- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ શખસને દબોચી લઈ તપાસ શરૂ કરી છે
- સુરત રેલવે સ્ટેશન પર આ શખસે યુવતીની પજવણી કરી હતી
વડોદરામાં ગેંગરેપ બાદ આપઘાત કરનાર પીડિતા સુરત બસ ડેપોથી રેલવે સ્ટેશન તરફ જતી હતી ત્યારે સેક્સ મેનિયાક જેવી વર્તણૂક કરી રહેલા એક શખસે પીડિતાનો પીછો કરી પજવણી કરી હતી. પીડિતાએ તેની બહેનપણીને કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે તેનો કોઇ પીછો કરી રહ્યું છે. સુરત રેલવે સ્ટેશન અને એની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શખસ શંકાસ્પદ હરકત કરતો જોવા મળ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ શખસને દબોચી લઈ તપાસ કરતાં તેણે પીડિતાની પજવણી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ફરીથી બળાત્કાર થશે તેવા ડરથી પીડિતાએ આત્મહત્યા કરી
બસ સ્ટેશનથી યુવતી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પણ આ યુવાને તેનો પીછો કરતાં તે ડઘાઇ ગઇ હતી. ચાર દિવસ પહેલાં જ તેના પર સામૂહિક બળાત્કારની ઘટના ફરી તેની આંખોમાં રમતી થઇ હતી. ફરી પોતે બળાત્કારનો ભોગ બનશે એવી દહેશતને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રેલવેના આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટેનો ગુનો, આ ઉપરાંત તેની સાથે બળાત્કારની કલમનો પણ ઉમેરો કરી ફરિયાદ નોંધવામાં આવશે.
આ મુદ્દાની તપાસ કરાય તો કેસ ઉકેલવામાં મદદ મળી શકે
- જે સ્થળે પીડિતાની સાઇકલને ટક્કર મારી તેને બાંધી દઇ 200થી 300 મીટર દૂર લઇ જઇ દુષ્કર્મ કરાયું હતું. એવું કઇ રીતે બની શકે કે તેની જાણ એ જ વખતે કોઈને ન થઇ એ સવાલ સતાવી રહ્યો છે. એ વખતે નજરે જોનારો સાક્ષી પોલીસને હજુ મળી શકયો નથી. આ રસ્તે અવરજવર ઓછી હોય છે છતાં તપાસ કરાય તો કોઇ નજરે જોનાર મળી શકે છે.
- પીડિતાની ડાયરી મુજબ બંને જણા રિક્ષામાં આવ્યા હતા અને તેની સાઇકલને ટક્કર મારી તેને બાંધી દઇને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું. આ રિક્ષા હજુ પણ પોલીસને મળી શકી નથી. રિક્ષા મળી જાય તો ઝડપથી કેસ ઉકેલાઇ શકે છે. રિક્ષામાં કોણ બેઠું હતું એ ખાસ સવાલનો મુદ્દો છે. રિક્ષાચાલકોને શોધવા માટે પોલીસે 50થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી, પણ કોઇ કડી મળી નહોતી.
- નજરે જોનાર બસચાલકના જણાવ્યા મુજબ તે ચકલી સર્કલ પાસે પીડિતાને ચાલતો લઇ ગયો હતો અને ત્યાં તેની બહેનપણી આવ્યા બાદ તેમણે પોલીસને જાણ કરવાનું કહ્યું હતું, પણ બહેનપણીએ તેમને ના પાડી દીધી હતી. પોલીસને આ બહેનપણી પાસેથી પણ પોલીસને કોઇ કડી મળી શકે છે, પણ પોલીસ હજુ તપાસ ચાલુ હોવાનું રટણ કરી રહી છે.
- પોલીસે પીડિતાનો મોબાઇલ ફોનના આધારે પણ તપાસ કરી છે, પણ કઇ કડી મળી નથી. જો યુવતીના મોબાઇલના ડેટા અને મેસેજ તથા સીડીઆરની તપાસ કરાય તોપણ નક્કર કડી મળી શકે છે.
- પોલીસે આ વિસ્તારના 15 હજારથી વધુ મોબાઇલ ફોનને ટ્રેસ કર્યા છે અને એમાં બંને નરાધમો વિશે પણ કોઇ કડી મળી શકે છે, પણ 14 દિવસની તપાસ પછી પણ પોલીસ તપાસ ચાલુ છે એમ જ કહી રહી છે.
- પોલીસ છેલ્લા 14 દિવસથી રિક્ષા અને સાઇકલને શોધી રહી છે. પીડિતાની સાઇકલ કોણે ગાયબ કરી એ મુદ્દે પોલીસે આ વિસ્તારના સાઇકલના વેપારીઓની પૂછપરછ કરી છે, પણ હજુ સાઇકલ મળી નથી.
ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાની ડાયરીએ રહસ્યો ખોલ્યા
વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ અનેક રહસ્યો ખોલ્યા છે. પીડિતાએ તેની ડાયરીમાં મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક વાત એવી પણ તેણીએ લખી છે કે, તે બંને મવાલી જેવા ન હતા. પીડિતાએ ડાયરીમાં કેટલીક બાબતો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં લખી હતી. તેણીએ ડાયરીમાં લખ્યું હતું કે, સાઇકલ લેવા તે ચકલી સર્કલ ગઇ પણ ત્યાં ભીડ હતી એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાઇકલને જોરથી ધક્કો માર્યો અને દીવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ હતી. તેવામાં બે લોકોએ તેની આંખો બાંધી દીધી અને માથામાં જોરથી મારતા તે અર્ધ બેભાન થઇ ગઇ હતી.’
