હવે શાળાઓ ખૂલશે:જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે સરકાર સક્રિય

By Abhishek Raghuvanshi
4 Min Read
રાજ્યમાં 15 જુલાઈથી કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું હતું.
  • કોર કમિટીમાં ચર્ચા થયા બાદ શાળાઓ શરૂ કરવા અંગે આજે મળનારી કેબિનેટની બેઠકમાં આખરી નિર્ણય લેવાઈ શકે છે

ગુજરાતમાં કોરોના હળવો થતાં સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થાય એવી શક્યતા છે. આ મામલે મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી અને અધિકારીઓની બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.

ચાલુ સપ્તાહમાં જ સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે
ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે અને શિક્ષણ પણ ધીરે ધીરે અનલોક થઈ રહ્યું છે. કોલેજો, યુનિવર્સિટી, ધોરણ 9થી 12ના ઓફલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. પરિણામે, સરકાર હવે પ્રાથમિક વિભાગમાં ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ચાલુ અઠવાડિયામાં જ રાજ્ય સરકાર આ અંગે કોઈ નિર્ણય જાહેર કરે એવી શક્યતા છે, જેમાં જન્માષ્ટમીના તહેવારો બાદ સપ્ટેમ્બરના આરંભથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ થવાના સંકેતો શિક્ષણ વિભાગનાં સૂત્રોએ આપ્યા છે.

અગાઉ શિક્ષણમંત્રીએ 15 ઓગસ્ટ બાદ નિર્ણય લેવાશે એમ કહ્યું હતું
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અગાઉ જાહેરાત કરી હતી કે તા. 15ઓગસ્ટ બાદ ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે, કેમ કે અઠવાડિયા અગાઉ મંત્રીમંડળની બેઠક અને કોર કમિટીમાં પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. પરિણામે, આજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે.

કોરોના ગુજરાતમાં આવ્યો ત્યારથી પ્રાથમિક શાળાઓ બંધ છે
ઓગસ્ટ મહિનામાં જ ધોરણ 6થી 8ના ઓફલાઇન સ્કૂલો શરૂ કરવાનું નક્કી થયું હતું, પણ આ મહિનામાં અનેક તહેવારો અને રજાઓ આવતી હોવાથી અંતે શિક્ષણ વિભાગ અને કોર કમિટીએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી જ શાળાઓ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને રોટેશન મુજબ બોલાવીને ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સરકારને રજૂઆત કરી છે, જેમાં કોવિડ ગાઈડલાઈન્સ સાથે હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. માર્ચ 2020થી કોરોના ગુજરાતમાં આવ્યો ત્યારથી પ્રાથમિક શાળાઓ બંધ છે.

- Advertisement -
ધોરણ 9થી 11ની સ્કૂલો પણ 26 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી.

ઓનલાઈન શિક્ષણથી નાનાં બાળકો હવે કંટાળી ગયાં છે
વાલીઓ અને શાળા-સંચાલકો પણ એવું માની રહ્યા છે કે ઓનલાઈન શિક્ષણથી નાનાં બાળકો હવે કંટાળી ગયાં છે. કોરોના પ્રોટોકોલ સાથે શાળાઓ શરૂ કરવી જોઈએ. આ બેઠકમાં શિક્ષણ વિભાગના મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા થવાની છે. આ સિવાય રાજ્યમાં ધોરણ 6થી 8ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગેની ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી 5 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના કાર્યક્રમના આયોજન અંગે પણ ચર્ચા થઈ શકે છે.

15 જુલાઈથી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું
રાજ્યમાં 15 જુલાઈથી કોલેજો શરૂ કરવામાં આવી હતી, સ્કૂલો કરતાં કોલેજોમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. વિદ્યાર્થીઓને થર્મલગન દ્વારા ચેકિંગ અને સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો. વિદ્યાર્થીઓને કોલેજોમાં એક વર્ગખંડમાં 50 ટકા કેપેસિટી સાથે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ખુશીની લાગણી છવાઈ હતી.

15 જુલાઈથી ધોરણ 12ની સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ હતી.

26 જુલાઈથી ધોરણ 9થી 12ની સ્કૂલો ઓફલાઈન શરૂ થઈ
ગુજરાતમાં કોરોના ઓસરતાં જ સ્કૂલોમાં ફરીવાર ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે, જેમાં 15 જુલાઈથી 50 ટકા વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. આ દિવસે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ યોજાઈ હતી. એ ઉપરાંત ધોરણ 9થી 11ના ઓફલાઈન વર્ગો 26 જુલાઈથી શરૂ કરવામાં આવ્યા હતા. હવે કોરોના નિયંત્રિત થતાં સરકાર ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે.

Exit mobile version