ગુજરાતમાં ઠંડીનો ચમકારો:સુરતમાં તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું, અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે ગાઢ ધુમ્મસને પગલે ધીમો પડ્યો, વાહનોની ગતિ 50થી ઓછી

By Abhishek Raghuvanshi
5 Min Read
ધુમ્મસને કારણે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય પણ જોવા મળે છે.
  • એક્સપ્રેસ હાઇવે પર 100થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે
  • થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો
  • અકસ્માતમાં એકસાથે 70થી વધારે વાહનોની ટક્કર થઈ હતી

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. ઘણા લાંબા સમય પછી સુરતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાયું છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 અને 26 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. પવન ઉત્તરથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. બીજીતરફ, અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. વાહનચાલકો 50ની સ્પીડે વાહન ચલાવી રહ્યા છે.

ઘુસ્સમનું પ્રમાણ વધારે હોવાથી કેટલાક વાહનચાલકોએ સાઈટ હોલ્ડ કર્યા છે. એક્સપ્રેસ હાઈવે પર 100થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે, પરંતુ ધુમ્મસને કારણે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે 70થી વધારે વાહનોની ટક્કર થઈ હતી. સદનસીબે કોઈપણ જાનહાનિ પહોંચી ન હતી.

થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો.

સુરતમાં સવારથી જ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી હતી
સવારથી જ શહેરમાં ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી હતી. ઉત્તર દિશાથી ફૂંકાઇ રહેલા ઠંડા પવનોથી લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ગગડી 14.4 ડિગ્રી થયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ, આગામી 26 જાન્યુઆરી સુધી શહેરમાં 13થી 15 ડિગ્રીની વચ્ચે લઘુત્તમ તાપમાન રહેશે. જેથી જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારી એવી ઠંડી રહેશે. ગઇકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.
26મી સુધી 13થી15 ડિગ્રી તાપમાન રહેશે

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ નજીક હિલસ્ટેશન જેવાં આ દૃશ્યોમાં વાતાવરણ જોઈ શકાય છે.

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ધુમ્મસનું સામ્રાજ્ય: વિઝિબિલિટી 10 ફૂટ જ રહી
આજે વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેમાં વાહનોને 10 ફૂટ દૂર કશું જ દેખાઈ રહ્યું ન હતું. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ નજીક હિલસ્ટેશન જેવાં આ દૃશ્યોમાં વાતાવરણ જોઈ શકાય છે. વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન માત્ર 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમા ચલાવવા ફરજ પડી હતી.

- Advertisement -

5 દિવસ પહેલાં એકસાથે 70 વાહનો ટકરાયાં હતાં
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પાંચ દિવસ પહેલાં સવારે ગાઢ ધુમ્મસને પગલે 70થી વધારે વાહનો ટકરાયાં હતાં. અકસ્માતોની વણઝારમાં જાનહાનિ થઈ નહોતી, પણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, રેડિએટિવ કૂલિંગને કારણે વાતાવરણ બદલાતાં ધુમ્મસ થયું હતું, જેને કારણે વાહનોને 10 મીટર આગળ કશું દેખાતું ન હતું, તેથી સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા હતા. બાદમાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. છેવટે આઠ કલાકની અંધાધૂંધી પછી વાહન વ્યવહાર પૂર્વવત્ થયો હતો. ગભરાયેલા વાહનચાલકો પાર્કિંગ લેનમાં ઊભા રહી ગયા હતા. બીજી તરફ, હાઈવે પેટ્રોલે વાહનચાલકોને માઈક દ્વારા વાહન 30થી પણ ઓછી સ્પીડે ચલાવવાની સૂચના આપી હતી.

વાહનોને 10 મીટર આગળ કશું દેખાતું ન હતું.

ભાસ્કર એક્સપ્લેનર – પવન ધીમો અને આકાશ સ્વચ્છ હોય ત્યારે રેડિએટિવ કૂલિંગ થાય
હવામાન વિશેષજ્ઞ જણાવે છે, રેડિએટિવ કૂલિંગની અસરોને કારણે અમદાવાદમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે રસ્તા પર 10 મીટર દૂરનું પણ કશું જોઈ શકાતું ન હતું. દર શિયાળે બેથી ચાર વખત રેડિએટિવ કૂલિંગને લીધે આવું ધુમ્મસ સર્જાતું હોય છે. રાત્રે ખુલ્લી જગ્યામાં હવા ઠંડી થાય છે જેને રેડિએટિવ કૂલિંગ કહે છે, જ્યારે પવનની ગતિ ધીમી હોય અને આકાશ સ્વચ્છ હોય ત્યારે રેડિએટિવ કૂલિંગની પ્રક્રિયા ઝડપી બને છે.

દર શિયાળે બેથી ચાર વખત રેડિએટિવ કૂલિંગને લીધે આવું ધુમ્મસ સર્જાતું હોય છે.

ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અંદાજિત 20થી પણ વધુ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમાં થતા ઘઉંના પાકને ફાયદો થશે.

વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં.
Exit mobile version