- પરિવાર ડરી જતાં અમદાવાદમાં અભ્યાસ કરતી પુત્રી ડેનિશાને રાજકોટ બોલાવી લીધી હતી
- આરોપી ડેનિશા સાથે અમદાવાદમાં અભ્યાસ કરતો હોવાથી ફેમિલી બેકગ્રાઉન્ડ જાણતો હતો
- આરોપીને મોજશોખ પૂરા કરવા માટે રાજસ્થાની મોબાઇલ નંબર પરથી મેસેજ કર્યો હતો
રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઇ હંસરાજભાઇ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાં ધમકી મળી હતી. મેસેજમાં લખ્યું હતું કે 72 કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જીવવા નહીં દઉં અને જાનથી મારી નાખીશું. આ મેસેજથી ડરી ગયેલા પરિવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે તપાસ કરતાં ખંડણીખોર પારસ મોણપરાની ધરપકડ કરી છે.
બિલ્ડરના ભાઈનું 2002માં અવસાન થયું હતું
બિલ્ડર કિશોરભાઈ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ, સૌથી મોટા ગોવિંદભાઈ છે, તે મારી સાથે રહે છે. મારી પત્નીનું નામ મંજુલાબેન છે, સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું 2002માં અવસાન થઈ ગયું હતું. તેમનાં પત્ની અને મારાં ભાભી સંગીતાબેન પણ મારી સાથે રહે છે. મારા ભાઇ ભરતભાઇને સંતાનમાં બે પુત્રી ડેનિશા અને દૃષ્ટિ છે. ગત 22 ફેબ્રુઆરીના રોજ સાંજે 7.15 વાગ્યે મારા ભાભી સંગીતાબેને પોતાનો મોબાઈલ બતાવી કહ્યું, એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે, જેમાં 72 કરોડ આપવાની ધમકી અપાઇ હોવાનું લખ્યું હતું. પૈસા નહીં આપો તો ત્રણેય દીકરીને જીવવા નહીં દેવાય, એમ જણાવાયું હતું.
અમદાવાદ અભ્યાસ કરતી પુત્રીને તરત રાજકોટ બોલાવી લીધી
કિશોરભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ભાભી સંગીતાબેનની પુત્રી ડેનિશા અમદાવાદ ખાતે અભ્યાસ કરતી હોવાની ધમકી આપનાર શખસને જાણ હોવાથી અમે લોકો ગભરાય ગયા હતા. બાદમાં ડેનિશાને કોલ કરી સચેત રહેવા જણાવ્યા બાદ રાજકોટથી ભત્રીજા કેવિનને તેને લેવા અમદાવાદ મોકલ્યો હતો. રાત્રે બંને રાજકોટ આવી ગયા હતા. તેના ભાભી સંગીતાબેનની બીજી પુત્રી દૃષ્ટિ લંડન અભ્યાસ કરતી હોવાથી ત્યાં સુરક્ષિત હોવાનું જણાતાં તેને જાણ કરી ન હતી. મોટા ભાઈ ગોવિંદભાઈની પુત્રી માનસી કાલાવડ રોડ પરના જાનકી પાર્કમાં સાસરે છે, પરંતુ તે તેના જ ઘરે હોવાથી તેને પણ સચેત રહેવા જણાવ્યું હતું.
પરિવાર ડરી જતાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી
ત્યાર બાદ જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો એ નંબર અંગે કિશોરભાઇએ પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતાં પરિવારજનોએ વિચારવિમર્શ કરી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને પરિણામે ક્રાઈમ બ્રાંચમાં જઈ PI વી. કે. ગઢવીને બધી જ હકીકત જણાવતાં ગુનો દાખલ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો એ અંગે તપાસ કરી હતી અને IPC કલમ 387 અને 507 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં યુનિવર્સિટી રોડ પર રહેતા આરોપી પારસ મહેન્દ્રભાઇ મોણપરાની ધરપકડ કરી છે.
આરોપી ડેનિશા સાથે અમદાવાદમાં સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો
પોલીસે પારસની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે ફરિયાદી કિશોરભાઇના ભાભી સંગીતાબેનની દીકરી ડેનિશા સાથે અમદાવાદમાં જી.એલ.એસ. કોલેજમાં અભ્યાસ કરતો હતો, આથી હું ડેનિશાના પરિવાર વિશે જાણતો હતો અને પોતાના મોજશોખ પૂરા કરવા ફેક નંબર પરથી ખંડણીનો મેસેજ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં આ મેસેજ પારસે રાજસ્થાની મોબાઇલ નંબર પરથી કરાયો હોવાનું જાણવા મળતાં તપાસ કરતાં પારસે મેસેજ કર્યાનું ખૂલતાં જ તેની ધરપકડ કરી હતી.
