કોંગ્રેસ માટે ચૂંટણી અંગે સરવે પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા 2022ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનવાવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે તે અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહશે
2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહશે. જો કે પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ કોંગ્રેસના જ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતીકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે.તાજેતરમાં જ કૉંગ્રેસના ધારાસભ્યો ની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 2022 વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો હતો. બેઠક અંદાજીત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવા ચર્ચા થઈ
આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલ્દી નિર્ણય લેવાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પદો પર તાત્કાલિક નિમણૂંક થાય તે માટે હાઇકમાન્ડને રજુઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત ઉપર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માંગ મૂકે તેવી સર્વ સંમતિ પણ દર્શાવવામાં આવી છે.
ભરતસિંહ સોલંકીએ પીકે સાથે બેઠક કરી હતી
ગુજરાતમાં કોંગ્રેસની એકબાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે તેવી માંગ ઉઠી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે, ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.
