સુરતનો વધુ એક ‘અતુલ’:લક્ઝુરિયસ કારના ચાલકે એક્ટિવાચાલકને અડફેટે લઈ 30થી 40 ફૂટ ઘસડ્યો, લોકો એકઠા થતાં ભાગી ગયો, દારૂના નશામાં હોવાની શંકા

By Abhishek Raghuvanshi
3 Min Read
લક્ઝુરિયલ કારની નીચે ફસાયેલું એક્ટિવા અને ભાગી રહેલો આરોપી.
  • એક્ટિવાચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી
  • કારની અડફેટે એક્ટિવાનો ખુરદો બોલી ગયો

સુરતમાં અતુલ વેકરિયાના કારથી અકસ્માતમાં એક મહિલાના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં લક્ઝુરિયસ બ્લેક ફોર્ચ્યુનર કારે એક યુવકને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં અવધ વાઇસરોય બિલ્ડિંગ પાસે બ્લેક કલરની ફોર્ચ્યુનર કારે એક્ટિવાસવારને અડફેટે લઈ 30થી 40 ફૂટ ઘસડી નાસી છૂટ્યો હતો. લક્ઝુરિયસ કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે.

કારના ચાલકને લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો
સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સાગર પોતાની બહેનના ઘરેથી યોગી ચોક તરફ જતો હતો. દરમિયાન બ્લેક ફોર્ચ્યુનર ગાડીએ તેને અડફેટે લીધો હતો ગાડી ચાલક નિમેષ બાબુ સાકરીયા હોવાનું જાણવા મળ્યું છે. 143 શાંતિનાગર -2 સરથાણામાં રહે છે. સાગર એક્ટિવા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે ગાડી હંકારીને તેને અડફેટે લીધો હતો. અડફેટે લેતાની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા. લોકો વધુ એકત્રિત થતાં નિમેષ સાકરીયા ગાડી છોડીને ભાગી ગયો હતો. લોકોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આરોપી હંમેશા દારૂના નશામાં હોવાની સ્થાનિકોની કેફિયત
ફોર્ચ્યુનર ગાડીનો ચાલક નિમેશ બાબુ સાકરીયાએ 30થી 40 ફૂટ સુધી સાગરને ઘસડાયો હતો એટલી હદે બેફામ રીતે ગાડી કરતો હતો. ગાડી નંબર GJ-05-RJ-0551 સવાર નિમેષ સાકરીયા હંમેશા દારૂ પીધેલી હાલતમાં એ રસ્તા ઉપર ફરતો હોવાની સ્થાનિક લોકોએ કેફિયત રજૂ કરી છે. હંમેશા મોડી રાત્રે વીટીનગર વિસ્તારની આસપાસમાં નિમેષ દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હંકારતો હોય છે. જેને લઇને ઘણી વખત લોકોએ તેને ટકોર પણ કરી હતી પરંતુ નશામાં ચૂર રહેતો નિમેષ કોઈની વાત પણ માનતો ન હતો.

એક્ટિવાચાલક યુવકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી.

યુવકના બંને હાથ ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા
સાગરના બનેવી નિકુંજ સવાણીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેષ સાકરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જેમાં તેના બંને હાથમાં ફ્રેક્ચર છે અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે.

- Advertisement -
કારની નીચે આવી જતા એક્ટિવાનો ખુરદો બોલી ગયો અને કારની સાઈડમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો યુવક.

નશાખોરો સામે સખ્તાઈપૂર્વકની કામગીરી કરવા માગ
પરિવારજનોએ નિમેષ સાકરીયા સામે પોલીસે તપાસ કરીને પગલાં લેવા માટે રજૂઆત કરી છે. તાજેતરમાં જ બનેલા અતુલ વેકરીયા પણ લક્ઝુરિયસ કાર ચલાવતા જ અકસ્માત સર્જાયો હતો. એ જ રીતે નિમેષ સાકરીયા પણ દારૂ પીધેલી હાલતમાં સાગરને અડફેટે લીધો છે. આવા નશાની હાલતમાં ગાડી ચલાવનાર સામે સખ્તાઈપૂર્વકની કામગીરી કરવી જોઈએ.

Exit mobile version