સુરતમાં નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ, શ્રમજીવીએ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડી

By Abhishek Raghuvanshi
3 Min Read
શિયાળાની ઠંડીમાં બાળકીને નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધી.
  • સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ હાલ બાળકીને NICUમાં રિફર કરી છે
  • ડોક્ટરોના મતે બાળકીનું વજન લગભગ 1.6 કિલો જેટલું છે

સુરતમાં ફરી એકવાર નિષ્ઠુર જનેતાની ક્રૂરતા સામે આવી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં જન્મેલી એક નવજાત બાળકીને માતાએ પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતાં નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી છે. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે.

નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી
મશીન ઓપરેટર ભરત ઠાકોરે જણાવ્યું હતું કે થેલીમાં બાળકી લોહીથી લોથપોથ હાલતમાં હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. જોકે આ બાબતે 108ના EMTએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જતો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં હું ઊભો રહી ગયો હતો. બસ, આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થતું રહ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી.

બાળકીને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ NICUમાં રિફર કરી.

હાલમાં બાળકીની હાલત સાધારણ છે
બાળકીને એક થેલીમાં એ પણ લોહીથી ખરડાયેલી હાલતમાં જોઈ હૃદય ધ્રૂજી ગયું હતું. તાત્કાલિક 108ને ફોન કર્યો અને રિક્ષાવાળા પાસે ચાદર લઈ તેને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી ત્યારે તેનું રડવાનું બંધ થયું હતું. ત્યાર બાદ બાળકીને તાત્કાલિક 108માં બેસાડી સિવિલ લઈ આવ્યા તો ડોક્ટરોએ એને NICUમાં રિફર કરી દીધી હતી. હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે.

બાળકી તાજી જન્મેલી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું
ડો. ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે બાળક લગભગ તાજું જન્મેલું એટલે કે 4-5 કલાક પહેલાં જ જન્મેલું હોય એમ કહી શકાય છે. બાળકીનું વજન લગભગ 1.6 કિલો ઉપરનું હોય શકે એમ કહી શકાય છે. હાલ બાળકીને NICUમાં દાખલ કરાઈ છે અને તેણે જન્મ લેતાં ત્યજી દેવાઈ હોય એમ કહી શકાય છે. 108 EMT (ભેસ્તાન લોકેશન)એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. EMTને મીડિયાથી દૂર રાખવા પાછળના EMEના આવા વલણ સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે.

- Advertisement -
Exit mobile version