કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 40મો દિવસ અને મહત્ત્વનો દિવસ છે. આજે ખેડૂતોની સરકાર સાથે 8મા તબક્કાની વાતચીત થશે. સરકારને આશા છે કે આજે આંદોલન સમાપ્ત થઈ શકે છે, સાથે જ ખેડૂત સંગઠનોએ કહ્યું હતું, સરકારે માગ નહીં સ્વીકારી તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતનેતા મનજિત સિંહ રાયે કહ્યું હતું કે વાતચીતનું પરિણામ નહીં નીકળે તો 13 જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગાવીને લોહડીની ઉજવણી કરીશું.
ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, આંદોલન દરમિયાન અત્યાર સુધી 60 ખેડૂતોના મોત થઈ ચૂક્યાં છે. દર 16 કલાકમાં એક ખેડૂતનું મોત થઈ રહ્યું છે. સરકારની જવાબદારી બને છે.
અપડેટ્સ
- ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબ અને હરિયાણામાં જે રિલાયન્સ જિયોના ટાવર અને ઓફિસમાં ગત દિવસોમાં ઘણી તોડફોડ થઈ હતી. એવામાં રિલાયન્સે સોમવારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી. કંપનીએ કહ્યું કે, સરકારે તાત્કાલિક દખલ કરીને ગુંડાગર્દી અટકાવવી જોઈએ. આવા હિંસક કામોથી હજારો કર્મચારીઓનો જીવન જોખમાયા છે અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. સાથે જ કહ્યું કે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથી.
- ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના જોઈન્ટ સેક્રટરી સુખવિંદર સિંહે કહ્યું કે, કૃષિ કાયદાને પાછા લેવા અને MSPની ગેરંટી માગ પુરી નહીં થાય તો 6 જાન્યુઆરીએ પણ ટ્રેક્ટર માર્ચ કાઢશે.
- ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારને ખેડૂતોના દિલની વાત સમજવી જોઈએ. અમને કાયદાને પાછા લેવા સિવાય બીજું કંઈ મંજૂર નથી. સરકારે સ્વામીનાશન કમિશનનો રિપોર્ટ લાગૂ કરવો જોઈએ અને MSP અંગે નવો કાયદો બનાવવો જોઈએ.
30 ડિસેમ્બરની મીટિંગમાં 2 મુદ્દા અંગે સહમતી થઈ હતી
1. પરાલી સળગાવવા અંગે કેસ નહીં થાયઃ હાલ 1 કરોડ રૂપિયા દંડ અને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. સરકાર એને હટાવવા માટે રાજી
2. વીજળી અધિનિયમમાં ફેરફાર નહીં, ખેડૂતોને આશંકા છે કે આ કાયદાથી વીજની સબસિડી બંધ થઈ જશે. હવે આ કાયદો નહીં બને.
.. આટલા માટે ખેડૂતોની આશા વધી અને વલણ નરમ થયું
2 મુદ્દા પર સહમતી થતાં ખેડૂતોના વલણમાં નરમાશ જોવા મળી અને તેમણે 31 ડિસેમ્બરે યોજાનારી ટ્રેક્ટર રેલીને ટાળી દીધી. આજે આ 2 મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત થશે.
1. ખેડૂત ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે
2. ખેડૂતોનું કહેવું છે કે MSP અંગે અલગ કાયદો બને, જેથી તેમને યોગ્ય ભાવ મળી શકે.
નિવેડો નીકળવાની શું આશા?
ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજની બેઠકમાં ખેડૂતોના મોટા મુદ્દાનો પણ નિવેડો આવી શકે છે. સરકાર સમર્થન મૂલ્ય અને એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના મુદ્દા પર લેખિતમાં વિશ્વાસ આપી શકે છે. આ સાથે જ એવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે કે પ્રાઈવેટ કંપનીઓ મંડીમાં MSPથી ઓછા ભાવે ખરીદી ન કરી શકે.
છેલ્લી 7માંથી 1 બેઠકનું પરિણામ આવ્યું
પહેલી વખત-14 ઓક્ટોબર
શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.
બીજી વખત-13 નવેમ્બર
શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું
ત્રીજી વખત-1લી ડિસેમ્બર
શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.
ચોથી વખત-3 ડિસેમ્બર
શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.
5મી વખત- 5 ડિસેમ્બર
શું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.
6 વખત-8 ડિસેમ્બર
શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. આગામી દિવસ સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.
7મી વખતઃ30 ડિસેમ્બર
શું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.
