પાણી પણ મોંઘું થયું:રૂપાણીના રાજમાં નર્મદાના પીવાના પાણીના દરમાં પણ વધારો ઝીંકાયો, કોરોના બાદ હવે સરકારે પણ જનતાની કમર તોડી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • પાણીના ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નિયત કરવામાં આવ્યો

કોરોનાના કહેરમાં લોકોના કામ-ધંધા અને આવક પર માઠી અસર પડી છે, એવા સમયે ગુજરાતની રૂપાણી સરકારે પાણી પરનો ચાર્જ વધારી પ્રજાને પડતા પર પાટુ માર્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2022 સુધી સામાન્ય જનતા માટે પીવા માટેનું પાણી પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા અને ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નિયત કરવામાં આવ્યો છે.

વર્ષ 2021 પછી 10 ટકાનો વધારો
ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકોને વધારે દામ ચૂકવવા પડી શકે છે. નર્મદાનું પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. માર્ચ 2021 પછી પાણીના દરમાં 10 ટકાનો વધારો થયો છે, જે માર્ચ 2022 સુધી યથાવત્ રહેશે.

તસવીર પ્રતીકાત્મક છે.

ગત વર્ષે 1000 લિટરના અનુક્રમે રૂ.3.80 હતા
રાજ્યમાં હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા, જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના 34.51 રૂપિયા ચૂકવવાના થાય છે, જે ગયા વર્ષે 1000 લિટરના અનુક્રમે 3.80 રૂપિયા અને 31.38 રૂપિયા નિયત કરવામાં આવ્યા હતા. બન્ને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો
ગુજરાતમાં 2006-07ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા. નર્મદા નિગમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.

- Advertisement -
તસવીર પ્રતીકાત્મક છે.

નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતો નથી
ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ-કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણીપુરવઠા વિભાગ અને એને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતો નથી.

Exit mobile version