- એક વર્ષ ખાલી ગયું હોવાથી આ વર્ષે ગરબાને મંજૂરી મળે તેવી આશા.
- આ વર્ષે ખેલૈયાઓ સરકારના તમામ નિયમો સાથે ગરબા રમવા તૈયાર.
માર્ચ 2020થી કોરોના શરૂ થતાં તહેવારો પર ગ્રહણ લાગી ગયું હતું. આ મહામારી દરમિયાન જન્માષ્ટમી સહિત ગુજરાતનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર નવરાત્રી પણ યોજાઈ શકી નહોતી. સરકારે કોરોનાને કારણે ગરબા પર ગત વર્ષે પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ વર્ષે કેસ ઓછા થતા સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશોત્સવ માટે પરવાનગી આપવામાં આવી છે. જેથી હવે ગરબાના ખેલૈયાઓને નવરાત્રીને લઇને આશા જાગી છે અને તેમણે ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં ગરબા ક્લાસિસમાં ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે પણ વેઈટિંગ છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ગરબા ક્લાસ શરૂ થયા
શહેરના બાપુનગર,નિકોલ,શાહીબાગ, બોડકદેવ,રાણીપ સહિતના અનેક વિસ્તારોમાં ગરબા ક્લાસ શરૂ થયા છે. નવરાત્રિની પરવાનગીની આશા સાથે અનેક ખેલૈયાઓએ ગરબા માટે પ્રેક્ટિસ શરૂ કરી છે. તો કેટલાકે ગરબા શીખવા માટે ક્લાસિસમાં નામ નોંધાવ્યું છે. શહેરમાં નિકોલ,બાપુનગર અને શાહીબાગમાં સહિયર ગ્રુપના 800 જેટલા સભ્યો છે. 28 વર્ષથી ગરબા રમતા ગ્રુપના સંચાલક અને સભ્યોએ પણ ઉત્સાહ પૂર્વક આ વર્ષે તૈયારી શરૂ કરી છે. અલગ અલગ 60 સ્ટેપ પર ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું છે.
સરકારી કોવિડ નિયમો સાથે ગરબા રમીશું
સહિયર ગ્રુપના સંચાલક દીપુ તિવારીએ જણાવ્યું હતું કે અમારા ગ્રુપના 28 વર્ષ પૂરા થયા છે.અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ક્લાસ ચાલે છે.અમારા 800 થી 900 સભ્યો છે. અમને જન્માષ્ટમી અને ગણેશોત્સવની પરવાનગી મળતા નવરાત્રી માટે આશા જાગી છે માટે સરકારની ગાઈડ લાઇનની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે અમે 60 નવા સ્ટેપ પર ગરબા રમવાના છીએ જેના માટે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે.પરવાનગી આપવામાં આવશે તો નિયમોના પાલન સાથે ગરબા રમીશું.
ખેલૈયાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી
જાન્સી પરીખ નામની સભ્યએ જણાવ્યું હતું કે હું ગ્રુપ સાથે 7 વર્ષથી જોડાયેલી છું. દર વર્ષે અમારી તૈયારી ખૂબ સારી જ હોય છે. ગયા વર્ષે કોરોનાને કારણે અમારી તૈયારી થઈ શકી નહોતી અને ગરબા પણ થઈ શક્યા નહોતા જેથી આ વર્ષે થોડી વધુ આશા છે કે સરકાર પરવાનગી આપશે જેથી અમે પ્રેક્ટિસ શરૂ કરી છે.નિયમો જે આપવામાં આવે તેના પાલન સાથે અને ગરબા રમવા તૈયાર છીએ. ચાર્મી નામની સભ્યએ જણાવ્યું હતું કે હું મારવાડી કોમ્યુનિટીથી છું છતાં મને ગરબા રમવાનું ગમે છે. હું છેલ્લા 5 વર્ષથી ગરબા રમુ છું. હવે આશા છે કે નવરાત્રિની પરવાનગી પણ આપવામાં આવે છે.
ખેલૈયાઓએ સરકારને મંજુરી આપવા વિનંતી કરી
ગ્રુપની સભ્ય પાયલે જણાવ્યું હતું કે આ વર્ષે અમને ગરબા રમવા મળશે તેવી આશા છે. સરકારને વિનંતી કરીએ છીએ કે અમને પરવાનગી આપવામાં આવે, શેરી ગરબાની પણ પરવાનગી આપવામાં આવે. અમે અત્યાર સુધી 30-32 સ્ટેપની પ્રેક્ટિસ કરી છે. જે તમામ સ્ટેપ ગ્રાઉન્ડમાં જઈને અમે કરીએ. જે નિયમ રાખવામાં આવશે તેના પાલન સાથે ગરબા રમીશું. ધારા નામની સભ્યએ જણાવ્યું હતું કે અમે 5 વર્ષથી ગ્રુપમાં ગરબા રમી છીએ. આ વર્ષ માટે અમે પૂરજોશમાં અત્યારથી તૈયારી શરૂ કરી છે. આ વર્ષે આશા છે કે સરકારે જન્માષ્ટમી અને ગણેશોત્સવ ની જેમ નવરાત્રિની પરવાનગી આપશે.
