સાચાને ટક્કર આપતા દાગીનામાં મંદી:રાજકોટમાં દેશની સૌથી મોટી ઇમિટેશનની માર્કેટ મરણ પથારીએ, 6500 યુનિટ બંધ, 3 લાખ લોકો બેકાર, બે મહિનામાં 5-6 કારીગરનો આપઘાત

By Abhishek Raghuvanshi
5 Min Read
રાજકોટનો ઇમિટેશનનો ધંધો ઠપ્પ થયો.
  • લોખંડ, ઝીંક, કોપર, મોતી, ડાયમંડ, મીણ, બ્રાસ અને પ્લાસ્ટિકના ડબ્બાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો
  • ધાતુના ભાવ વધારાથી લોકોમાં ખરીદી ઘટતા વેપારીઓએ કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું

રાજકોટની ઇમિટેશન માર્કેટ દેશની સૌથી મોટી માર્કેટ છે. અહીંની ઇમિટેશનની જ્વેલરી વિશ્વના 56 જેટલા દેશોમાં એક્સપોર્ટ થાય છે. જોકે કોરોનાની બીજી લહેર બાદ આ ઉઘોગને મંદીનું એવું ગ્રહણ લાગી ગયું કે હજી ઉભો થઇ શક્યો નથી. ધાર્મિક સ્થાનો, મેળાવડા, લગ્નપ્રસંગ અને વિદેશ સાથેનો વ્યવહાર બંધ હોવાથી ઇમિટેશન માર્કેટમાં મંદી ફરી વળી છે. વેપાર-ધંધો ઓછો હોવાને કારણે માલની નિકાસ થતી નથી. પરિણામે ઉત્પાદન કરેલી જ્વેલરી પડી રહી હોવાથી નવું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. રિટેઇલ વેપારી નરેન્દ્રભાઇ મહેતાના કહેવા પ્રમાણે હાલમાં બજારમાં લોકોની માંગ ખૂબ જ ઓછી છે જેથી હોલસેલ ખરીદી બંધ કરવી પડી છે. શહેરમાં 15 હજાર યુનિટમાંથી 6500 યુનિટ બંધ કરવાથી 3 લાખ લોકોની રોજગારી પર સીધી અસર થઇ છે. છેલ્લા બે મહિનામાં ઇમિટેશનના 5-6 કારીગરે આપઘતા કર્યાનું પણ બહાર આવ્યું છે.

ભાવ વધારો અને ઓછી માગને કારણે વેપારીઓ પર ડબલ માર
નરેન્દ્રભાઇએ વધુમાં જણાવ્યું છે કે, બીજી તરફ હોલસેલ માર્કેટ અને પ્રોડક્શન યુનિટ ધરાવતા વેપારીઓને બમણો માર પડ્યો છે. એક તરફ બજારમાં માગ ઓછી હોવાને કારણે મંદી છે અને બીજી તરફ કેટલીક ધાતુઓના ભાવમાં વધારો થયો છે. આથી ઇમિટેશન જ્વેલરીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ઇમિટેશનમાં વપરાતી લોખંડ, ઝીંક, કોપર, મોતી, ડાયમંડ, મીણ, બ્રાસ અને પ્લાસ્ટિકના ડબ્બાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે ઇમિટેશનના ભાવમાં પણ તેજી આવી છે જેની સામે લોકોમાં ખરીદી ન હોવાથી વેપારીઓએ કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઇમિટેશનમાં 6થી 7 લાખ લોકોને ઘરે બેઠા રોજગારી મળતી હતી.

ઇમિટેશનમાં 6 લાખ લોકોને રોજગારી મળતી હતી
અત્યાર સુધી રાજકોટમાં 15 હજાર જેટલા ઇમિટેશનના નાના-મોટા યુનિટ હતા. જેમાંથી હાલમાં 6500 જેટલા યુનિટ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે કારખાનામાં કામ કરતા કારીગર અને ઘરે બેસીને કામ કરતા 6 લાખ જેટલા કારીગરોને આ ઉદ્યોગમાં રોજગારી મળતી હતી. જેમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. મજૂરી ન મળતા આ વ્યવસાય સાથે જોડાયેલા રોજમદાર કારીગરોને ઇમિટેશનની દુકાનમાં અથવા અન્ય જગ્યાએ નોકરીએ લાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ધાતુના ભાવમાં વધારો થતા જ્વેલેરીના ભાવ વધારતા લોકોમાં ખરીદી ઘટી.

કંઇ કંઇ વસ્તુમાં કેટલો ભાવ વધારો થયો

- Advertisement -
વસ્તુજૂનો ભાવ(કિલોમાં)નવો ભાવ(કિલોમાં)
કોપર450750
મોતી130195
ડાયમંડ2032(ગ્રુસ)
પ્લાસ્ટિક ડબ્બા150245
બ્રાસ350600
લોખંડ120185
ઝીંક210285
મીણ600900
ગ્લાસબીઝ250375
રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસો.ના પ્રમુખ જીજ્ઞેશભાઇ શાહ.

ત્રણ લાખ કારીગરોની રોજગારી પર સીધી અસર
આ તરફ ઇમિટેશન માર્કેટ એસોસિયેશનના પ્રમુખ જીગ્નેશ શાહે સરકાર પાસે રાહતની માંગ કરી છે. તેમના કહેવા પ્રમાણે આ ઉદ્યોગને સરકાર ઓધૌગિક દરજ્જો આપે તો ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે છે. હાલની સ્થિતિ ખૂબ જ વિકટ છે અને ઇમિટેશનના કારીગરોને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલી લહેરમાં સ્થિતિ સારી હતી. પરંતુ બીજી લહેર બાદ માગ ખૂબ જ ઓછી હોવાથી આ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચી ગયો છે..

વેચામ ન થતા તૈયાર વસ્તુઓનો જથ્થો પડ્યો રહે છે.

મંદીને કારણે લોકો આત્મહત્યા કરવા લાગતા ભય ઉભો થયો
જીજ્ઞેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનામાં ઇમિટેશનનો ધંધો પડી ભાંગ્યો છે. પહેલા લોકડાઉન પછી માર્કેટમાં તેજી હતી. પરંતુ બીજી લહેર બાદ ધંધો પડી ભાંગ્યો છે. દરેકમાં ભાવ વધારો આવતા માર્કેટ દબાયુ અને એકદમ બંધ થવા આવી રહ્યું છે. પ્રોડક્શન બંધ થવાથી વેચાણ થઇ શકતું નથી. ઇદની સિઝન ફેલ થઇ છે. જન્માષ્ટમી અને નવરાત્રિની સિઝન પણ ફેલ જશે. છેલ્લા પોણા બે વર્ષથી સતત માર પડતા પડતા યુનિટો બંધ થઇ રહ્યાં છે. કોરોનામાં તો લોકો મૃત્યુ પામ્યા તેની સામે મંદીને કારણે ઇમિટેશનના ધંધામાં સંકળાયેલા લોકો આત્મહત્યા કરી લે છે તેનો ભય સતત સતાવી રહ્યો છે.

બીજા લહેર પછી ધંધો બેઠો જ ન થયો.

સરકાર આ ઉદ્યોગની મદદે આવે તેવી માગ
રાજકોટની ઇમિટેશન માર્કેટમાં તૈયાર થતા દાગીના સાચા દાગીનાઓને પણ ટક્કર મારે તેવા તૈયાર થાય છે. આફ્રિકન દેશો સહિત 56 જેટલા દેશોમાં આ ઇમિટેશન માર્કેટની બોલબાલા છે. ચીનને ઇમિટેશન માર્કેટમાં સીધી રીતે ટક્કર આપી શકે તેવી રાજકોટની માર્કેટ છે. પરંતુ કોરોનાનું ગ્રહણ આ ઉદ્યોગને લાગ્યું છે ત્યારે સરકારે આ ઉદ્યોગની મદદે આવે તે એટલું જ જરૂરી છે.

Exit mobile version