ઓમિક્રોનના ભય વચ્ચે રાજકોટવાસીઓ બિનધાસ્ત, બજારમાં મેળાવડો; મોટાભાગના લોકો માસ્ક વગર ફરે છે

By Abhishek Raghuvanshi
6 Min Read
લોકો બજારોમાં માસ્ક વગર ફરતા જોવા મળ્યા
  • જ્યુબિલીમાં શાકભાજીના વેપારીઓ ગળા પર માસ્ક લટકાવે છે, ઓમિક્રોનને ખુલ્લું આમંત્રણ

રાજકોટમાં ઓમિક્રોનનો પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યો છે અને કોરોના પોઝિટિવ કેસના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 9 દિવસમાં 60થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમ દ્વારા શહેરની પાંચ પ્રખ્યાત જગ્યા પર જઇ રિયાલિટી ટેક કર્યું હતું. જેમાં ચોંકવનારા દૃશ્યો સામે આવ્યા છે. ગુંદાવાડીમાં તો લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. અહીં 70 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યુબિલી રોડ પર શાકભાજી-ફ્રૂટના વેપારીઓ ગળા પર માસ્ક લટકાવતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો પરથી ઓમિક્રોનને ખુલ્લું આમંત્રણ મળી રહ્યું હોય તે સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં હજી દોઢ લાખ લોકો વેક્સિનનો બીજો ડોઝ પણ લેવાનું ટાળી રહ્યા છે.

ગુંદાવાડીમાં 70 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા
દિવ્ય ભાસ્કરની ટીમ ગઇકાલે બપોરના 1 વાગ્યાની આસપાસ ગુંદાવાડી પહોંચી હતી અને અહીં અડધી કલાક ઉભા રહી સર્વે કર્યો હતો. જેમાં ખરીદી કરવા આવતા લોકોમાં ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ન તો 70 ટકા જેટલા લોકોએ માસ્ક પહેર્યા. શહેરની આ એ બજાર છે કે લોકો પોતાની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ખરીદવા માટે રોજ ઉમટી પડે છે. અહીં મનપાની આરોગ્ય ટીમ કે પોલીસ લટાર પણ મારતી નથી. અહીંના વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. ગ્રાહકો પણ માસ્ક વગર દુકાનની અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. કારણ કે, અહીં કોઇ રોકવાવાળું નહોંતું.

શું આ દૃશ્યો જોઇને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી?

પરાબજારમાં વાહનચાલકો માસ્ક વગર જોવા મળ્યા
ગુંદાવાડી બાદ દિવ્ય ભાસ્કરની ટીમ અઢી વાગ્યાની આસપાસ શહેરના પરા બજારમાં પહોંચી હતી. અહીં પણ ગુંદાવાડી જેવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં વાહનચાલકો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. કોરોનાનો સહેજ પણ ડર ન હોય તેમ લોકો પોતાની રીતે ફરી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અહીં પણ ન તો પોલીસ કે આરોગ્ય વિભાગની ટીમ જોવા સુદ્ધાં મળી નહોંતી. કારણ કે કોઇ રોકે તો લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની ખબર પડે.

રાજકોટીયન્સ માસ્ક વગર જોવા મળ્યા હતા

જ્યુબિલીમાં વેપારીઓના દાઢીએ માસ્ક લટકતા જોવા મળ્યા
પરાબજાર બજાર બાદ દિવ્ય ભાસ્કરની ટીમ સવા ત્રણ વાગ્યે જ્યુબિલી શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ શાકભાજી માર્કેટ શહેરની સૌથી મોટી શાકભાજી માર્કેટ છે. અહીં માર્કેટમાં પગ મુકવાની જગ્યા ન મળે તેટલી હદે લોકોની ભીડ જોવા મળી હતી. ભીડમાં સોશિયલ ડિસ્ટન્સ તો દૂર પણ મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક ગાયબ જોવા મળ્યા હતા. શાકભાજીના વેપારીઓ ફરી સુપર સ્પ્રેડર બને તો નવાઇ નહીં તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

- Advertisement -
કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટનો વિસ્ફોટ થઇ શકે તેમ છે

લાખાજી રોડ પર દુકાનદારો માસ્ક વગર જોવા મળ્યા
4 વાગ્યાની આસપાસ દિવ્ય ભાસ્કરની ટીમ લાખાજી રોડ પર પહોંચી તો વેપારીઓ દુકાનની અંદર માસ્ક વગર જોવા મળ્યા હતા. ખાણીપીણીની લારીઓ ફરતે લોકો નાસ્તો કરવામાં મગ્ન હતા પરંતુ નાસ્તો આપનાર અને બનાવનાર વેપારીઓ માસ્ક પહેર્યું છે કે નહીં તે કોઇએ જોવાની તસ્દી લીધી નહોતી. તંત્ર સબ સલામતના દાવા કરે છે પરંતુ અહીં તો કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એસ.આર. ત્રિવેદી

સિવિલના કોરોના વોર્ડ પાસે લોકો નિયમો ભૂલ્યા
5 વાગ્યે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડ પાસે પહોંચી તો ખાટલે મોટી ખોટ ઉક્તિને સરિતાર્થ કરતા દૃશ્યો સામે આવ્યા હતા. બાજુમાં કોરોનાના દર્દીઓ દાખલ છે છતાં લોકો બાંકડે બેસી ગપ્પા મારતા જોવા મળ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. આરોગ્યધામમાં જ કોરોનાના નિયમોનો ઉલાળ્યો થતો હોય તો બજારોમાં તો લોકો ખુલ્લેઆમ ફરવાના જ છે. આ અંગે આરોગ્ય વિભાગ અને મનપા એલર્ટ બને તે જરૂરી છે.

બસ અને રેલવે સ્ટેશનના ચેકીંગનું તુત
રાજકોટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન હજારો મુસાફરો આવન જાવન કરે છે ત્યારે માત્ર ટેસ્ટિંગ ટેબલ રાખ્યું છે કોઈના ચેકિંગ થતાં નથી અને કડક ચેકીંગ કરશું જ તેવો તંત્ર દાવો કરતું હોય છે.

સરકારની સાથે લોકો પણ ગંભીર બને તે જરુરી

મતગણતરી કેન્દ્રમાં તો લોકોનું કિડીયારૂ ઉભરાયું
ગઇકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ હતું. ત્યારે સામા કાંઠે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં મત ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. અહીં તો લોકોનું કિડીયારૂ ઉભરાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. શું આ દૃશ્યો જોઇને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી? તેવો સવાલ પણ ઉઠ્યો છે.

મોટાભાગના શહેરીજનો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરતાં જોવા મળ્યા

જરૂર હોય તો જ લોકો બહાર નીકળેઃ સિવિલ હોસ્પિ.ના અધિક્ષક
સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એસ.આર. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લોકોને અપીલ છે કે, તેઓ ફરજીયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. વેક્સિન બાકી હોય તો અવશ્ય વેક્સિન લઇ લેજો. જરૂર હોય તો જ લોકો બજારમાં નીકળે અને ભીડભાડથી દૂર રહો. બાળકોની પણ સાવચેતી રાખવી જરૂરી છે. સ્કૂલોમાં પણ બાળકોની સાવચેતી રાખવી જરૂરી છે. લોકો ફરજીયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તો ત્રીજી લહેરને આવતા આપણે ટાળી શકીશું.

Exit mobile version