- આજે વાવાઝોડું પાકિસ્તાનના મકરાણ કાંઠે ટકરાશે, ભારતમાં ગુજરાત સહિત સાત રાજયોમાં વરસાદની આગાહી
ગુલાબમાંથી બનેલું શાહીન આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે. એ વખતે તે સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડુ શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે, વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી, છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને અને માછીમારોને ચેતવણી આપી છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 36 કલાક સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે.
માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરના પગલે દરિયામાં કરંટ વધશે અને 3.5 મીટર સુધીના મોજા ઉછળી શકે છે. એવામાં ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
NDRFની 20માંથી 17 ટીમ ડિપ્લોઇ કરવામાં આવી
વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની 17 ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે, જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.
14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી.પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
14 જિલ્લા એવા છે, જ્યાં 35%થી ઓછી ઘટ
બીજી તરફ 14 જિલ્લા એવા છે જ્યાં 35%થી ઓછી ઘટ છે. જેમાં 33% સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.
