- કોરોનાની બીજી લહેરમાં દેશમાં 50 લાખ લોકો મૃત્યુ પામ્યાઃ અર્જુન મોઢવાડિયા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરતાં રાજકોટમાં આજે સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિજય રૂપાણીનો જન્મ દિવસ હોવાથી તેઓ પોતાના હોમટાઉનમાં છે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે ભાજપના સંવેદના દિવસ સામે આજે કોંગ્રેસે સિવિલ હોસ્પિટલના સંકુલમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે પહોંચ્યા હતા અને આરોગ્ય બચાવો તથા હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પહેલેથી જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત તમામ કાર્યકરની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી.
કોંગ્રેસનો આરોગ્ય સેવા નબળી હોવાનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે કોંગ્રેસ દ્વારા આરોગ્ય સેવા નબળી હોવાના અને આરોગ્ય બચાવોના આક્ષેપ સાથે વિરોધપ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા, પરંતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે સિવિલ હોસ્પિટલના સંકુલમાં પ્રવેશ્યા હતા. જોકે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે પહોંચી વિરોધપ્રદર્શન કરે એ પહેલાં જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે અર્જુન મોઢવાડિયા સહિત તમામની અટકાયત કરી હતી.
શોક મનાવવાને બદલે ભાજપ ઉત્સવ ઊજવે છેઃ અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર પૂરી થઇ એને થોડો સમય જ થયો છે. દેશની અંદર છેલ્લા 100 વર્ષની અંદર જેટલી જાનહાનિ ન થઇ હોય એટલી જાનહાનિ થઇ છે. દેશની અંદર એક અંદાજ મુજબ 50 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતની અંદર લગભગ બેથી અઢી લાખનાં મોત થયાં હતાં. આવા સમયે શોક મનાવવાને બદલે ભારતીય જનતા પાર્ટી ઉત્સવ ઊજવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપની નિષ્ફળતાને કારણે લોકો મૃત્યુ પામ્યા છે.
ઓક્સિજનના બાટલા પોલીસ આંચકવા જતાં ઝપાઝપી થઈ
કોંગી આગેવાન રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે આરોગ્યક્ષેત્રે સરકારની કામગીરી નબળી છે. આરોગ્યને લઇને લોકો પરેશાન છે. આરોગ્યનાં યોગ્ય કામ કરવામાં આવતાં નથી. સિવિલ સંકુલમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઓક્સિજનના બાટલા ખંભા પર નાખી હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા, આથી પોલીસ ઓક્સિજનના બાટલા આંચકવા જતાં જ કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી. સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કરવા પહોંચેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસ-અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની પણ પોલીસે અટકાયત કરી હતી.
વિજય રૂપાણી આજે રાજકોટમાં
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. ત્યારે આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. તેમણે દિવસની શરૂઆત ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી આશીર્વાદ મેળવી કરી હતી. વિજય રૂપાણી વજુભાઈ વાળાને પગે લાગ્યા હતા. વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મદિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.
