- કરજણના દેથાણની સીમમાં 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી મહિલાની હત્યા કરી નાખી હતી
- સ્નીફર ડોગ જાવાએ મજૂરોના ટેન્ટમાં જઇ એક આરોપીને જોઇને ભસતા આરોપીઓ પકડાયા હતા
- કરજણ પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી. એલસીબી અને એસઓજીએ ગણતરીના કલાકોમાં 6 નરાધમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીની પૂછપરછ કર્યા બાદ મૂળ ફરિયાદમાં સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયેલું જણાતાં બંનેની કલમનો ઉમેરો કર્યો હતો. તમામ આરોપીઓને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. આ ઉપરાંત આરોપીઓના કપડા અને મોબાઇલ કબજે કર્યાં હતાં.
સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા 17 વર્ષથી પોતાના બે સંતાનો સાથે રહેતી હતી. ગત 16 ઓગસ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી અને ત્યારબાદ ઘાસવાળા ખેતરમાં કેટલાક લોકોએ દુષ્કર્મ કર્યાં બાદ ગળે ટુંપો દઇને તેની હત્યા કરી હતી. મોડી રાત સુધી મહિલા ઘેર ન આવતા શોધખોળ કરાઇ હતી. પરિવારે મહિલાના મોબાઇલ પર રીંગ કરતાં શોધમાં નિકળ્યો ત્યારે ખેતરમાં ફોનની રીંગ સંભળાઇ હતી જ્યાં મહિલાની લાશ મળી આવી હતી. આ બનાવ બાદ જીલ્લા પોલીસવડા સુધીરકુમાર દેસાઇની સૂચના મુજબ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળા, અને કરજણ પીઆઇ એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.
સ્નીફર ડોગ જાવા આરોપીને જોઇ ભસતા આરોપીઓ પકડાયા
વડોદરા જિલ્લા પોલીસની ટીમ દ્વારા પોલીસ તંત્રમાં તાજેતરમાં જ નવા આવેલા જાવાના નામના ડોગના ડોગહેન્ડલર અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ મોહનીયાને સાથે રાખી ગુનાના સ્થળથી મહિલાના દુપટ્ટો અને ઘટના સ્થળે પડેલી પાણીની બોટલની સ્મેલ લેવડાવી જાવાને આરોપીઓની શોધખોળ માટે તપાસ કરાવી હતી. પોલીસ ડોગ જાવા માત્ર 5 મિનીટમાં ઘટના સ્થળથી 400 મીટર દૂર આવેલી મજુરોની વસાહત પાસે જઇ અટકી ગયો હતો. અને વસાહતમાં જઇ એક વ્યક્તિને જોઇને ભસતા પોલીસે તેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ લાલ બહાદૂર ગીરજારામ હોવાનું જણાવ્યું હતું.
પોલીસ પૂછપરછમાં સામૂહિક દુષ્કર્મની કબૂલાત કરી
પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે મહિલા સાથે અન્ય પાંચ સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ઊંડી પૂછપરછ કરીને લાલ બહાદુર ગીરજારામ બિહાર, દિલીપ શ્રીમુખલાલ ચૌધરી, જગ્ગુ પ્રસાદ સુભાષચન્દ્ર પંડુ, પ્રમોદ રામચરણ પંડુ, રામસુરત સુભાષચન્દ્ર પંડુ અને અર્જુન લાલચંદ પંડોરને ઝડપી લીધા હતા. જીલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ અને હત્યાના બનાવમાં સંડોવાયેલા 6 શખસેને ગણતરીના કલાકોમાં પકડી લીધા હતા.
મહિલાને એકલી જોઇ 6 શખસોએ વારાફરતી દુષ્કર્મ આચર્યુ
16 ઓગસ્ટે સાંજના સમયે તે અને રેલવે ટ્રેક પાસેના ઝુંપડામાં રહેતા તેના સાથીદારો ખેતર પાસેના રેલવે ટ્રેક ઉપર બેઠા હતા. તે સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતા તેનો પીછો કર્યો હતો. અને ઘાસ વાળા ખેતરમાં મહિલાને પકડી તેની ઉપર તમામે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ બુમાબુમ કરતાં દિલીપ અને લાલબહાદુરે મહિલાનો દુપટ્ટો મહિલાના મોંઢામાં દબાવી દીધો હતો અને ત્યારબાદ અન્ય આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલા કોઇને કહી દેશે તેવું લાગતાં દુપટ્ટા વડે ગળાના ભાગે ભેરવી ટુંપો દઇને મહિલાની હત્યા કરી હતી અને જાણે કંઇ જ બન્યું ના હોય તેમ તમામ પોતાના ઝુંપડામાં જઇને રહેવા લાગ્યા હતા અને રુટીન કામકાજ કરવા લાગ્યા હતા. બનાવ બાદ 5 આરોપી તો પાલેજ તરફ મજૂરી કામમાં જતા રહ્યા હતા.
વસાહતના પરપ્રાંતીયોનું સ્થળાંતર
બીજી તરફ રેલવે ટ્રેક પાસે 70 જેટલા પરપ્રાંતીયો ટેન્ટ બનાવીને રહેતા હતા અને તે ફેબ્રીકેશનનું કામ કરતા હતા. પરપ્રાંતિયો પૈકીના 6 જણાએ મહિલા સાથે સામુહિક દુષ્કર્મ અને હત્યા કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેથી પોલીસે અન્ય પરપ્રાંતિયોને તત્કાળ પાલેજ તરફ ખસેડી લીધા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ જઘન્ય કાંડ બાદ સ્થાનિક લોકોમાં આરોપીઓ પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. આરોપીઓના તેમના સુપરવાઇઝર અને હિસાબ-કિતાબ કરતા યુપીના રાઘવેન્દ્ર વિરેન પ્રતાપસિંગની પૂછપરછ કરી તેનું નિવેદન લીધું હતું. આરોપીઓને રોજ મજૂરીના રૂા.350 મળતા હતા.
પોલીસ સ્નીફર ડોગની ટીમને ડીજીપીએ પ્રશંસા પત્ર આપ્યું
દેથાણ પંથકની મહિલા પર સામુહિક દુષ્કર્મ અને હત્યાના બનાવમાં સ્નીફર ડોગ જાવાની મદદ લઇને ગણતરીના કલાકોમાં જીલ્લા પોલીસે 6 આરોપીને ઝડપી લીધા હતા જેથી રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ ડોગ જાવાની પ્રશંસા કરીને ડોગ હેન્ડલર હરેશ મનસુખભાઇ મોહનીયાને પ્રશંસાપત્ર આપીને સન્માન કર્યું હતું . પ્રશંસાપત્રમાં ડીજીપીએ જણાવ્યું હતું કે, આપની સતત મહેનત અને પોલીસ ડોગ જાવાની નિયમીત યોગ્ય તાલીમના કારણે આરોપીઓનું પગેરું મળી શક્યું છે.
