- આ ફ્લાઈટમાં મુસાફરી કરનારા અન્ય પ્રવાસીઓના પણ RT-PCR ટેસ્ટ થયા, તમામ નેગેટિવ આવ્યા
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે વિદેશથી આવનારા મુસાફરોના અમદાવાદ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે મોડી રાત્રે લંડનની ફ્લાઈટમાં આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવનારી યુવતી વડોદરાની હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. હાલમાં આ યુવતીને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં વધુ તપાસ માટે દાખલ કરવામાં આવી છે. જ્યારે ફ્લાઈટમાં આવેલા અન્ય પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને એ નેગેટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ યુવતીની વધુ માહિતી મેળવી અને ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ શરૂ કરી છે.
તમામ મુસાફરોએ સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે લંડનથી આવેલી એક યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ જ ફ્લાઈટના અન્ય મુસાફરોના કરવામાં આવેલા RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવતાં કેન્દ્રના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન્સ પ્રમાણે નેગેટિવ આવેલા તમામ મુસાફરોએ સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. એ પછી તેમનો ફરી એકવાર RT-PCR ટેસ્ટ કરવાનો રહેશે અને એની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.
લંડનથી 222 પ્રવાસી સીધી ફ્લાઈટથી અમદાવાદ આવ્યા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે, શુક્રવારે લંડનથી 222 પ્રવાસી સીધી ફ્લાઇટ મારફત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ તંત્ર તરફથી હાઈરિસ્ક ધરાવતા દેશોમાંથી આવનારા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે 222 પ્રવાસીના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. એ બાદમાં 1 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવી ગયો હતો, આથી તેને પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ત્રણ દિવસમાં વિદેશથી આવેલા 220 મુસાફરના કોરોના ટેસ્ટ કરાયા
કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ના કેસો સાઉથ આફ્રિકા સહિત કેટલાક દેશોમાં ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી કેટલીક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે, જેમાં વિદેશોથી અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન કુલ 220 વિદેશી પ્રવાસીના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે તમામ ટેસ્ટ “નેગેટિવ’ આવ્યા છે.
1 ડિસેમ્બરે 20, 2 ડિસેમ્બરે 14 અને 3 ડિસેમ્બરે 22 મુસાફરો આવ્યા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરે હાઈ રિસ્ક દેશોમાંથી 50, 2 ડિસેમ્બરે 42 અને 3 ડિસેમ્બરે 72 પ્રવાસીઓ આવ્યા હતા. હાઈ રિસ્ક વગરના દેશોમાંથી 1 ડિસેમ્બરે 20, 2 ડિસેમ્બરે 14 અને 3 ડિસેમ્બરે 22 મુસાફરો આવ્યા હતા. આ તમામ વિદેશ યાત્રીઓના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ યાત્રીઓના નેગેટિવ રિપોર્ટ આવ્યા હોવા છતાં તમામ મુસાફરોને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે અને ત્યાર પછી તેમણે ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવવાનો રહેશે.
હાઈ રિસ્ક સિવાયના દેશોની કેટેગરી નક્કી કરાઈ
ઓમિક્રોન વેરિયન્ટને પગલે ‘હાઈરિસ્ક’ કેટેગરીના દેશો અને હાઈરિસ્ક સિવાયના દેશોની કેટેગરી નક્કી કરાઈ છે. આ વિદેશોમાંથી આવતા વિમાની પ્રવાસીઓના એરપોર્ટ પર જ રૂ.2700ના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવીને 4 કલાકમાં તેનો રિપોર્ટ નેગેટિવ’ આવ્યા પછી જવા દેવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું છે.
