પટેલ સરકાર DBની નજરે:ગાંધીનગરમાં સરકાર બદલાતા સમર્થકોના ટોળા હવે સુરત અને અમદાવાદથી આવે છે, રૂપાણીના રાજમાં સૌરાષ્ટ્રનો દબદબો હતો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓનો પ્રવાહ બદલાયો
  • રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રના કાર્યકરો, સમર્થકોના ટોળે ટોળા આવતા હતા

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર બદલાઈ જતા ગાંધીનગરના સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં પણ મુલાકાતીઓ બદલાઈ ગયા છે, અગાઉ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રના કાર્યકરો, સમર્થકોના ટોળે ટોળા આવતા હતા. પરંતુ હવે મુખ્યમંત્રી અમદાવાદના છે, પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો હોવાથી સુરતથી નવસારી સુધીના કાર્યકરોના ટોળા આવવા લાગ્યા છે.

દક્ષિણ ગુજરાતથી ટોળેટોળાં આવી રહ્યા છે
ગુજરાતની નવી પટેલ સરકારે મંત્રીઓ અને અધિકારીઓ ને સોમવાર અને મંગળવાર સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં હાજર રહેવાના આદેશ આપી દેતા હવે સોમવાર અને મંગળવારે દક્ષિણ ગુજરાતથી ટોળેટોળાં આવી રહ્યા છે. આમ, સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓનો પ્રવાહ બદલાયો છે. મંત્રીઓને શુભેચ્છા માટે હજી પણ ગુલદસ્તા લઇને કાર્યકરો અને સમર્થકો આવી રહ્યા છે.

સત્તાનું એપિસેન્ટર બદલાયું તો મુલાકાતીઓ પણ બદલાયા
અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સ્વર્ણિમ સંકુલમાં સૌરાષ્ટ્ર્રના વિવિધ જિલ્લાઓ અને ખાસ કરીને રાજકોટના સ્થાનિક નેતાઓ, કાર્યકરો તેમજ મુલાકાતીઓનો ધસારો સૌથી વધુ જોવા મળતો હતો. હવે સત્તાનું એપિસેન્ટર બદલાયું હોવાથી અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મુલાકાતીઓ વધી રહ્યાં છે. અમદાવાદના મુલાકાતીઓ વધવા પાછળનું કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, કેમ કે તેઓ અમદાવાદના નિવાસી છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ગણ્યા ગાંઠ્યા જ લોકો આવે છે
જ્યારથી નવી સરકારની રચના થઇ છે ત્યારથી અત્યાર સુધી સચિવાલયની મુલાકાતે આવેલા લોકોમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના લોકો જોવા મળ્યા છે. આ ઉપરાંત અમદાવાદ અને મધ્ય ગુજરાતમાંથી સમર્થકો મંત્રીઓને શુભેચ્છા આપવા આવી રહ્યા છે. બાકીના ગણ્યા ગાંઠ્યા સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાતના હોવાનું નજરે પડી રહ્યું છે.

- Advertisement -

તમામ મંત્રીઓની ચેમ્બરો મુલાકાતીઓથી ઉભરાઈ
રાજ્યના મુખ્યમંત્રીએ તમામ લોકો માટે સચિવાલયના દરવાજા ખોલી નાંખતા અગાઉ એન્ટ્રી પાસ કઢાવવા માટે મુખ્ય દ્વાર પાસે ભીડ થતી હતી, તેવી ભીડ અત્યારે જોવા મળી રહી છે. નવી સરકારમાં પ્રથમ વખત મંત્રી બન્યા હોવાથી તમામ મંત્રીઓની ચેમ્બરો આજે પણ મુલાકાતીઓ અને શુભેચ્છકોથી ઉભરાઇ રહી છે.

Exit mobile version