- યુવાન દોડની પરીક્ષામાં નાપાસ થતા નિરાશ થઇ ગયો હતો
- મૃતક યુવાન ત્રણ ભાઇમાં નાનો હતો, પિતા લુહારી કામ કરે છે
રાજકોટના સરધાર નજીક લીલી સાજડીયાળી ગામમાં 26 વર્ષના યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ પુરી ન કરી શકતા નિરાશ થઇ જતાં ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ યુવાને દોડની પરીક્ષામાં નાપાસ થતા આ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. યુવાનના આપઘાતથી પરિવાર પણ આઘાતમાં ગરકાવ થયો છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સરધાર નજીક લીલી સાજડીયાળી ગામે રહેતાં નિકુંજ ધીરજલાલ મકવાણા (ઉં.વ.26)એ ગઇકાલે ઝેરી દવા પી લેતા 108ના અરવિંદભાઇ અને સંજયભાઇએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. પરંતુ થોડા કલાકોની સારવારને અંતે દમ તોડી દેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના ASI કે.વી. ગામેતી અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતકના પિતા લુહારી કામ કરે છે
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિકુંજ ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા લુહારી કામ કરે છે. નિકુંજ પોલીસમાં ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરતો હતો અને ફોર્મ પણ ભર્યુ હતું. આ ભરતી માટેની દોડ યોજાઇ હતી. જેમાં તે નાપાસ થયો હતો. દોડ પુરી કરી શક્યો ન હોવાથી તે સતત ચિંતામાં રહેતો હતો. આ કારણોસર ગઇકાલે તેણે ઝેરી દવા પી લીધાનું બહાર આવ્યું હતું. આશાસ્પદ દીકરાના આ પગલાથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
3 દિવસ પહેલા રાજકોટમાં નિવૃત્ત SRPના પુત્રએ આપઘાત કર્યો હતો
ત્રણ દિવસ પહેલા રાજકોટના ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચૂડાસમા તથા માતા-બહેન સાથે ટીવી જોતા હતા. રાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારજનો સૂવા માટે ઉપરના રૂમમાં જતાં પહેલાં યુવરાજસિંહને પૂછતાં ‘તમે જાઓ, હું ટીવી જોઇને આવું છું’ એમ કહેતાં તેઓ ઉપરના રૂમમાં ગયાં હતાં. બાદમાં યુવરાજસિંહે પિતાની જ શોટગનમાંથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. પુત્ર સૂવા ન આવતાં પિતા તેને બોલાવવા માટે નીચે ઊતરતાં યુવરાજસિંહ સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જોવા મળતાં પિતાએ દેકારો મચાવતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યાં હતા.
