તાલીબાની સજાનો વીડિયો વાઇરલ:સંઘપ્રદેશ દમણમાં સગીર પર ચોરીનો આરોપ મૂકી લોકો ભાન ભૂલ્યા, સગીરને નગ્ન કરી જાહેરમાં બાંધીને ઢોરમાર માર્યો

By Abhishek Raghuvanshi
3 Min Read

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનવીય કૃત્યનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. સગીર વયના કિશોર પર ચોરીનો આરોપ મૂકી કેટલાક લોકોએ તેને નગ્ન કરી જાહેરમાં ફટકાર્યો હતો. કિશોરને પોલીસને સોંપવાને બદલે લોકોએ જાતે જ ન્યાય કરી નાખતાં ચકચાર મચી છે. મોટી દમણ પોલીસે વીડીયોના આધારે 3 ઇસમોની ઓળખ કરી તેની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ધરપકડર કરી આવી છે.

પશુને પણ ના કરે એવી સજા માસૂમ કિશોરને કરી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો પીડિત કિશોર પર ચોરીનો આરોપ મૂકી રહ્યા છે. જો ખરેખર કિશોર ચોરી કરતા ઝડપાયો હોય તો તેને પોલીસને સોંપવો જોઈએ. એને બદલે લોકોએ પૂરી હકીકત જાણ્યા વગર જાતે જ ન્યાય કર્યો હતો, એ પણ તાલીબાન જેવો. એકલો કિશોર રડતો રડતો છોડી દેવાની અરજ કરતો રહ્યો, પણ ઉપસ્થિત લોકોમાંથી એકપણ વ્યકિતને દયા ના આવી. સગીર જાણે કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે લોકોએ તેનાં કપડાં કાઢી નાખી રસ્તા પરના એક બોર્ડની એંગલ સાથે બાંધી દીધો. ત્યાર બાદ પીડિતને જમીન પર પછાડી તેના પગ પર એક વ્યકિત ઊભો રહી માર મારતો જોવા મળી રહ્યો છે.

ખાખીવર્દીધારીની નજર સામે જ બનાવ બન્યો.

વીડિયોમાં દેખાતો ખાખીવર્દી ધારી કોણ?
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં જ્યારે લોકો કિશોરને જમીન પર પટકી માર મારી રહ્યા છે ત્યારે જ નજીકમાં એક ખાખી વર્દીધારી પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો આ વ્યક્તિ પોલીસકર્મી છે તો પછી તેને કાયદો હાથમાં લઈ રહેલા લોકોને કેમ ના રોક્યા?

કેટલાક લોકો માર મારતા રહ્યા, બાકીના તમાશો જોતા રહ્યા
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો સગીર કિશોરના હાથ બાંધી રહ્યા છે, કેટલાક ચપ્પલ વડે મારી રહ્યા છે તો કેટલાક પગ પર ઊભા રહી ત્રાસ ગુજારી રહ્યા છે. તો બીજી તરફ તમામ વીડિયોમાં સગીર રડી રહ્યો છે અને છોડી દેવાની આજીજી કરી રહ્યો છે, પરંતુ લોકોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય એ રીતે તેને માર મારી રહ્યા છે. તો બીજી તરફ આસપાસ ઊભેલા લોકો પણ સગીરને બચાવવાના બદલે તમાશો જોતા જોવા મળી રહ્યા છે.

- Advertisement -
સગીરના પગ પર લોકો ઊભા રહ્યા.

મોટી દમણ પોલીસે વીડિયો વાયરલ થાય બાદ વીડિયોના આધારે 3 ઇસમોની ઓળખ કરી તેની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ધરપકડર કરવામાં આવી છે.

Exit mobile version