- બાપુનગર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષની સામસામે ફરિયાદ
- યુવકના પરિવારેે મહિલા સાથે મારઝૂડ કરતાં પોલીસ બોલાવવી પડી
રખિયાલમાં લગ્નના રિસેપ્શનમાં પ્રથમ પત્ની આવી જતાં ઉપસ્થિત લોકોમાં હોબાળો મચાવ્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષને બાપુનગર પોલીસ સ્ટેશને લઇ જઇને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
ગોમતીપુરમાં રહેતી અફરોઝના લગ્ન જુહાપુરાના આસિફ સાથે 2014માં મુસ્લિમ શરિયતથી થયા હતા, લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસરિયાંએ અફરોઝને દહેજ મુદ્દે ત્રાસ આપતા હતા અને આસિફે અફરોઝને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. દરમિયાન અફરોઝને જાણ થઈ કે આસિફે બીજા લગ્ન કરી ઘરઆંગણે લગ્નનું રિસેપ્શન(વાલીમા) રાખ્યું છે. અફરોઝ ત્યાં પહોંચી તો આસિફ ગભરાઇને ભાગ્યો હતો.
અફરોઝે ત્યાં બેઠેલી દુલ્હનને કહ્યું હતું કે ‘હું આસિફની પત્ની છું,’ પરંતુ દુલ્હને અફરોઝને તમાચો માર્યો હતો. આસિફના પરિવારે અફરોઝ સાથે મારઝૂડ કરી હતી. બાપુનગરના પીઆઈ એ.પી.ગઢવીએ જણાવ્યું હતું કે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.(પાત્રોનાં નામ બદલ્યાં છે.)
પતિ અને સાસરિયાં સામે ફેમિલી કોર્ટમાં કેસ દાખલ
અફરોઝના વકીલ ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે અફરોઝના પતિ અને સાસરિયાં સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે. ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ અને મેટ્રો કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ પણ દાખલ કરાઈ છે.
ગાંધીનગરનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ
થોડા સમય પહેલા ગાંધીનગરના એક યુવકને ફસાવીને દુલ્હન ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં તેના સ્વજન સાથે ફરાર થઈ ગઈ હતી. એટલું જ નહીં, યુવતીએ પહેલાં પણ લગ્ન કર્યાં અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને બીજા લગ્ન પણ કરી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. માતાના મોત બાદ અલ્પેશભાઈ અને તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા, એવા સમયે તેમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો, જેને સોનલ નામની યુવતીની વાત કરી હતી.
લગ્ન સમયે દુલ્હનના પરિવારે 3 લાખ લીધા
સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન નક્કી થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે સોનલના કહેવાતાં સગાંએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. એ રૂપિયા થોડા થોડા કરીને અલ્પેશભાઈએ ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ગયા હતા, જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્યના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી.
