કોંગ્રેસનું શું થશે?:ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો, કોંગ્રેસને હજી પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા મળતા નથી

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ‘આપ’ ના સંગઠનમાં પણ લોકો હવે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણી માટે ભાજપ સહિત આમ આદમી પાર્ટીએ પણ હવે કમરકસી છે. ત્યારે કોંગ્રેસમાં હજી સુધી નેતાના ઠેકાણા નથી. કોંગ્રેસમાં પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષ નેતાની હજી સુધી નિમણૂક કરાઈ નથી. ભાજપે ગુજરાતમાંથી પાંચ કેન્દ્રીય મંત્રીને જિલ્લાઓ પ્રમાણે ચૂંટણીલક્ષી જવાબદારી સોંપી છે. આ હેઠળ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16થી 21 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરશે. બીજી તરફ, આમ આદમી પાર્ટીમાં પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસનું શું થશે? એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરાઈ હતી.

ભાજપના સંગઠનમાં પણ ફેરફાર કરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે, જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લાં દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણિયાને ગુજરાતમાં મહત્ત્વની જવાબદારી સોંપાઈ શકે છે એવું મનાઈ રહ્યું છે. ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.

કોંગ્રેસને પક્ષના પ્રમુખ કે વિપક્ષના નેતા જ મળતા નથી (ફાઈલ ફોટો)

કોંગ્રેસને પ્રભારી, વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ મળતા જ નથી
ગુજરાતમાં કોંગ્રેસ અહેમદ પટેલના નિધન બાદ નોંધારી બની ગઈ છે. પક્ષને લાંબા સમયથી પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા જ નથી મળતા. કૉંગ્રેસ હજુ ગુજરાતના પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના મામલે ગૂંચવાઈ ગઈ છે.એક સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ તેમજ વિધાનસભા વિપક્ષના નેતાપદે શૈલેષ પરમારના નામ મોખરે હતાં. બીજી તરફ પ્રભારી તરીકે મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે તથા સચિન પાયલોટના નામની શક્યતાઓ ચર્ચામાં હતી, પરંતુ હવે અહેમદ પટેલના નિધન બાદ ગુજરાતનો મામલો સંભાળવાનું હાઈ કમાન્ડ માટે મુશ્કેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી હતી. એ સમયે સત્તા ન મળવા છતાં કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં સારો હતો. ત્યારે કૉંગ્રેસ હજુ ગુજરાતના પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના મામલે ગૂંચવાઈ ગઈ છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે મોઢવાડિયાનું નામ ચર્ચામાં હતું.

કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે
છેલ્લા એક મહિનાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી મળવાનો પણ સમય આપતાં ના હોવાથી તેઓ ધક્કો ખાઈને ગુજરાત પરત ફરી રહ્યા છે. ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં કેન્દ્રીય પ્રભારીની નિયુકિત અટકી જતાં પ્રદેશ પ્રમુખથી લઈને સંગઠનમાં બદલાવ થઈ શકતો નથી, ત્યારે આવતા મહિનામાં ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂક કરીને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવા હાઈ કમાન્ડ સક્રિય થઈ રહ્યું છે.

- Advertisement -

પ્રદેશ પ્રમુખ માટે કોંગ્રેસ યુવા ચહેરાની શોધમાં
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરાઇ ગઇ છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને કોરાણે મૂકીને યુવા ચહેરાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નીમવાની કવાયત હાથ ધરાઇ છે. જોકે કોંગ્રેસ આમાં કેટલી સફળ થશે તો એ સમય કહેશે, પણ સિનિયરોની છેલ્લી ઘડીની ટાંટિયાખેંચને કારણે કોંગ્રેસને નુકસાન થતું હોવાથી મોવડીમંડળ યુવા ચહેરાને પ્રદેશ પ્રમુખ નીમવા તરફ મીટ માંડી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.

Exit mobile version