- ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઇન લાગી
નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ તોડવાની શરૂઆત કરી દીધી છે. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા.
પોલીસનો દાવો છે કે, ખેડૂતોએ પાંડવ નગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે, નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
અપડેટ્સ
- ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતો અને પોલીસ આમને-સામને થઈ ગયા હતા. ખેડૂતોએ ટિયર ગેસના ગોળા ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હતા.
- સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યા છે. અત્યાર સુઘી ખેડૂતો દિલ્હી પોલીસે આપેલા રુટ પર છે. તેઓ આગળ એક ટી પોઈન્ટ પર રોકાઈ ગયા છે. માનવામા આવે છે કે, તેમનો રિંગ રોડથી એન્ટ્રી કરવાનો પ્લાન છે. તેથી ટી પોઈન્ટથી આગળ વધવાના બદલે ટ્રેક્ટરો વધવાની રાહ જોઈ રહ્યા છે. જેથી એક સાથે દિલ્હી પહોંચી શકે.
- સિંધુ બોર્ડરથી નીકળેલી ટ્રેક્ટર પરેડની આગળ ઘોડા પર નિહંગ ફોજ ચાલી રહી છે. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતોનો જથ્થો પગપાળા ચાલી રહ્યો છે.
- રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા છે. સ્વરૂપ નગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યા હતા. આ જગ્યા સિંધુ બોર્ડરથી 14 કિમી દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતા.
- ગાઝીપુર બોર્ડર બેરિકેડ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતા. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુઝી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી.
- ગાઝીપુર બોર્ડર પર સવારે 4 વાગ્યાથી ખેડૂતો માટે જમવાનું બની રહ્યું છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશ્ચિમ યુપીથી આવ્યા છે. અહીં 10થી 15 હજાર ટ્રેક્ટરો પહોંચેલાં છે. રૂટ વિશે ખેડૂતોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ ભાકિયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે ગણતંત્ર દિવસના કાર્યક્રમ પછી પોલીસે આપેલા રૂટ પર જ પરેડ કરશે.
- ટીકરી બોર્ડર પર યુવાઓનું ગ્રુપ સ્ટેજની પાસે ઊભા છે. હાલ બધું શાંતિથી ચાલી રહ્યું છે. પોલીસે અત્યારસુધીમાં બેરિકેડ્સ હટાવ્યાં નથી.
ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે. ખેડૂતોએ જાતે જ બેરિકેડ્સ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસે જે ટ્રકો ઊભી રાખી હતી એને ખેડૂતો તેમના ટ્રેક્ટરથી ધક્કા મારીને ખસેડી દીધી હતી.
એક લાખ ટ્રેક્ટર પહોંચ્યા હોવાનો ખેડૂતોનો દાવો
પોલીસે ખેડૂતોનો માત્ર 5 હજાર ટ્રેક્ટર્સ સાથે રેલી કાઢવાની મંજૂરી આપી છે, પરંતું માત્ર સિંધુ બોર્ડર પર જ 20 હજારથી વધારે ટ્રેક્ટરો પહોંચી ગયાં છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર પર અંદાજે એક લાખ ટ્રેક્ટર પહોંચશે.
ગણતંત્ર દિવસની પરેડ પછી શરૂ થશે ટ્રેક્ટર રેલી
ગણતંત્ર દિવસની પરેડ સવારે 9.30 વાગે શરૂ થવાની છે. પહેલી પરેડ 8.2 કિમી લાંબી હોય છે, જે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જાય છે. આ વખતે એ 3.3 કિમી લાંબી હશે અને વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે. એ પૂરી થશે પછી ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતો બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ટ્રેક્ટર રેલી કાઢશે.
આ રૂટ પર પોલીસે પરેડની મંજૂરી આપી છે
- સિંધુ બોર્ડર: સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, ડીટીયુ, શાહાબાદ ડેરી, બરવાલા, પુથ ખુર્દ, કંઝાવાલા, ટી પોઈન્ટ, બવાના ટી પોઈન્ટ, કંઝાવાલા ચોક, કુતુષગઢ, ઔચંદી બોર્ડર, ખરખોદા ટોલ પ્લાઝા.
- ટીકરી બોર્ડર: નાંગલોઈ, બપરોલા, નજફગઢ, ફિરની રોડ, ઝરોડા બોર્ડર, રોહતક બાયપાસ, અસોદા ટોલ પ્લાઝા
- ગાઝીપુર બોર્ડર: અપ્સરા બોર્ડર, હાપુડ રોડ, ભોપુર, આઈએમએસ કોલેડ, લાલકુઆ, ગાઝીપુર બોર્ડર
શારજહાં ખેડા બોર્ડરથી LIVE
દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા ખેડૂતો શાહજહાંપુર ખેડા બોર્ડરથી સવારે દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા છે. જોકે હરિયાણા પોલીસે ખેડૂતોને દિલ્હીથી અંદાજે 50 કિમી પહેલાં સુધી માનેસર સુધી જ જવાની મંજૂરી આપી છે. ખેડૂતો ટ્રોલી વગર 1500 ટ્રેક્ટર લઈ જઈ શકશે. એક ટ્રેક્ટર પર માત્ર 3 લોકો જ બેસી શકશે. શાહજહાં પુરથી માનેસરનું અંતર 65 કિમી છે.
4 રાજ્યમાંથી 8 હજાર ખેડૂતો ભેગા થશે
શાહજહાંપુર-ખેડા બોર્ડર પર રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રથી અંદાજે 8 હજારથી વધારે ખેડૂતો ભેગા થયા છે. અહીં મોડી રાત સુધી ખેડૂતો આવતા હતા. હરિયાણા પોલીસે માનેસરમાં સરકારી કોલજની સામેથી પસાર થઈને જવા કહ્યું છે. અહીં સરકારી કોલેજમાં ધ્વજ ફરકાવવામાં આવશે. ખેડૂતોને આ કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરવાનું રહેશે.
ત્રણ બોર્ડરથી રિપોર્ટ
1. સિંધુ બોર્ડર: ટ્રેક્ટરોની 35થી 40 કિમી સુધી લાંબી લાઈન
મોડી રાત સુધી સતત ટ્રેક્ટર સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યા હતા. અહીં ટ્રેક્ટરોની 35થી 40 કિમી સુધીની લાંબી લાઈન લાગી ગઈ છે. સિંધુ બોર્ડર પર મોડી રાતથી જ નારેબાજી થવા લાગી હતી. યુવા કિસાન ‘ટ્રેક્ટર દે નાલ ટ્રોલી જાઉ’ અને ‘રેલી કરેંગે રિંગ રોડ પર’ જેવા નારા લગાવી રહ્યા હતા.
યુવા ખેડૂતોની નારેબાજી એટલી વધી ગઈ હતી કે ખેડૂત નેતા લક્ખા સડાનાએ સ્ટેજ પરથી કહેવું પડ્યું હતું કે, તમે ઈચ્છો છો તે જ થશે. જોકે સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂત નેતાઓનું કહેવું છે કે, પરેડ પોલીસે જે રુટ આપ્યો છે તે જ રુટ પર જ કાઢવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા: સિંધુ બોર્ડર પર રાત્રે પોલીસ ફોર્સ ઓછી જોવા મળી હતી, પરંતુ સવારે સુરક્ષા વ્યવસ્થા વધી ગઈ હતી.
2. ટીકરી બોર્ડર: 60 હજાર ટ્રેક્ટર પહોંચવાના દાવા
ટીકરી બોર્ડર પર 60 હજાર ટ્રેક્ટર પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટરો સિવાય અહીં ખેડૂતો અહીં મોટી સંખ્યામાં ટુ વ્હિલર લઈને પહોંચ્યા છે. રેલીમાં ટુ-વ્હિલર વાહનોને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
3. ગાઝીપુર: 15 હજાર ટ્રેક્ટર પહોંચવાની શક્યતા
ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક રાખવામાં આવી છે. આ સીમામાં આવતા મોટાભાગના ટ્રેક્ટર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી આવ્યા છે. અહીં 15 હજાર ટ્રેક્ટર પહોંચવાની શક્યતા છે.
સુરક્ષા વ્યવસ્થા- યુપી અને દિલ્હી બંને બાજુ પોલીસની સાથે RAF તહેનાત કરવામાં આવી છે.
