જ્યંતિ રવિનો આભાર પત્ર:કોરોનાએ આપણી સમક્ષ પડકાર મુક્યો,આપણે વધુ મજબૂત થઈને આગળ વધ્યાં,આકરી મહેનતનું પરિણામ પ્રોત્સાહક પુરવાર થયું

By Abhishek Raghuvanshi
5 Min Read
પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિ ( ફાઈલ ફોટો)
  • જ્યંતિ રવિની તામિલનાડુમાં ઓરોવિલ ફાઉન્ડેશનના સચિવ તરીકે નિમણૂંક કરાઈ.

ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી ઓરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનારાં જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યાં હતાં. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તેમણે આરોગ્ય પરિવારને આભાર પત્ર લખ્યો છે.

આરોગ્ય પરિવારને લખેલો આભાર પત્ર અક્ષરસઃ

આરોગ્ય પરિવારના મારા સ્વજનો,
ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગના કમિશ્નરનો હોદ્દો સંભાળવાથી માંડીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ તરીકે કામગીરી કર્યાના સમયગાળામાં આપણે સૌએ મળીને જે કામગીરી કરી તેના પરિણામે હાંસલ થયેલ સિદ્ધીઓને યાદ કરીને હું અભિભૂત થઈ જાઉં છું. નાગરીકોને યોગ્ય, વ્યાજબી અને સાર્વત્રિક આરોગ્ય સંભાળ અને સુવિધા પ્રધાન કરવા માટેની આરોગ્ય વિભાગની પ્રતિબદ્ધતા અને સંકલ્પને સાકાર કરવામાં આપ સર્વેનો નિરંતર પ્રયાસનો ખૂબ જ મોટો ફાળો છે.

તાજેતરમાં જ પ્રકાશિત થયેલ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ નીતિ આયોગ ઈન્ડેક્સ વર્ષ 2020-21માં આરોગ્ય સંબંધિત SD4-3માં ગુજરાત 86 સ્કોર સાથે દેશમાં તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમાંકે છે. આપના અથાક પ્રયાસોને પરિણામે જ રાજ્ય સરકારે અપ્રતિમ સિદ્ધિઓના શિખરો સર કર્યાં છે તે બદલ હું આપ સર્વેને અભિનંદન પાઠવું છું. આપ સહુએ વિવિધ ફરજ રૂપે વિવિધ સ્તરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષો ખૂબજ ફળદાયી રહ્યાં છે. આ સમયગાળામાં આપણે ઉત્તરોત્તર વધુ સક્ષમતા, સુદ્રઢતા અને કાર્યક્ષમતા સાથે સિદ્ધિઓ મેળવતાં ગયાં.

- Advertisement -

જેમકે માતા અને નવજાત શિશુ મરણ, રસીકરણ, જન્મ સમયે નવજાત શિશુનું ઓછું વજન, એનિમિયા, સેક્સ રેશિયો, સ્પેસિંગ પદ્ધતિઓ, માનસિક આરોગ્ય, પોષણ, ચેપી રોગો, બિન ચેપી રોગો, વગેરે આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં ગુજરાત અગ્રેસર છે.વિશેષ કરીને 35 જેટલા અન્ય રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો જેમકે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ વગેરેમાં આપણું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે.

કોરોના મહામારીએ આપણી સમક્ષ અભૂતપૂર્વ પડકાર મુક્યો, પ્રથમ કેસ આવ્યાને 14 મહિના વીતી ગયાં બાદ પણ કોરોના આરોગ્ય, સામાજિક તેમજ આર્થિક પરિસ્થિતિને અસર કરી રહ્યો છે. આ મહામારીએ આરોગ્ય તંત્ર તેમજ આપણાં આરોગ્યના કર્મીઓ પર પણ ભારે દબાણ ઉભું કર્યું. તેમ છતાં તેમાં આપણે વધુ મજબૂત થઈને ઉભરી આવ્યાં. રાજ્યભરના સમગ્ર આરોગ્ય તંત્રએ અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના રોગચાળાને નાથવા ઉદાહરણ પુરુ પાડે તેવી કામગીરી કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા, IIPH, IIM અમદાવાદ જેવી સંસ્થાઓએ પણ ગુજરાતમાં કામગીરીને બિરદાવી છે. તેનું દસ્તાવેજીકરણ પણ ભારતના બીજા કોઈ ક્ષેત્ર રાજ્ય કરતાં પહેલાં કરેલું છે. હવે ગુજરાતે કોરોના સંક્રમણથી બચવા માટેના અમોધ શસ્ત્ર એવા રસીકરણમાં પણ ઉમદા કામગીરી કરીને અગ્રેસર રાજ્ય બન્યું છે. વારંવારના રિવ્યૂ અને ફોલોઅપથી આપણે થાકી પણ જતા હોઈશું. પરંતુ આકરી મહેનતનું પરિણામ પ્રોત્સાહક પુરવાર થયું.

મને ગર્વ થાય છે કે આપ સર્વે આ પડકારોનો સામનો કરી ઉત્તમ જવાબદેહિતા પૂર્વક સૌને આરોગ્ય સંભાળ પુરી પાડવાના પ્રયાસો થાક્યા વિના કરી રહ્યાં છો. આંતરિયાળ, પછાત અને વંચિતો સુધી પહોંચવાના આપના પ્રયાસો પ્રસંશનિય રહ્યાં છે. આ પ્રસંગે રોગચાળા વચ્ચે પણ આરોગ્ય સંભાળ ક્ષેત્રે મળેલા આપ સર્વેના અભૂતપૂર્વ સહકાર, પ્રતિબદ્ધતા, મહેનત અને અપ્રતિમ યોગદાન બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું.

આ મહામારીએ આપણી સમક્ષ ભયાનક પડકાર ઉભો કર્યો હોવા છતાં આપણને આરોગ્ય પ્રણાલીને વધુ મજબૂત કરવા મલ્ટી સેક્ટર, જુદા જુદા હિતેચ્છુઓના સર્વગ્રાહી અભિગમને અપનાવવાની તક મળી છે. આપણે હજી ઘણાં સીમાચિહ્નો અને સિદ્ધીઓ હાંસલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. ત્યારે આપની ફરજ નિષ્ઠા, ખંત અને મહેનત ગુજરાતને પ્રગતિના નવા શિખરો સર કરવામાં મદદરૂપ થશે.

ગત સોમવારે 4 વર્ષ આપની સાથે આરોગ્ય વિભાગમાં ફરજ અદા કર્યા પછી હવે મારી બદલી થતાં હું આરોગ્યની ફરજોમાંથી મુક્ત થઈ પણ આપણાં સંબંધો હંમેશા અકબંધ રહેશે. આપના પ્રયાસો અને અભૂતપૂર્વ યોગદાન બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર માની આપને તેમજ આપના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવું છું.

કોણ છે ડો. જયંતી રવિ?
વર્ષ 2002માં ડો. જયંતી રવિ પંચમહાલ જિલ્લાનાં કલેક્ટર હતાં. ત્યાર બાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું
છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે
મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.

Exit mobile version