- ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
- પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું
- ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સીઝનનો 12 ટકા વરસાદ
- જૂનાગઢમાં 24 કલાકમાં સીઝનનો 14 ટકા વરસાદ પડ્યો
રાજ્યમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ ગઈ છે. જન્માષ્ટમીના પર્વ બાદ રાજ્યના કેટલાય જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે બુધવારે ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર-સોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદને પગલે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું હતું. આ ઉપરાંત 10 ઈંચ વરસાદને કારણે પ્રશ્રાવડા ગામના નીચાણવાળાં ઘરોમાં પાણી ભરાયાં હતાં તેમજ ગામની શેરીઓમાં નદીઓનાં ઘોડાપૂર જેવાં દૃશ્યો સર્જાયાં હતાં.
સરસ્વતી નદીમાં નવા નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ
ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું હતું. જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ પડતાં પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીકિનારે સ્થિત ભગવાન માધવરાય મંદિર પાણીમાં જળમગ્ન થઈ ગયું હતું. જોકે સરસ્વતી નદીમાં નવા નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ જિલ્લામાં વરસાદ વરસતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
ગીર-સોમનાથ તાલુકાના સુત્રાપાડામાં 10 ઇંચ, વેરાવળમાં 6, તલાલામાં 4, કોડીનારમાં 3.3, ગીર- ગઢડામાં 2.7 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં 7.4 ઇંચ, માંગરોળમાં 6.7, માળિયામાં 5.2, વિસાવદરમાં 5.1, કેશોદમાં 4.5, ભેસાણમાં 4.2, જૂનાગઢમાં 3.8, જૂનાગઢ શહેરમાં 3.8, મેંદરડામાં 3.1 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સીઝનનો 12 ટકા અને જૂનાગઢમાં 14 ટકા વરસાદ પડ્યો છે. અત્યારસુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં સીઝનનો 61 અને જૂનાગઢમાં 68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
