સુરતથી સૌરાષ્ટ્ર સુધી:AAP+PAASનું સમીકરણ આ 4 જિલ્લા પંચાયત, 34 તાલુકા પંચાયત અને 11 નગરપાલિકામાં ભાજપને ફેલ કરી શકશે?

By Abhishek Raghuvanshi
7 Min Read
  • ગઈ ચૂંટણીમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને જાકારો મળ્યો હતો
  • 900 બસ ભરીને સુરતમાં રહેતા સ્થાનિક મતદારો મતદાન કરવા વતન આવશે

મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ 6 મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપનો દિગ્વિજય થયો, એથી આવી રહેલી પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનું પલડું નમવાની ધારણા રાખી શકાય. આમ છતાં સુરતનાં પરિણામો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 4 જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણીમાં ભાજપને હાઈ અલર્ટ બનાવી રહ્યા છે. સુરત એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે. સૌરાષ્ટ્રમાંથી સ્થાળાંતર કરીને સુરતમાં સ્થાયી થયેલા લોકોની સંખ્યા આશરે 25 લાખ જેટલી આંકવામાં આવે છે, જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ જિલ્લો મુખ્ય છે. આ ચાર જિલ્લામાં 4 જિલ્લા પંચાયત, 34 તાલુકા પંચાયત અને 11 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં સુરતવાળી કરવા માટે આમઆદમી પાર્ટી અને સુરતવાળી ન થાય એ માટે ભાજપ બંને હાઈ અલર્ટ છે.

શુક્રવારે સુરતમાં યોજાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ-શો દરમિયાન પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં મળેલો આવકાર પણ પંચાયતો-પાલિકાની આગામી ચૂંટણીમાં નવાજૂની થવાનો સવાલ ઊભો કરે છે. આમઆદમી પાર્ટી (AAP)ને મળેલી સફળતામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) અને પાટીદાર મતદારોનું સમર્થન નોંધપાત્ર ગણાય છે. આ બંને પરિબળો વર્ષ 2015માં સૌરાષ્ટ્રના ઉપરોક્ત 4 જિલ્લા ઉપરાંંત મોરબીમાં ભાજપને ભારે પડ્યા હતા. શું આ વખતે એનું પુનરાવર્તન થશે? કે ભાજપ આ નવો જુવાળ ખાળીને મનપાનાં પરિણામોનું પુનરાવર્તન કરશે?

સુરતમાં આશરે 25 લાખ સૌરાષ્ટ્રવાસીઓ
સુરતમાં સૌરાષ્ટ્રના લોકોની વસતિ આશરે 25 લાખ જેટલી હોવાનો અંદાજ છે, જેમાં 8થી 10 લાખ લોકો અમરેલી જિલ્લાના, બીજા ક્રમે 7-8 લાખ લોકો ભાવનગર જિલ્લાના, જૂનાગઢના 3 લાખ અને બોટાદના 2 લાખ જેટલા લોકો હોવાનું અનુમાન છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, પોરબંદર જિલ્લાના 3થી 5 લાખ લોકો સુરતમાં વસે છે. સુરતના આર્થિક વિકાસમાં ખૂબ મૂલ્યવાન પ્રદાન કરનારા સૌરાષ્ટ્રવાસીઓ સ્થાનિક સ્તરે પણ રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં અગ્રેસર રહેતા હોય છે.

900 બસ ભરીને વતનમાં મતદાન કરવા જશે
સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસીઓનું વતન સાથેનું કનેક્શન એકદમ મજબૂત ગણાય છે. દિવાળી જેવા તહેવારો પર પ્રસંગોપાત્ત વતન આવતા-જતા સુરતીઓ ચૂંટણી ટાણે પણ વતનની ગતિવિધિમાં સક્રિય રહેતા હોય છે. અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં તો નગરપાલિકા કે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય ત્યારે સુરતમાં વસતા સ્થાનિક મતદારો માટે સ્પેશિયલ બસ મોકલવાની પ્રથા પણ દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો પાળે છે. હાલની ચૂંટણી માટે રવિવારે મતદાન છે ત્યારે શુક્ર-શનિ દરમિયાન અમરેલી, સાવરકુંડલા, લિલિયા, લાઠી, ધારી, ચલાળા રૂટની લગભગ 400 બસ ખાસ મતદાન માટે બુક થઈ છે. ભાવનગરના ગારિયાધાર, પાલિતાણા, સિહોર, મહુવા, તળાજા રૂટ માટે 300 બસ અને ગઢડા, બરવાળા, વલભીપુર, ઢસા માટે 200 જેટલી બસ બુક થઈ છે.

- Advertisement -

ગત વખતનું પુનરાવર્તન થશે?
ગત વખતની ચૂંટણીમાં આ ચારેય જિલ્લા ઉપરાંત મોરબીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને જાકારો મળ્યો હતો. એ વખતે પાટીદાર અનામત આંદોલનને પગલે ભાજપ પ્રત્યેની નારાજગી વ્યાપક બની હતી, જેને લીધે મોરબી સહિત 5 જિલ્લાની જિલ્લા પંચાયતની કુલ 148 બેઠકો પૈકી ભાજપને ફક્ત 29 મળી હતી, જ્યારે 118માં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. મોરબી એ વખતે સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલનનું કેન્દ્ર ગણાતું હતું. આ 5 જિલ્લાની તાલુકા પંચાયતની કુલ 738 બેઠકો પૈકી ભાજપને 216 અને કોંગ્રેસને 489 બેઠક મળી હતી. ફક્ત નગરપાલિકાઓમાં ભાજપને હાશકારો થયો હતો. નગરપાલિકાની કુલ 340 પૈકી ભાજપને 168 બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસ પણ 158 બેઠકો સાથે લગોલગ જ હતી.

સુરતના વિજેતા ઉમેદવારોને વતનમાં ઉતારવાનું આયોજન
સુરતનું પરિણામ સૌરાષ્ટ્રની સીધી અસર કરે છે, આથી આમઆદમી પાર્ટી અહીં એ સફળતા દોહરાવવા પ્રયત્નશીલ છે. દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા અમારા ઉમેદવારો પૈકી કેટલાક હાલ પોતાના વતનમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. AAPના સુરતના કાર્યકરો પણ વતનમાં સુરત જેવો જ જુવાળ ઊભો કરવા મહેનત કરી રહ્યા છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા જોકે આમઆદમી પાર્ટીની હાજરી કે સુરતની સફળતાને ખાસ ગણકારતા નથી. તેમના મતે, પંચાયત અને પાલિકામાં આમઆદમી પાર્ટી પાસે પૂરતા કે પ્રતિષ્ઠિત ઉમેદવારો જ નથી. તેમના મતે ક્યાંક આમઆદમી પાર્ટીની પેનલ નથી તો ક્યાંક બીજા પક્ષમાંથી ટિકિટ ન મળી હોય એવા ઉમેદવારો મેદાનમાં છે. અહીં તેમનો ગજ વાગવાનો નથી. આ વખતે ક્યાંય અનામત આંદોલનના મુદ્દાનું નામોનિશાન નથી.

મુદ્દાઓ 2015ના અને 2021ના
અગાઉ 2015માં અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ ઉપરાંત મોરબીમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો હતો. એનું મુખ્ય કારણ પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોની નારાજગીને માનવામાં આવ્યું હતું. આ વખતે પાટીદાર અનામત આંદોલન ખાસ અસરકારક મુદ્દો જણાતો નથી. ખેડૂતોની નારાજગી અંગે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિક વેકરિયા કહે છે કે આ વખતે અમરેલી જિલ્લામાં અનામત, નારાજગી, આમઆદમી કે કોંગ્રેસ એકેય ફેક્ટર ચાલવાનું નથી. માત્ર વિકાસના આધારે જ મતદાન થશે અને જિલ્લામાં સર્વત્ર ભાજપ ક્લિન સ્વિપ કરશે. કૌશિક વેકરિયાના મતે, રાજ્ય સરકારની યોજનાઓના સારાં પરિણામો ખેડૂતોને મળ્યાં છે. ખેતઊપજના પોષણક્ષમ ભાવો મળ્યા છે. આ વખતે ખેડૂતોની નારાજગીનો મુદ્દો ક્યાંય છે જ નહિ.

ભાજપે સ્ટ્રેટેજી બદલવી પડશે?
ગોપાલ ઈટાલિયાના કહેવા પ્રમાણે, તેમના કાર્યકર્તાઓ સુરતની સફળતાથી હરખાઈ જવાને બદલે પંચાયત-પાલિકાની ચૂંટણીમાં પણ એડીચોટીનું જોર અજમાવશે. તેમનો પક્ષ બેરોજગારી, માળખાગત સુવિધાઓનો અભાવ, રેઢિળાળ શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો મુદ્દો આગળ ધરે છે. પ્રચારના આખરી તબક્કામાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ મોટેરા સ્ટેડિયમના નવા નામકરણને પણ સરદાર પટેલની અવહેલના સાથે જોડીને ગામડાંમાં આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. અલબત્ત, આ પ્રચાર કેટલી અસર કરશે એ તો પરિણામો આવ્યા પછી જ ખબર પડી શકે.
જોકે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલના મતે ભાજપની રણનીતિ હંમેશાં હરીફો કરતાં 10 ડગલાં આગળ હોય છે. રાજ્ય સરકારે સવર્ણો માટે આર્થિક આધાર પર અનામત આપીને તમામ વર્ગો સાથે ન્યાય કર્યો છે. અમને વિશ્વાસ છે કે જનતા નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને વિજય રૂપાણીજીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે કરેલાં વિકાસકાર્યોના આધારે ભાજપની તરફેણમાં જ મતદાન કરશે.

Exit mobile version