- સાસરિયાઓએ બાળકને મિલકતમાં ભાગ ના આપવો પડે તે માટે યુવતીને ગર્ભપાત કરવાનું દબાણ કર્યું
- નણંદ ભાભીને જબરજસ્તી ગર્ભપાતની ગોળી ખવડાવવા આવી
- 7 મહિને બાળકને જન્મ આપ્યા બાદ પતિ કે સાસરિયા કોઈ જોવા પણ નથી આવ્યા
સામાન્ય રીતે દરેક માતા પિતા પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે તમામ પ્રયાસો કરતાં હોય છે. પરંતુ ઘણી વાર સંતાન માતા પિતાની મરજી વિરૂદ્ધ જઈને કોઈ નિર્ણય લે ત્યારે આખરે તો પસ્તાવો કરવા સિવાય બીજુ કંઈ હોતુ નથી. અમદાવાદમાં એક યુવતીને સ્કૂલમાં તેની સાથે ભણતો છોકરો ફેસબુક પર મળ્યો હતો. બંને વચ્ચે થોડો સમય ચાલેલી વાતચિત દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બંનેએ પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ યુવતી ગર્ભવતિ થઈ ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધી હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં મુલાકાત થતાં પ્રેમ પાંગર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં નેહા (નામ બદલ્યું છે) તેના પરિવારમાં સૌથી વધુ લાડકી દિકરી હતી. તેને માતા પિતાએ ખૂબજ લાડકોડથી ઉછેરી હતી. નેહા ભણી ગણીને પગભર થઈ ત્યારે જ ફેસબુક પર સ્કુલમાં સાથે ભણતાં રોહિત( નામ બદલ્યું છે)નો સંપર્ક થયો હતો. રોહિત અને નેહાની ફેસબુક પર વાતચિત દરમિયાન મિત્રતા વધી હતી અને આખરે બંને જણા પ્રેમ સંબંધમાં બંધાઈ ગયાં હતાં. ત્યાર બાદ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
બંનેએ પરિવારની વિરૂદ્ધમા જઈને લગ્ન કરી લીધાં
નેહાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો પરંતુ નેહાને રોહિત જ સર્વસ્વ લાગતો હતો. જેથી બંનેએ પરિવારની વિરૂદ્ધમા જઈને લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ પણ બંને એક બીજાથી અલગ રહેતા હતાં. પરંતુ એક વખત બંને જણાએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. નેહાને રોહિત પોતાના ઘરે લઈ ગયો હતો. પરંતુ ઘરે જતાંની સાથે જ સાસરિયાએ નેહાને કહ્યું હતું કે તારે અહીંયા રહેવું હોય તો પિયરમાં દરેક સંબંધો કાપી નાંખવા પડશે. આ માટે નેહા તૈયાર થઈ ગઈ અને સાસરિયાઓ સાથે રહેવા લાગી. આ દરમિયાન નેહા ગર્ભવતિ થઈ હતી.
નણંદે યુવતીને ગર્ભપાત કરાવવા ગોળી આપી
નેહા ગર્ભવતિ થતાં જ સાસરિયાઓએ તેમનો અસલી રંગ બતાડવાનું શરુ કરી દીધું હતું. નેહાના બાળકને મિલકતમાં ભાગ ના આપવો પડે એ માટે સાસરિયાઓ નેહાને ગર્ભપાત કરાવવાનું દબાણ કરતાં હતાં.એક દિવસ નેહાની નણંદે નેહા પાસે જઈને કહ્યુ હતું કે તું ગર્ભપાત કરાવી લે અને બાદમાં એક ગોળી આપી દીધી હતી. પણ નેહાએ આ ગોળી લેવાનો ઈનકાર કરતાં સાસરિયાઓએ તેને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું.
આખરે યુવતી પિયરમાં જઈને પોલીસ ફરિયાદ કરી
નેહાને 7 મહિનાનો ગર્ભ હતો અને તેની તબિયત લથડતાં તેને પોતાના માતા પિતાને જાણ કરી હતી. તેઓ નેહાને હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં દિકરાનો જન્મ થયો હતો. પરંતુ આજ સુધી નેહાને જોવા માટે તેની સાસરીમાંથી કોઈ આવ્યું નથી. આખરે સાસરિયા અને પતિના ત્રાસથી ત્રસ્ત થઈને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
