- બાળકોની માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે 25 રૂપિયા ફી
- મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના અતથી લઇને ઇતિ સુધીના તમામ પ્રસંગો છે
ગુજરાત અને ગાંધીજી એકબીજાને પર્યાય છે. ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે ગાંધીજીનો જન્મનો નાતો છે. પોરબંદર રહ્યાં બાદ ગાંધીજીએ રાજકોટમાં રહી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. શહેરની આલ્ફ્રેડ હાઈસ્કૂલ એટલે કે મહાત્મા ગાંધી સ્કૂલને બંધ કરી 26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમનું સ્વરૂપ આપવામાં આવ્યું અને 30 સપ્ટેમ્બર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લુ મુક્યું હતું. પરંતુ કરૂણતા એ છે કે, આજે આ મ્યુઝિયમ ધૂળ ખાય રહ્યું છે તેવું કહેવું પણ ખોટું નથી. કોરોના ગાંધી મ્યુઝિયમને પણ અસર કરી ગયો છે. એક સમયે દેશ-વિદેશથી અને ગુજરાતના અનેક પ્રવાસીઓ આ મ્યુઝિયમ જોવા આવતા અને દર મહિને લાખોની કમાણી થતી. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 28 હજારની જ આવક થતા સ્ટાફનો પગાર કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. કોર્પોરેશન આ મ્યુઝિયમ પાછળ મહિને લાખો રૂપિયા ખર્ચે છે. હાલ મહિનાની આવક માત્ર 10 હજાર રૂપિયા પણ પુરી નથી.
મેઈન્ટેનન્સમાં કોઈ કચાશ રાખવામાં આવી રહી નથીઃ મેયર
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે 15 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2020 સુધી 2.13 લાખની આવક થઈ હતી. બાદમાં 22 માર્ચ 2020થી 15 ઓક્ટોબર 2020 સુધી લોકડાઉનમાં મ્યુઝિયમ બંધ રહ્યું હતું. જ્યારે 1 એપ્રિલ 2021થી 1 જુલાઈ સુધીમાં માત્ર 28 હજારની જ આવક થઈ છે. જોકે મ્યુઝિયમની જાળવણીમાં સાફ-સફાઈ, અન્ય મેઈન્ટેનન્સમાં કોઈ કચાશ રાખવામાં આવી રહી નથી. કોરોનાને કારણે વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવતા ન હોવાથી તેનું પણ પ્રમાણ ઘટ્યું છે.
મુલાકાતીઓનો ગ્રાફ તળિયે
15 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધીમાં 1615 બાળકો અને 7874 વયસ્કે મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન માત્ર ભારત રહેલા ગણ્યાંગાઠ્યાં વિદેશીઓ આવ્યા હતા. અચાનક જ 1 એપ્રિલ 2021થી મુલાકાતીઓનો ગ્રાફ તળિયે જતો રહ્યો હતો. 1 એપ્રિલ 2021થી 1 જુલાઈ 2021ની વાત કરીએ તો આ ત્રણ મહિનામાં માત્ર 204 બાળકો અને 1061 વયસ્કે મુલાકાત લીધી હતી. જેમાં દર મહિને 10 હજારથી પણ ઓછી આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે બાળકોની ફી માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે 25 રૂપિયા ફી રાખવામાં આવી છે. રૂ.26 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગાંધી મ્યુઝિયમની ખાસિયત એ છે કે, તેમાં ગાંધીજીના જીવનના અતથી લઇને ઇતિ સુધીના તમામ પ્રસંગો જોવા મળે છે પણ તેનું નિરૂપણ આધુનિક રીતે ટેક્નોલોજીની મદદથી કરાયું છે.
મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલું મ્યુઝિયમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે વિશ્વકક્ષાના ગાંધી મ્યુઝિયમને ખુલ્લું મુક્યું હતું. મહાત્મા ગાંધીજીના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તથા જીવનચરિત્ર બાબતે લોકોને માહિતી મળી રહે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેમાં મલ્ટિમીડિયા મિનિ થિયેટર, મોશન ગ્રાફિક્સ એનિમેશન, થ્રીડી પ્રોજેક્શન, મલ્ટિપલ સ્ક્રીન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વીડિયો પ્રોજેક્શન-થ્રીડી પ્રોજેક્શન મેપિંગ ફિલ્મ, વિશાળ વીડિયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટિંગ સહિતની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ અને ઇન્ટરએક્ટિવ મોડ ઓફ લર્નિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત સોવિનિયર શોપ, વર્કશોપ, લાઇબ્રેરી તેમજ સાત્વિક ભોજન મળી રહે તે માટે ફૂડ કોટ, વી.વી.આઈ.પી. ઓફિસ, અદ્યતન પાર્કિંગ, ટિકિટ બારી, સ્ટોરરૂમ વગેરે સુવિધા સાથે બન્યું છે.
ગાંધી મ્યુઝિયમમાં ક્યાં રૂમમાં શું છે, આવો જાણીએ વિગતવાર
- ગ્રાઉન્ડ ફ્લોર
- રૂમ નં.1-2: જન્મ અને પરિવાર, માતા પૂતળીબાઇ, બાળપણમાં શીખેલા પાઠ, કબા ગાંધી પરિવારનું રાજકોટમાં આગમન, આલ્ફ્રેડ હાઇસ્કૂલ, રાજકોટમાં જીવનમૂલ્યોનું શિક્ષણ, કસ્તુરબા સાથે લગ્ન, ખરાબ સોબત, કરમચંદ ગાંધીનું અવસાન
- રૂમ નં.3-4: ત્રણ વસ્તુઓથી દૂર રહેવાની પ્રતિજ્ઞા, લંડન-અંગ્રેજી જેન્ટલમેનનો વેશ, લંડનમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ, અન્નાહારી મંડળીના સભ્ય, વિશ્વના ધર્મોનો પરિચય, બેરિસ્ટર ગાંધી પહોંચ્યા મુબંઇ, સંઘર્ષ, રાજકોટ-મુંબઇ-રાજકોટ, દક્ષિણ અફ્રિકાનું તેડુ, પીટરમેરિત્ઝબર્ગ સ્ટેશન પર ટ્રેનથી ઉતારાયા
- રૂમ નં.5-6: નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના, લીલા ચોપાનિયાનું પ્રકાશન, પરિવારની સાથે દક્ષિણ આફ્રિકા, બોઅર યુધ્ધ, ઇન્ડિયન ઓપિનિયનનો પ્રારંભ, ફિનેક્સ આશ્રમની સ્થાપના, અન્નહાર વિશે ગુજરાતીમાં લેખ, ખૂની કાયદાનો વિરોધ, ઇંગ્લેન્ડ પ્રયાણ
- રૂમ નં.7: સત્યાગ્રહનો જન્મ, એશિયાટિક લો અમેન્ડમેન્ટ એક્ટ-ખૂની કાયદો, ખૂની કાયદાના વિરોધ બદલ જેલવાસ, ટોલ્સ્ટોય ફાર્મ
- રૂમ નં.8-9: ગ્રેટ માર્ચ, ધરપકડ, ટ્રાયલ, સજા અને છુટકારો, સ્વદેશ આગમન, દક્ષિણ આફ્રિકામાં કરેલી સેવા બદલ સન્માન, ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે મુલાકાત, લોકમાન્ય બાલ ગંગાધર ટિળક સાથે મુલાકાત, ભારત અને બર્માની યાત્રા મ્યુઝિયમમાં ગાંધીજીની યાદો આજે પણ સચવાયેલી છે.
- રૂમ નં.10-11: સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ચરખો: ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર, ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદના મિલ મજૂરોની હડતાળ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ
- રૂમ નં.12: જલિયાંવાલા બાગ ભીષણ હત્યાકાંડ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, અસહકારનું આંદોલન, ચૌરીચૌરા કાંડ
- રૂમ નં.13-14: હિંદુ-મુસ્લિમ એકતા માટે 21 દિવસના ઉપવાસ, અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના, બારડોલી સત્યાગ્રહ, સાઇમન કમિશન, પૂર્ણ સ્વરાજ, દાંડીકૂચ
- રૂમ નં.14-16: દ્વિતીય ગોળમેજી પરિષદ, અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન, કોંગ્રેસમાંથી રાજીનામું, સેવાગ્રામમાં સ્થાયી, રાજકોટ સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, આગાખાન પેલેસમાં નજરકેદ, કસ્તુરબાનું અવસાન
- રૂમ નં.17-18: સિમલા કોન્ફરન્સ, કોમી રમખાણ, દેશ આઝાદ થયો, મહાત્માને વિશ્વભરમાંથી શ્રધ્ધાંજલિ ફર્સ્ટ ફ્લોર
- રૂમ નં. 19 થી 31: સત્ય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અહિંસા, અસ્પૃશ્યતા-નિવારણ, અપરિગ્રહ, અભય, અસ્તેય, જાત-મહેનત, સર્વધર્મ સમભાવ, જાત-મહેનત, ગાંધીજીની જેલયાત્રા, શ્રીમદ્દ રાજચંદ્ર અને ગાંધીજી
- રૂમ નં.32-33 :બાપુ સાથે વાર્તાલાપ સત્યની સફર, ત્રણ બુદ્ધિશાળી વાનર, બાપુ સાથે એક દિવસ, આહારની આદત, સર્વધર્મ એક સમાન, ગાંધી ક્વિઝ
- રૂમ નં.34: મહાનુભાવોનો પ્રભાવ, લિઓ ટોલ્સટોય, જોન રસ્કિન, હેનરી ડેવિડ થોરો, ગોપાલકૃષ્ણ ગોખલે
- રૂમ નં.35: ગાંધીજીના પાત્રો, ભાષણ અને પત્રિકાઓ
- રૂમ નં.36: ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ
- રૂમ નં.37: ગાંધી કથા: નારાયણભાઇ દેસાઇ
- રૂમ નં.38: મોહનદાસનો વર્ગખંડ
- રૂમ નં.39: ગાંધી વિચાર: સમયથી આગળ
ગાંધી મ્યુઝિયમમાં પહેલા આલ્ફ્રેડ હાઈસ્કૂલ ચાલતી
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું બાળપણ રાજકોટના કબા ગાંધીના ડેલામાં વીત્યું ત્યારે અભ્યાસ આલ્ફ્રેડ હાઇસ્કૂલ તરીકે ઓળખાતી રાજકોટની સ્કૂલમાં કર્યો હતો. આઝાદી પહેલા સૌરાષ્ટ્રમાં 300થી વધારે રજવાડા હતા. અને રાજકોટ મધ્યમ કદનું રજવાડું હતું. 1853ની સાલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ હાઇસ્કૂલ બની જેનું નામ રાજકોટ ઇંગ્લીશ સ્કૂલ રાખવામાં આવ્યું હતું. આ સમયે હાઇસ્કૂલ બ્રિટીશ એજન્સી ચલાવતી હતી. પ્રારંભમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાઇસ્કૂલના પ્રથમ આચાર્ય ભોગીલાલ પ્રાણવલ્લભદાસ હતા. 1866માં આ શાળાનું મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાણ થયું.
મહાત્મા ગાંધીજીએ હાઇસ્કૂલમાં 1880ની સાલમાં પ્રવેશ મેળવ્યો હતો
સ્કૂલના વિકાસ માટે સૌરાષ્ટ્રના તે સમયના અનેક રાજાઓ ફાળો આપતા હતા. ત્યાર પછી સ્કૂલનું નામ બદલીને કાઠિયાવાડ હાઇસ્કૂલ રાખવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ આ હાઇસ્કૂલમાં 1880ની સાલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સમયે આચાર્ય ઉતમરામ મહેતા હતા. 1887માં ગાંધીજીએ અમદાવાદ કેન્દ્રમાંથી મુંબઇ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા 39 ગુણ મેળવી પાસ કરી હતી. ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરીયાના બીજા નંબરના પુત્ર આલ્ફ્રેડ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે અંગ્રેજોને ખુશ કરવા જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાએ શાળામાં સુધારા વધારા અને શાળાના બિલ્ડિંગને ભવ્ય બનાવવા રૂપિયા એક લાખનો ફાળો આપ્યો હતો.
1971માં શાળાનું શતાબ્દી વર્ષ ઉજવવામાં આવ્યું
1971માં શાળાનું શતાબ્દી વર્ષ ઉજવવામાં આવ્યું ત્યારે તેનું નામ બદલીને મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાલય પાડવામાં આવ્યું હતું. પરંતુ લોકો આલ્ફ્રેડ હાઇસ્કૂલ નામથી શાળાને ઓળખતા હતા. શાળાને સમૃધ્ધ બનાવવા રાજકોટના રાજવી લાખાજીરાજ બાપુનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ શાળામાં ગાંધીજી, સર પ્રભાશંકર પટ્ટણી, પ્રાણજીવનદાસ મહેતા, જયસુખલાલ હાથી, ક્રાંતિકારી સરદારસિંહ રાણા, ડોલરરાય બૂચ ગીરજાશંકર આચાર્ય સહિતના અનેક મહાનુભાવો અભ્યાસ કરી ચૂક્યા છે. અવિસ્મરણિય ગૌરવંતુ યોગદાન આપેલ છે.
શરૂઆતના એક વર્ષમાં ગાંધી મ્યુઝિયમની 1 લાખ 14 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
પીએમ નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહાત્મા ગાંધી મ્યુઝિયમની ઉઝબેકિસ્તાનના હાવાસ ગુરૂહિ ગૃપના કલાકારોએ તથા દેશ-વિદેશમાં જાણિતી હિન્દી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના કલાકારોએ મુલાકાત લીધી હતી. શુભારંભથી લઈને એક વર્ષ સુધીમાં ગાંધી મ્યુઝિયમની કુલ 1,14,043 લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં 34916 બાળકો, 78731 જેટલા 12 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો તથા અંદાજીત 400 જેટલા વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, ઈજીપ્ત, જર્મની, સિરીયા, તુર્કી, બ્રાઝીલ, સિંગાપોર, સહિત 30 જેટલા દેશના લોકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે.
