સુરતમાં લિવ-ઇનમાં રહેતા પ્રેમીનો મોતનો કૂદકો, પરિણીત પ્રેમિકાએ કહ્યું- મારા પતિએ જ મારી નાખ્યો છે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • મહિલા પતિને છોડી યુવક સાથે એક વર્ષથી લિવ-ઇનમાં રહેતી હતી

સુરતના રિંગરોડ ઓવરબ્રિજ પરથી મોતનો કૂદકો મારનાર ધનરાજ પાટીલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જેથી પ્રેમિકાએ પતિ પર હત્યાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, એક વર્ષથી લિવ-ઇનમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે મારો પતિ અમને બન્નેને છૂટા પાડવા માગતો હતો, જેથી ધનરાજને વારંવાર મોબાઇલ પર ધમકી આપતો હતો. મારી પાસે તમામ વાતના ઓડિયો રેકોર્ડિંગ છે. પોલીસે વિવાદાસ્પદ કેસને લઈ પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

ધનરાજને તેની પ્રેમિકાના પતિ દ્વારા ધમકી અપાતી હોવાના આક્ષેપ કરાયા છે.

યુવકનું સારવાર દરમિયાન મોત
સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારની બપોરે કોઈ ઈસમે રિંગ રોડ ઓવરબ્રિજ પરથી નીચે છલાંગ મારતાં ટોરેન્ટ પાવરની ઓફિસ બહાર પડ્યો હતો. 108માં ઇસમને સારવાર માટે સિવિલ લઈ જવાયો હતો, જ્યાં અજાણ્યો ઈસમ ધનરાજ લોટન પાટીલ હોવાનું અને મહાદેવનગર લિંબાયતનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું તેમજ તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ધનરાજ પત્ની અને પ્રેમિકા એમ બે મહિલા સાથે સંબંધ રાખતો હતો.

પતિ ધમકી આપતો હતો
મૃતક ધનરાજની પ્રેમિકાએ જણાવ્યું હતું કે હું ધનરાજ સાથે એક વર્ષથી પ્રેમમાં છું. લિવ-ઇનમાં રહું છું. મેં મારા પતિને છોડી દીધો છે, એટલે તે મારા પ્રેમી ધનરાજને વારંવાર મોબાઈલ પર ધમકી આપી મારી સાથેના સંબંધ તોડી નાખવા કહી રહ્યો હતો, જેના તમામ રેકોર્ડિંગ મારા મોબાઈલમાં છે. મારા પતિએ જ મારા પ્રેમીને અકસ્માતમાં મારી નાખ્યો છે.

ધનરાજના મોતથી ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ધનરાજ પત્ની અને પ્રેમિકા સાથે રહેતો હતો
પરિવારે જણાવ્યું હતું કે ધનરાજ પરિણીત છે, ત્રણ દીકરીનો પિતા છે. શાકભાજી માર્કેટમાં મજૂરીકામ કરે છે. તે પત્ની અને પ્રેમિકા બન્ને સાથે રહેતો હતો. પ્રેમિકા સાથેના સંબંધમાં જ ધનરાજનો જીવ ગયો છે. જોકે હાલ પોલીસે બન્ને પક્ષકારોનાં નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Exit mobile version