સરકારને ચિંતા પેઠી:ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર તહેવારોમાં જ આવશે તો? બીજી લહેર પહેલાં આપેલી છૂટછાટ જેવી ભૂલ તો નહીં કરે ને સરકાર…?

By Abhishek Raghuvanshi
3 Min Read
તસવીર પ્રતીકાત્મક છે.
  • કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન આવે એવી શક્યતા છે
  • ગયા વર્ષે તહેવારોમાં આપેલી છૂટછાટને કારણે રાજ્યમાં બીજી લહેર ખૂબ જ ગંભીર પરિણામો આપી રહી છે

ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, એ જોતાં જૂન અને જુલાઈમાં ખૂબ નિયંત્રણ થઇ શકે છે, પરંતુ ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમણની ત્રીજી ઘાતક લહેર આવી શકે એવી સંભાવનાને પગલે રાજ્ય સરકાર અત્યારથી જ સાવચેતીનાં પગલાં લઇ રહી છે. ત્રીજી લહેરને નિયંત્રણમાં લેવા માટે સરકાર આગામી છ મહિનામાં આવી રહેલા ધાર્મિક તહેવારોમાં કેવી રીતે સાચવવું એની ચિંતામાં છે. આ ઉપરાંત 50 ટકા વેક્સિનેશન અને હર્ડ ઇમ્યુનિટી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ત્રીજી લહેરમાં ગુજરાતમાં સંક્રમણ વધે નહીં એ માટે સક્રિય થઈ ગઈ છે.

સરકારના ત્રીજી લહેરને અટકાવવાના પ્રયાસો શરૂ
ગુજરાત સહિત દેશના તબીબી નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટથી નવેમ્બર સુધીના સમયગાળામાં આવી શકે છે. ગયા વર્ષની જેમ દિવાળીના તહેવારો પછી કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો હતો. એમ આ વખતે પણ એવું લાગી રહ્યું હોવાથી સરકાર ત્રીજી લહેરને અટકાવવાના પ્રયાસો શરૂ કરી રહી છે. આરોગ્ય વિભાગનાં સૂત્રો કહે છે કે જૂનના મધ્યથી અને જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરનો અંત આવશે, કારણ કે મે મહિનામાં પીક આવી ગયું છે.

તસવીર પ્રતીકાત્મક છે.

કોરોના કેસોમાં 15 દિવસમાં ભારે મોટો ઘટાડો થશે
માત્ર ગુજરાત જ નહીં, દેશમાં પણ કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. જોકે 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશ કરશે, એવી ચેતવણી પણ આપી છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે કોરોના કેસોમાં આગામી 15 દિવસમાં ભારે મોટો ઘટાડો થશે, પરંતુ ત્રીજી લહેરથી બચવા માટે રાજ્ય સરકાર વેક્સિનેશન પર વધારે બળ આપી રહી છે તેથી એની તીવ્રતાને ઓછી કરી શકાશે. તેમનું કહેવું છે કે હર્ડ ઇમ્યુનિટી પણ કામ કરશે.

તસવીર પ્રતીકાત્મક છે.

50 ટકા લોકોનું વેક્સિનેશન થાય તો હર્ડ ઇમ્યુનિટી આવી શકે
ત્રીજી લહેરને રોકવાનો એકમાત્ર ઇલાજ વેક્સિનેશન છે. રાજ્યમાં જો 50 ટકા લોકોનું વેક્સિનેશન થઇ જાય તો હર્ડ ઇમ્યુનિટી આવી શકે છે, જે ત્રીજી લહેરથી બચવાનો ઉપાય છે. અત્યારે તો જુલાઇના અંત સુધીમાં બીજી લહેરને કાબૂમાં લેવામાં સફળતા મળી જશે. રાજ્ય સરકાર આ સમયગાળામાં વેક્સિનેશન પર વધારે ધ્યાન આપવાનો પ્રયાસ પણ કરશે.

- Advertisement -
તસવીર પ્રતીકાત્મક છે.

ગામડાંમાં કોવિડ કેર સેન્ટર માટે સરકાર કામે લાગી
એટલું જ નહીં, બીજી લહેર દરમિયાન ઓક્સિજનથી લઇને હોસ્પિટલનાં બેડ અને દવાઓની અછતના કારણે મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લીધે કોરોના બેકાબૂ બની ગયો હતો, સાથે સાથે કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાંમાં પણ કોરોનાના કેસો વધી ગયા હતા, તેથી ત્રીજી લહેર પહેલાં ગામડાંમાં હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર અને દવા ઓક્સિજન માટેની વ્યવસ્થા કરવા માટે સરકાર કામે લાગી ગઈ છે, આ માટે ખાસ ટાસ્કફોર્સ દ્વારા વિવિધ આયોજન પણ કરવામાં આવી રહ્યાં છે.

Exit mobile version