સુનાવણી:માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી 1 કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના, નિવેદન લેવાયું

By Abhishek Raghuvanshi
4 Min Read
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
  • દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છેના નિવેદન બાદ કેસ થયો હતો

સુરત કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે સુરત આવ્યાં હતા. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં રાહુલ ગાંધીનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું

એરપોર્ટ પર સ્વાગત
સુરત પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.

કોર્ટમાં એન્ટર થતાં અગાઉ રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું.

તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી
કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.

અંતિમ શ્વાસ સુધી લડીશું-પૂર્ણેશ મોદી
કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

- Advertisement -

ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યાઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે એમના સમર્થન અને સ્વાગતમાં જોડાશે.

માનહાનિ કેસમાં બીજી વખત રાહુલ સુરતમાં
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.

કેસમાં આગળ શું કાયદાકીય પ્રક્રિયા થશે?

  • રાહુલ ગાંધી આવતીકાલે ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર રહેશે તો તેમનું નિવેદન લેવાશે. કોર્ટ દ્વારા પૂછવામાં આવશે કે તમારી સામે જે કેસ દાખલ થયો છે તે ગુનો કબૂલ છે?
  • જો રાહુલ ગાંધી ગુનો નહીં કબૂલે તો તમામ સાક્ષીઓના નિવેદનો અને અત્યાર સુધી થયેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવશે.
  • જો કોર્ટ દ્વારા રાહુલ ગાંધી નિર્દોષ જાહેર કરવામાં આવશે તો તેમની ગેરહાજરીમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
  • કોર્ટ જો રાહુલ ગાંધીને દોષિત ઠેરવે તો તેમણે ફરીથી ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર રહેવું પડશે. અને ત્યારબાદ તેમના વકીલ દ્વારા જામીનની પ્રક્રિયા કરવી પડશે.
Exit mobile version