કોરોના અપડેટ:અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 1 લાખને પાર, માત્ર એપ્રિલના 18 દિવસમાં જ 30 હજાર કેસ નોંધાયા

By Abhishek Raghuvanshi
3 Min Read
  • અમદાવાદમાં અત્યારસુધીમાં કોરોનાથી 2600થી વધુ લોકોનાં મોત, મૃત્યુઆંક 2.60 ટકા

સમગ્ર રાજ્યમાં કોરોનાને પગલે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. અહીં હાલમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

મૃત્યુઆંક મામલે અમદાવાદ ટોપ પર
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીની સાથે જ સૌથી વધુ નુકસાન અમદાવાદને ભોગવવું પડ્યું છે. રાજ્યના કુલ 4,04,569 કેસમાંથી 25 ટકા કેસ માત્ર અમદાવાદના છે. બીજી તરફ, દેશભરનાં મોટાં શહેરોમાં પણ મૃત્યુઆંક મામલે અમદાવાદ પ્રથમ નંબર પર આવે છે. અહીંનો મૃત્યુઆંક 2.60 ટકાની આસપાસ છે. જ્યારે મુંબઈ આ મામલે 2.20 ટકા સાથે બીજા સ્થાને છે. દિલ્હી તેમજ ચૈન્નઈમાં પણ મૃત્યુઆંક 2 ટકાથી નીચે નોંધાયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં દૈનિક 50ની આસપાસ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે.

છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા.

18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ
માર્ચ 2020માં અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે સ્થિતિ ગંભીર બનતી ગઈ. તંત્ર અને લોકો બેદકારીને કારણે સંક્રમણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ ડબલ થવા લાગ્યું હતું. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યાર બાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે, જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.

4 દિવસમાં જ 12,355 નવા કેસ અને 104 દર્દીનાં મોત
એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીનાં મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યારસુધીમાં લગભગ 30 હજાર કેસ આવી ચૂક્યા છે. સતત વધતા કેસથી ખાનગી હોસ્પિટલોનાં બેડ પણ 96થી 97 ટકા સુધી ભરાઈ ગયાં છે. કોવિડની સારવાર કરતી શહેરની 159 ખાનગી હોસ્પિટલોનાં કુલ 864 આઈસીયુ બેડ છે.

- Advertisement -
ગુજરાત યુનિવર્સિટી સહિતની સંસ્થામાં આજથી આરટીપીસીઆર ટેસ્ટ શરૂ થશે.

26 શૈક્ષણિક સંસ્થા પર RT-PCR ટેસ્ટ થશે
શહેરમાં કેસની સંખ્યામાં સતત વધારો થતાં આરટીપીસીઆર ટેસ્ટ વધારવા માટે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થામાં આ ટેસ્ટ માટેની વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેના જણાવ્યા અનુસાર, ગુજરાત યુનિવર્સિટી સહિતની સંસ્થામાં આજથી આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ થશે. ટેસ્ટ માટે લોકોએ સેન્ટર પર જવાનું નથી, પરંતુ શહેર કે જિલ્લાનું આરોગ્ય તંત્ર સેમ્પલ લઈ લેબમાં મોકલી આપશે.

ગઈકાલે 5492 પુરુષ અને 4184 મહિલાએ રસી લીધી હતી.

શહેરમાં વેક્સિનેશનની સ્પીડ ઘટી
સરકાર રસીકરણ કાર્યક્રમને વેગ અપાઈ રહ્યાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ રસીકરણમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં એક જ દિવસમાં 40 હજાર પર લોકોએ રસી લીધી હોવાનો રેકોર્ડ છે, ત્યારે હવે આ આંકડો ચારની સંખ્યામાં આવી ગયો છે. ગઈકાલે 5492 પુરુષ અને 4184 મહિલાએ રસી લીધી હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ આંકડો અત્યારસુધીનો સૌથી ઓછો આંકડો છે.

Exit mobile version