- ભાજપના વિજય પટેલ અને કોંગ્રેસના પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ
- રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો લક્ષણો જણાતાં કોરોના ટેસ્ટ કરાશે
- ધારાસભ્ય ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સારવાર બાદ કોરોના નેગેટિવ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોના હવે ગુજરાતમાં વિધાનસભા સુધી પહોંચ્યો છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. ગઈકાલે 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા છે, જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે.
જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દસાડાના ધારાસભ્ય ગાંધીનગરમાં ક્વોરન્ટીન થયા
કોરોનાની બીજી લહેરે અનેક લોકોને ઝપટમાં લીધા છે, ત્યારે હંમેશાં પ્રજાની વચ્ચે રહેતા દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી કોરોના પોઝિટિવ આવતાં ગાંધીનગરમાં જ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. થાક અને અશક્તિ લાગતાં રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આજે સવારે તેઓ ગૃહમાં પણ હાજર હતા.
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પણ કોરોના ટેસ્ટ કરાશે
રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સામાન્ય તાવ અને કળતર જેવું જણાતાં તેઓ આજે ગૃહમાં આવ્યા નહોતા. જોકે ધર્મેન્દ્રસિંહનાં લક્ષણો જોતાં તેમને અન્ય સારવારની સાથે સાથે કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જોકે હાલમાં અમદાવાદ યુએન મહેતાની મેડિકલ ટીમ તેમના મંત્રી નિવાસસ્થાને પહોંચશે, જ્યાં જરૂરી તમામ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ પણ કરશે, એમ તેમના ઓફિસ કાર્યાલય દ્વારા જાણવા મળ્યું હતું.
ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો
1. ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)
2. બાબુભાઈ પટેલ
3. શૈલેશ મહેતા
4. મોહનસિંહ ઢોડિયા
આજે મંગળવારે પોઝિટિવ આવેલા
5. પુંજાભાઈ વંશ
6. નૌશાદ સોલંકી
7. ભીખાભાઈ બારૈયા
8. વિજય પટેલ
9. ભરતજી ઠાકોર
મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ
આ ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી મિત્રોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા
કોરોનાવાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
કોરોનાગ્રસ્ત થનારા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો
| નામ | હોદ્દો |
| વિજય રૂપાણી | મુખ્યમંત્રી |
| ઈશ્વર પટેલ | રાજ્યકક્ષાના મંત્રી |
| બાબુ જમના પટેલ | ધારાસભ્ય |
| શૈલેશ મહેતા | ધારાસભ્ય |
| વિજય પટેલ | ધારાસભ્ય |
| ભીખા બારૈયા | ધારાસભ્ય |
| પુંજા વંશ | ધારાસભ્ય |
| ભરતજી ઠાકોર | ધારાસભ્ય |
| નૌશાદ સોલંકી | ધારાસભ્ય |
| કેશુભાઈ પટેલ | પૂર્વ મુખ્યમંત્રી |
| હર્ષ સંઘવી | ધારાસભ્ય |
| કિશોર ચૌહાણ | ધારાસભ્ય |
| નિમાબહેન આચાર્ય | ધારાસભ્ય |
| બલરામ થાવાણી | ધારાસભ્ય |
| પૂર્ણેશ મોદી | ધારાસભ્ય |
| જગદીશ પંચાલ | ધારાસભ્ય |
| કેતન ઈનામદાર | ધારાસભ્ય |
| વી.ડી. ઝાલાવાડિયા | ધારાસભ્ય |
| રમણ પાટકર | રાજ્યકક્ષાના મંત્રી |
| પ્રવીણ ઘોઘારી | ધારાસભ્ય |
| મધુ શ્રીવાસ્તવ | ધારાસભ્ય |
| ધર્મેન્દ્રસિંહ જાડેજા | રાજ્યકક્ષાના મંત્રી |
| ગોવિંદ પટેલ | ધારાસભ્ય |
| અરવિંદ રૈયાણી | ધારાસભ્ય |
| રાઘવજી પટેલ | ધારાસભ્ય |
| જયેશ રાદડિયા | કેબિનેટ મંત્રી |
| અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી |
| ડો.કિરીટ સોલંકી | સંસદસભ્ય |
| રમેશ ધડુક | સંસદસભ્ય |
| હસમુખ પટેલ | સંસદસભ્ય |
| અભય ભારદ્વાજ | સંસદસભ્ય |
