ડોક્ટર્સ ડે:વડોદરાની સયાજી હોસ્પિટલમાં 15 મહિનામાં 830 તબીબો અને કર્મચારીઓ સંક્રમિત થયા, કોરોના સામે જંગ જીતીને 22 હજાર દર્દીઓની સારવાર કરી

By Abhishek Raghuvanshi
6 Min Read
  • કોરોના કાળમાં મેડિસીન વિભાગના 40 ટકા સિનિયર ડોક્ટર્સ અને 60 ટકા જુનિયર તબીબો કોવિડથી સંક્રમિત થયા હતા

આજે દેશભરમાં નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કોવિડની મહામારીની બે લહેરમાં સયાજી હોસ્પિટલના મેડિસીન વિભાગના 40 ટકા સિનિયર અને 60 ટકા જુનિયર તબીબો કોરોના સંક્રમિત થયા હતા. આમ 15 મહિનામાં 830 તબીબો અને કર્મચારીઓ સંક્રંમિત થયા હતા. પરંતુ, આ તબીબો સ્વસ્થ થઈને ફરીથી કોરોના દર્દીઓની સેવામાં જોડાઇ ગયા હતા. આ ઉપરાંત રાજ્યમાં પ્રથમ ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સયાજી હોસ્પિટલમાં મેડિસીન વિભાગ દ્વારા કોરોનાના દર્દીને આપવામાં આવ્યું હતું.

મેડિસીન વિભાગે કોરોના મહામારીમાં મહત્વની ભૂમિકા ભજવી
વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિસીન વિભાગની કામગીરીનો ચિતાર આપતા સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન અય્યરે જણાવ્યું હતું કે, મેડિસીન વિભાગ દ્વારા સમગ્ર કોવિડ મહામારી દરમિયાન પ્રાથમિક અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. માર્ચ-2020થી શરૂ કરીને હાલ સુધી સમગ્ર વિભાગના તમામ સ્તરના અધિકારીઓ તેમજ રેસિડેન્ટ તબીબોએ સયાજી હોસ્પિટલ જ નહીં, પરંતુ, સમરસ હોસ્ટેલ, ગોત્રી હોસ્પિટલ, યજ્ઞપુરૂષ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ(અમદાવાદ), એસ.વી.પી. હોસ્પિટલ(અમદાવાદ) તેમજ યુ.એન.મહેતા હોસ્પિટલ (અમદાવાદ) ખાતે પણ કોવિડ વિષયક સેવાઓ પૂરી પાડી છે.

કોરોનાના 1250 બેડના દર્દીઓની સારવારની જવાબદારી મેડિસીન વિભાગ પર હતી
માત્ર 250 બેડની ક્ષમતા ધરાવતા મેડિસીન વિભાગના હસ્તક મેડિસીનના સામાન્ય દર્દીઓની સારવાર ઉપરાંત કોવિડના 1250 પથારીના દર્દીઓની સારવારની સીધી જવાબદારી બીજી લહેર દરમિયાન આવી હતી. આ સમગ્ર સમય દરમિયાન વિભાગ દ્વારા સયાજી હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે 20,000થી વધુ દર્દીઓની સારવાર આપવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલનો તબીબી સ્ટાફ 15 મહિનાથી સતત કોરોનાની સારવારમાં કાર્યરત છે (ફાઇલ તસવીર)

22 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઇ
વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના જણાવ્યા અનુસાર હોમ કેર હેઠળના દર્દીઓને આપવામાં આવેલી સેવાનો આંકડો ઉમેરીએ તો અંદાજે 22 હજારથી વધુ દર્દીઓને સારવાર સેવા આપવામાં આવી છે. કોવિડના આઇસોલેશન વોર્ડ જેની ક્ષમતા માત્ર 24 પથારીની હતી તે ક્રમશ: વધારીને 1250 પથારીની સુધી લઈ જવામાં આવી હતી. જેમાં 300 આઇસીયુ બેડ હતા. જે સારવારના અદ્યતન સાધનોથી સજ્જ હતા. કોવિડ વિભાગમાં ખાસ જહેમત લઇને ગંભીર દર્દીઓની સારવાર માટે ડાયાલીસીસની સુવિધા પણ રાતોરાત ઉભી કરવામાં આવી હતી. તેમ ડો. રંજન અય્યરે ઉમેર્યું હતું.

- Advertisement -

તબીબો સાજા થઇને ફરી દર્દીઓની સેવામાં જોડાઇ ગયા
આ કપરા કાળમાં મેડિસીન વિભાગના લગભગ 40 ટકા અધિકારીઓ(સિનિયર ડોક્ટર્સ) અને 60 ટકા જુનિયર તબીબો કોવિડથી સંક્રમિત થયા હતા. પરંતુ, સાજા થઇને ફરી દર્દીઓની સેવામાં જોડાઇ ગયા હતા. આ રોગ નવો હોવાથી વિભાગના ડોક્ટર્સ દ્વારા સતત નવી ગાઇડલાઇન અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થયેલી નવીન શોધખોળોનો તલસ્પર્શી અભ્યાસ કરી બધી જ સારવાર અને પરિક્ષણો હોસ્પિટલ ખાતે મળી રહે તે માટે અથાગ પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમજ અનેક રીસર્ચ કામગીરી પણ હાથ ધરાઇ હતી.

રાજ્યમાં ટોસિલીઝુમેબનું પ્રથમ ઇન્જકશન મેડિસીન વિભાગ દ્વારા અપાયુ
રાજ્યમાં પ્રથમ ટોસિલીઝુમેબ ઇન્જકશન મેડિસીન વિભાગ દ્વારા જ અપાયુ હતુ. તે બાબત નોંધનીય છે. વિભાગને ખ્યાલ હતો જ કે, આ લડાઇ એકલા હાથે લડી શકાશે નહીં, તેથી બધા જ કોર તેમજ નોન કોર વિભાગો ઉપરાંત નર્સિંગ, પેરામેડીકલ સ્ટાફ, ફિઝીયોથેરાપી વિભાગ, વર્ગ-૪ના કર્મચારીઓ સાથે સંકલન કરી અશક્ય લાગતું કામ પાર પાડવામાં આવ્યું હતું. સાથે જ ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ, ડીન ડો. તનુજાબેનનુ માર્ગદર્શન મહત્વનુ બની રહ્યુ. તેમ ડો. રંજન અય્યરે ઉમેર્યું હતું.

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન અય્યર

તબીબોને કોરોના દર્દીઓની સારવાર સંબંધિત માર્ગદર્શન ટેલીમેન્ટરીંગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું
આ મહામારી દરમિયાન મેડિસીન વિભાગ દ્વારા વડોદરા ઝોનના બધા જ તબીબોને કોવિડના દર્દીઓની સારવાર સંબંધિત માર્ગદર્શન ટેલીમેન્ટરીંગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલા મ્યુકોરમાઇકોસિસના દરેક દર્દીઓના કેસમાં પણ ડાયાબિટીસ કે અન્ય મેડિકલ તકલીફ તેમજ દવાની આડઅસરો તેમજ કીડની પરની અસરનું મોનિટરિંગ અને તે અંગેનું માર્ગદર્શન પણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતમાં આ રોગ પ્રતિ ખૂબ જ ભયથી જોવામાં આવતું અને સમગ્ર શહેરમાં જ્યારે કોઇપણ જગ્યાએ સારવાર નહોતી અપાતી, ત્યારે સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો તેમજ વિભાગના સિનિયર તબીબો દ્વારા એન.આર.આઇ. ચિરાગ પંડિતને આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઇ હતી, જે સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા હતા.

મેડિસીન વિભાગનું સંચાલન ઓગષ્ટ-2020 સુધી ડો.સ્મિતાબેન ત્રિવેદીએ સંભાળ્યું હતુ
આ સમગ્ર મહામારી દરમિયાન વિભાગનું સંચાલન ઓગષ્ટ-2020 સુધી ડો.સ્મિતાબેન ત્રિવેદીએ સંભાળ્યું હતુ અને ત્યાર બાદ તેઓ વયોનિવૃત થતાં ડો.રૂપલ દોશીએ સંભાળ્યું હતું. જે હાલમાં વિભાગના વડા છે. તેમણે આ વિભાગની કમાન સંભાળી કામકાજ આગળ ધપાવ્યું છે. વિભાગના બધાજ સિનિયર અધિકારીઓએ સમયાંતરે નોડેલ ઓફિસર તરીકેની એટલે કે, દર્દીઓની સુવિધા અને સારવારલક્ષી તકેદારી તેમજ અન્ય વિભાગો, સગાસંબંધીઓ સાથે સંકલન ઉપરાંત નિયમિત દવાઓના પુરવઠાની સંભાળ રાખી આંકડાકીય માહિતી પૂરી પાડવાનું કાર્ય કરવામાં આવ્યું. બીજી લહેરની ચરમ સીમાએ સયાજી હોસ્પિટલ ખાતે ડો.મિનલ શાસ્ત્રી તેમજ સમરસ હોસ્ટેલ ખાતે ડો.કૃતિક બ્રહ્મભટ્ટની નોંધનીય સેવાઓ રહી.

મેડિસીન વિભાગ 15 મહિનાથી પરસ્પર સહયોગથી નિરંતર સેવા બજાવે છે
દર્દીના મૃત્યુ બાદ ડેથ ઓડિટ તેમજ ડેથ ક્લેમ માટેના જરૂરી સર્ટિફિકેટ પણ મેડિસીન વિભાગ દ્વારા જ ચોકસાઈપૂર્વક આપવામા આવી રહ્યા છે. આમ, મેડિસીન વિભાગ 15 મહિના કરતા વધુ સમયથી પરસ્પર સહયોગથી નિરંતર સેવા બજાવી રહ્યો છે. તેમ સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક રંજન અય્યરે જણાવ્યુ હતું.

Exit mobile version