- સોમવારે સાંજે વેસુના કોફી કપલ બોક્સમાંથી વિદ્યાર્થિની બેભાન મળ્યા બાદ મોત થયું હતું
સુરતના ડિંડોલીમાં રહેતી અને કામરેજની કોલેજમાં ભણતી 21 વર્ષિય યુવતી સોમવારે સાંજે વેસુના કોફી કપલ બોક્સમાંથી બેભાન મળી હતી. સિવિલમાં મોત થતા યુવતીના પરિવારે આક્ષેપ કર્યો કે ભાગી ગયેલા વિધર્મી યુવકે જ ઝેર આપીને હત્યા કરી છે. ત્યારબાદ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી સીબીઆઈ અથવા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવા માગ કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવતા આજે પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતેથી દીકરીનો મૃતદેહ સ્વીકાર્યો હતો. હાલ પરિવાર દ્વારા અંતિમવિધિની તૈયારી કરવામાં આવી છે.
પોલીસને જાણ કરાતા યુવક ભાગી ગયો
ઓરિસ્સાનો સુસાંત સાહુ પરિવાર ડિંડોલીમાં રૂક્ષ્મણી સોસાયટીમાં રહે છે. તેમની 21 વર્ષિય દીકરી મધુસ્મિતા સોમવારે સાંજે મિત્ર મોહમદ મદની સાથે મહાવીર કોલેજ પાસે રાજડ્રીમ કોમ્પ્લેક્સમાં કોફી કેસલ કપલ બોક્સ શોપમાં ગઈ હતી. દોઢ કલાક બાદ બેભાન મળતા સિવિલ ખસેડાઈ હતી. મદનીએ તબીબને કહ્યું કે, મધુસ્મિતાએ ઝેર પીધું છે. ડોક્ટરે તપાસ કરતા તે મૃત હતી. પોલીસને જાણ કરાતા મદની ભાગી ગયો હતો. હાલ તેનો ફોન બંધ છે.
ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાયા બાદ લાશ સ્વીકારી
પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી કમિશનર અજય તોમરને મળી તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવા અને હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપ્યા બાદ પરિવારે લાશ સ્વીકારી હતી.
મારી પુત્રીની હત્યા થઈ છે, આરોપીને પકડો: પિતા
મધુસ્મિતાના પિતા સુશાંત સાહુએ કહ્યું, મારી એકની એક દીકરી ક્યારેય સુસાઈડ ન કરી શકે, તેની હત્યા કરાઈ છે. ભાઈ પરિક્ષિતે કહ્યું કે, મધુસ્મિતા કોલેજ જવાનું કહી નીકળી હતી. તેનો ફોન 3 કલાક બંધ હતો. તેની સાથેનો યુવક શા માટે ભાગી ગયો? ફોરેન્સીક પીએમમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થયુ નથી. તેથી વિશેરા લીધા હતા. તેણીની માતા પાલિકાની સ્કૂલમાં શિક્ષિકા છે. આ જ યુવક મારી દીકરીને હેરાન કરતો હોવાની આશંકા છે.
