ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પહેલીવાર 52,000ની સપાટી વટાવી છે. સવારે 9.24 કલાકે સેન્સેક્સ 477 અંક વધી 52,021 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 127 અંક વધી 15,290 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.68 ટકા વધી 1055.50 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.82 ટકા વધી 1611.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, ટેક મહિન્દ્રા, M&M, TCS સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 1.03 ટકા ઘટી 96.00 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.74 ટકા ઘટી 983.60 પર કારોબાર કરી રહ્યો છે.
એક્સચેન્જ પર 2,517 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. એમાં 1376 શેરમાં વધારો અને 1,012 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 205.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, એ 12 ફેબ્રુઆરીએ 203.92 લાખ કરોડ રૂપિયા રહી હતી.
મજબૂત ઘરેલુ સંકેતઃ જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર માપનારા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) 4.06 ટકા રહ્યો, જે ડિસેમ્બરમાં 4.59 ટકા રહ્યો હતો. એનું મુખ્ય કારણ શાકભાજી સહિત ખાવા-પીવાની કિંમતમાં ઘટાડો રહ્યો. વાર્ષિક આધારે જાન્યુઆરીમાં શાકભાજીના ભાવ 15.84 ટકા ઘટ્યા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO)ના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઈન્ડેક્સ(IIP) પણ 1 ટકા વધીને 135.9 રહ્યો. આ સિવાય જાન્યુઆરીમાં GST કલેક્શન પણ રેકોર્ડ 1.20 લાખ કરોડ રૂપિયા રહ્યું.
સારાં ત્રિમાસિક પરિણામઃ નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ અગ્રણી કંપનીઓએ ડિસેમ્બર ત્રિમાસિકનાં સારાં પરિણામ રજૂ કર્યાં છે. એમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક અને ICICI બેન્ક સહિત અગ્રણી કંપનીઓ સામેલ છે. કંપનીઓને ફેસ્ટિવ સીઝનનો પણ સપોર્ટ મળ્યો. આ સિવાય કોરોના સંક્રમિતોના મામલાઓ પણ સતત ઘટી રહ્યા છે. દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.
એશિયાઈ બજારોમાં મજબૂત વધારો
વિશ્વભરમાં આર્થિક રિકવરી અને કોરોના વેક્સિનની પહોંચથી શેરબજારોમાં સારી તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 349 અંક એટલે કે 1.18 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1-1 ટકાના વધારો છે. જ્યારે રોકાણકારોએ શુક્રવારે અમેરિકાનાં બજારોમાં એનર્જી, ફાઈનાન્શિયલ અને મટીરિયલ શેર ખરીદ્યા અને મોટા ટેકનોલોજી શેર વેચ્યા હતા. એને પગલે S&P 500 અને નેસ્ડેક ઈન્ડેક્સ રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો.
શુક્રવારે ફ્લેટ બંધ થયું હતું બજાર
શેરબજાર 12 ફેબ્રુઆરી ફ્લેટ બંધ થયું હતું. BSE સેન્સેક્સ 12.78 અંક વધી 51,544.30 પર અને નિફ્ટી 10 અંક ઘટી 15,163.30 પર બંધ થયા હતા. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 37.37 કરોડ શેર વેચ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 597.62 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
