ખેડૂત આંદોલનનો 43મો દિવસ:ખેડૂતોની 26 જાન્યુઆરીની પરેડની તૈયારી શરૂ, દિલ્હીને ચારેય બાજુથી ઘેર્યું

By Abhishek Raghuvanshi
3 Min Read

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43મો દિવસ છે. ખેડૂત આજે દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યા છે. માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢવામાં આવશે.

અપડેટ્સ

માર્ચને ધ્યાનમાં રાખતા પોલીસે કુંડલી-માનેસર-પલનલ ટોલ પ્લાઝા પર સુરક્ષા વધારી દીધી.

ગાઝિયાબાદના ADM શૈલેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે, ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખતા પૂરતી પોલીસ તહેનાત કરાઈ છે, વીડિયો રેકોર્ડિંગ પણ કરાઈ રહી છે.

ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, ટ્રેક્ટર રેલી 26 જાન્યુઆરીની તૈયારી છે. અમારો રૂટ અહીંથી ડાસના છે, ત્યારપછી અલીગઢ રોડ પર અમે થોભશું ત્યાં લંગર થશે પછી અમે ત્યાંથી પાછા આવીશું અને નોઈડા વાળા ટ્રેક્ટર પલવલ સુધી જશું. અમે સરકારને સમજાવવા માટે જ આવું કરી રહ્યાં છીએ.

- Advertisement -

કેએમપી એક્સપ્રેસવે પર સુરક્ષા વધારવામાં આવી
દિલ્હીની અલગ અલગ બોર્ડર પરથી ખેડૂતોનો જથ્થો કુંડલી-માનસેર-પલવલ (કેએમપી)એક્સપ્રેસ-વે માટે રવાના થઈ રહ્યો છે. ખેડૂત સંગઠન આજે 11 વાગ્યાથી કેએમપી એક્સપ્રેસ વેને જામ કરશે. જેના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. કેએમપી એક્સપ્રેસ વે પર પોલીસ અને અર્ધસૈનિક દળોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે.

26 જાન્યુઆરીએ ખેડૂત પરેડની તૈયારી
ખેડૂતોનું કહેવું છે કે સરકાર માગ નહીં સ્વીકારે તો 26 જાન્યુઆરીએ પણ ટ્રેક્ટર પરેડ યોજાશે. આજની માર્ચ એનું જ ટ્રેલર હશે. હરિયાણાનાં ખેડૂત સંગઠનોએ દરેક ગામમાંથી 10 મહિલાને 26 જાન્યુઆરી માટે દિલ્હી બોલાવ્યા છે.
આ જ અપીલ UPના ખેડૂતોની છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર માર્ચનું નેતૃત્વ મહિલાઓ જ કરશે. હરિયાણાની લગભગ 250 મહિલા ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.

ખેડૂતોની સરકાર સાથે 8 જાન્યુઆરીએ વાતચીત
ખેડૂતો અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીએ યોજાયેલી મીટિંગનું કોઈ પરિણામ નહોતું આવ્યું અને એના માટે હવે પછીની તારીખ 8 જાન્યુઆરી નક્કી થઈ હતી. આગામી મીટિંગમાં કૃષિ કાયદાને પાછા લેવા અને એમએસપી માટે અલગ કાયદો બનાવવાની માગ અંગે વાત થશે. અહીં 9મી વખતની બેઠક યોજાશે. આ પહેલાં માત્ર 7 વખતની મીટિંગમાં ખેડૂતોની 2 માગ પર સહમતી બની શકી હતી, બાકી તમામ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

સુપ્રીમ કોર્ટમાં 11 જાન્યુઆરીએ સુનાવણી
કૃષિ કાયદો રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કેકે વેણુગોપાલને કહ્યું હતું કે સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો, ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ. હવે 11 જાન્યુઆરીએ સુનાવણી થશે. તો પંજાબના સીએમ અમરિંદર સિંહે પણ કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની વાત કહી છે.

Exit mobile version