રાજકોટમાં હાર્દિકના ચાબખા:‘કોરોનામાં CM તરીકે રૂપાણી અને મંત્રીમંડળ ફેલ થતાં બધું બદલાયું, અમારા તો પ્રમુખ અને વિપક્ષનેતાએ રાજીનામાં આપ્યાં, પણ સ્વીકારાયા નથી’

By Abhishek Raghuvanshi
5 Min Read
  • દિલ્હીથી બેઠા બેઠા ગુજરાત ચલાવવાની સરકાર હવે આગળ નહીં ચાલે
  • બીજી લહેરમાં સરકારની અણઆવડતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા

કોવિડ-19 ન્યાયયાત્રાને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટ આવ્યા છે. હાર્દિક પટેલે પ્રેસ-કોન્ફરન્સ યોજી સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનામાં CM તરીકે રૂપાણી અને તેમનું આખું મંત્રીમંડળ ફેલ થતાં આ બધું બદલાવવામાં આવ્યું છે. જ્યારે અમારા તો પ્રમુખ અને વિપક્ષનેતાએ જ રાજીનામાં આપ્યાં છે. જોકે હાઇકમાન્ડે હજુ સુધી બંનેનાં રાજીનામાં સ્વીકાર્યાં નથી

નવી સરકાર પાસે કોઇ અપેક્ષા નથી
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે નવી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, નવી સરકારમાં ન તો ભણતર છે ન તો ગણતર છે. ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કદાચ એક મહિના પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ન પણ હોય. કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ગુજરાત રાજ્યને નવા પ્રભારી આપશે. આ પ્રભારી ગામડે ગામડે પહોંચી 2022ના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરશે. કોરોના મહામારીના કારણે અમારી પાર્ટીએ કોઇ બદલાવ કર્યો નથી.

રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી સરકારની ઝાટકણી કાઢી.

બીજી લહેરમાં સરકારની અણઆવડતથી અનેક લોકોના મૃત્યુ થયા
કોવિડ-19ની બીજી લહેર દરમિયાન સરકાર દ્વારા હોસ્પિટલોમાં પૂરતા બેડ ન આપી શકવા અને સમયસર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ન આપી શકવાથી લોકોના મૃત્યુ થયા છે. સરકારની અણઆવડતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલવાની જરૂર પડી છે. દિલ્હીથી બેઠા બેઠા ગુજરાત ચલાવવાની સરકાર હવે આગળ નહીં ચાલે. કોંગ્રેસ મુદ્દા આધારિત ચૂંટણી લડે છે અને ભાજપ જાતિ આધારિત ચૂંટણી લડે છે.

2 અઠવાડિયામાં 22000 કરતા વધુ પરિવારોની મુલાકાત લીધી
કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવીડ-19 ન્યાયયાત્રા 16 ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષે શરુ કરી હતી. કોવીડ-19 ન્યાયયાત્રામાં 2 અઠવાડિયાનાં સમયગાળામાં જ 22000 કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે 31,850 કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરીને આપ્યા છે. એનો અર્થ ગુજરાતમાં સરકારનાં 10,081 સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓનાં આંકડા છે તેના કરતા ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર 4 અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ-19 ન્યાયયાત્રામાં સામે આવી છે.

- Advertisement -

3 લાખ લોકોના મૃત્યુ થયા તે પાછા નહિ આવી જાય
જેમાં ઝોન પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોનમાં 11208, ઉતર ઝોનમાં 8045, મધ્ય ઝોનમાં 5136, દક્ષિણ ઝોનમાં 7461 એમ ટોટલ 31850 પરિવારજનોએ ફોર્મ ભરીને આપેલા છે.
ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાનાં કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય એવું દુઃખ વેઠ્યું છે. રાજ્ય સરકારના અણઘડ વહીવટનાં કારણે અનેક પરિવારોએ જે યાતનાઓ ભોગવી છે તેના પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસને અમારી ન્યાયયાત્રા દરમિયાન પ્રાપ્ત થયા છે અને હવે ચૂંટણી આવી છે એટલે તેના હાઈકમાન્ડે ચેહરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છૂપાવવાની કોશિશ કરી છે. ચહેરો બદલવાથી, પાપ ધોવાઈ નહિ જાય, 3 લાખ લોકોના મૃત્યુ થયા તે પાછા નહિ આવી જાય.

સરકારે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો-હાર્દિક પટેલ.

સરકાર લોકોની સેવા કરવા માટે નિષ્ફળ ગઈ છે
કોવિડ-19 ન્યાયયાત્રાનો મતલબ સ્પષ્ટ છે કે, કોરોના મહામારીમાં જે લોકોએ સામનો કર્યો હતો તે પરિવારને ન્યાય મળે. જે પરિવારે મેડિકલના નામે સહાય માગી હતી તેઓને સહાય મળવી જોઇએ. લાખો રૂપિયાના ખર્ચા મેડિકલમાં થયા છે તે પરિવારને સહાય આપવા માટે સરકારે ચિંતા કરવી જોઇએ. આપણું બંધારણ કહે છે કે, શિક્ષણ અને મેડિકલમાં કોઇ પણ પ્રકારનો ખર્ચો ન હોવો જોઇએ. આ સરકાર લોકોની સેવા કરવા માટે નિષ્ફળ ગઈ છે. લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારની ખોટી નીતિને કારણે લાખો લોકોના મૃત્યુ થયા છે. 25 વર્ષથી શાસન કરતી સરકાર પાસે હોસ્પિટલમાં બેડ ન હોય તો લોકો માટે શું કરી દેવાની.

હાર્દિકની સૌરાષ્ટ્ર મુલાકાતમાં વધારો
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલની સૌરાષ્ટ્ર મુલાકાતમાં વધારો થયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ વધુ હોવાથી અને સૌરાષ્ટ્રમાં ભાજપનાં જૂથવાદ તેમજ કોંગ્રેસમાં પોતાના સારા દેખાવનાં કારણે અવારનવાર સૌરાષ્ટ્રની મુલાકાત લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સુરત બાદ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની નજર હોવાથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકર્તા સાથે સમયાંતરે બેઠકો યોજી રહ્યા છે.

Exit mobile version